Columns

હું તો તારી સાથે જ છું…

એક અતિ શ્રીમંત શેઠ ભગવાનના પરમ ભક્ત. દિલથી પ્રભુની સેવા કરે. દાન ધર્મ કરે અને પોતાનો વ્યાપાર નીતિથી સંભાળે… આ શ્રીમંત શેઠ પ્રભુ ભક્ત શેઠ તરીકે પણ ઓળખાતા હતા. સમાજમાં મોટું નામ હતું. બહોળા કુટુંબમાં તેમણે પૂછ્યા વિના કંઈ ન થતું. મિત્ર વર્તુળમાં અતિ પ્રિય હતાં. બધાને જ્યારે જરૂર પડે મદદ કરતા….પત્ની પણ હંમેશા સાથ આપતા. પુત્ર અને પુત્રવધુઓ પણ પડ્યો બોલ ઝીલતાં… દોમ દોમ સાહ્યબી હતી, સુખ છલકતું હતું. દિવસે દિવસે પોતાની ભક્તિ વધારતા અને દરેક વસ્તુ માટે ઈશ્વરનો રોજ આભાર માનતા.

શેઠને રોજ એક જ સપનું આવતું કે તેઓ નદીકિનારે ચાલી રહ્યા છે અને અદૃશ્ય રૂપે પરમાત્મા પણ તેમની સાથે ચાલી રહ્યા છે અને પ્રભુ સાથે છે તેની સાબિતી રૂપે શેઠને નદી કિનારાની ભીની રેતીમાં બે નહિં પણ ચાર પગલા દેખાતા… બે પોતાનાં અને બે બાજુમાં પ્રભુનાં….શેઠ રોજ આ સપનું જોતા અને રોજ સવારે ઈશ્વરનો આભાર માનતા અને કહેતા, ‘બસ પ્રભુ આમ જ સાથે રહેજો’…

હવે થવા કાળ બન્યું એવું કે શેઠનો વિદેશી વેપારી સાથે કરેલો એક મોટો સોદો ખોટો પડ્યો… જીવનભરની કમાણી એક સોદામાં ડૂબી ગઈ. મોટી નુકસાની થઇ. નીતિવાન શેઠે બધી મિલકત વેચીને નુકસાન ભરપાઈ કર્યું પણ શેઠ હવે શેઠ ન રહ્યા… હવે કોઈ સમાજમાં પૂછતું નહિ. કુટુંબમાં કોઈ બોલાવતું નહિ. મિત્રો સાથ છોડી ગયા, પુત્રો અને પુત્રવધુઓ આ પરિસ્થિતિ માટે તેમણે જવાબદાર ગણી રોજ અપમાન કરતા… પત્ની પણ ઝઘડવા લાગ્યા.. બધું બદલાઈ ગયું.. પળવારમાં પૈસા જતા બધા સાથ છોડી ગયા.

બસ ન બદલાઈ તો શેઠની ઈશ્વરમાં શ્રદ્ધા….પણ રોજ રાત્રે આવતા પેલા ભગવાન સાથે ચાલે છે તે સપનામાં પણ બદલાવ આવ્યો હવે શેઠને ચાર નહિ બે પગલાં જ દેખતા હતાં. બધું સહન કરી જનાર શેઠ એક દિવસ હતાશ થઇ રડી ઉઠ્યા… પ્રભુને વિનવવા લાગ્યા કે મારી ભક્તિમાં શું ખામી રહી ગઈ કે આ વિકટ પરિસ્થિતિમાં બધાની જેમ તમે પણ મારો સાથ છોડી ગયા…. એ રાત્રે શેઠ રડતા રડતા સુઈ ગયા ત્યારે પ્રભુએ સપનામાં આવી માત્ર પગલા નહિ પૂર્ણ દૃશ્ય દેખાડ્યું જેમાં પ્રભુ શેઠને તેડીને ચાલતા હતા અને જે બે પગલા હતા તે પ્રભુના જ હતા…. પ્રભુએ કહ્યું,‘હું મારા ભક્તોનો સાથ ક્યારેય છોડતો નથી… હું તો તારી સાથે જ છું’

Most Popular

To Top