આપણે બધાં જ જીવનમાં ડગલે ને પગલે આ વાક્યો બોલીએ છીએ અને સાંભળીએ છીએ કે ‘આજે ટાઈમ નથી.હું તો બહુ બીઝી છું.મને તો ખાવાની પણ ફુરસદ નથી વગેરે વગેરે.જે વાક્યો એમ દર્શાવે છે કે આપણે સતત કામ કરી રહ્યાં છીએ.સતત દોડી રહ્યાં છીએ અને અટકવા તૈયાર જ નથી.બધાની આ પરિસ્થિતિ છે ત્યારે આ નાનકડો સોક્રેટિસનો વિચાર જાણવા જેવો છે.
એક દિવસ સોક્રેટીસ ટેબલ પર ઘણા બધા કાગળો પાથરીને કૈંક વાંચી રહ્યા હતા. કૈંક શોધી રહ્યા હતા અને થોડી થોડી વારે કૈંક નોંધ કરી રહ્યા હતા ત્યારે તેમનો બહુ જુનો બાળપણનો મિત્ર તેમને મળવા આવ્યો.સોક્રેટીસ કામમાં હતા એટલે મિત્ર થોડી વાર રાહ જોઇને બેઠો.કોઇ પણ રીતે તેને સોક્રેટીસને કામમાં ખલેલ પહોંચાડી નહિ.આમ ઘણો સમય વીતી ગયો.મિત્ર બસ હવે ઊઠવાનું જ વિચારતો હતો ત્યાં સોક્રેટીસ પાણી પીવા ઊભા થયા અને તેમનું ધ્યાન મિત્ર પર ગયું. તેઓ દોડીને મિત્રને ભેટ્યા અને બોલ્યા, ‘અરે દોસ્ત, બહુ વખતે મળ્યા.ચલ આજે ઘણી વાતો કરીશું.’મિત્રે કહ્યું, ‘અરે હું ક્યારનો આવ્યો છું પણ તમે કામમાં હતા અને મને ખલેલ પહોંચાડવાનું બરાબર ન લાગ્યું.તમે બહુ વ્યસ્ત લાગો છો, વાંધો નહિ હું પછી આવીશ.’
સોક્રેટીસ બોલ્યા, ‘દોસ્ત ,આઓને બાળપણના મિત્ર છીએ.તારા માટે હું તારો દોસ્ત છું.વિચારક નહિ, સમજ્યો, આ શું તમે તમે …તું કહે દોસ્ત અને સાંભળ કામ તો છે અને થતું રહેશે, પણ જયારે દોસ્ત મળવા આવે ત્યારે પણ કામમાં જ ગળાડૂબ રહીને મારે દોસ્તીની અને મસ્તીની રસભરી ઘડીઓ ગુમાવવી નથી.ચલ કોફી પીએ અને વાતો કરીએ.’ મિત્ર બોલ્યો, ‘અરે તમે.માફ કરજે તું બહુ વ્યસ્ત છે અને હું તને આમ જ મળવા આવી ગયો.’
સોક્રેટીસે બહુ સરસ જવાબ આપ્યો, ‘દોસ્ત, સાંભળ. વ્યસ્તતા જીવનને કયારે વેરાન બનાવી દે તે ખબર પડતી નથી એટલે હંમેશા ધ્યાન રાખવું કે તમારી વ્યસ્તતા તમારા જીવનને બેજાન બનાવી ન નાખે.જીવનમાં બધાં કામ કરે છે અને બધાં વ્યસ્ત છે.પણ માણસો જાણતા નથી કે વ્યસ્ત રહીને તેઓ શું ગુમાવી રહ્યા છે.બધા જ દોડી રહ્યા છે ..ક્યાં ..કેમ અને શું મેળવવા? શા માટે? તેની કોઈને જ ખબર નથી અને બસ, આ વ્યસ્ત રહેવામાં અને કામ પાછળ ભાગતાં રહેવામાં તેઓ જિંદગીને માણવાનું ભૂલી જાય છે.જીવન મસ્તીથી જીવવાનું ભૂલી જાય છે.
જો આજે હું એકદમ વ્યસ્ત હતો એટલે મારો દિવસ રોજિંદા કર્મ પ્રમાણે કામથી ભરેલો હતો જે મને થકવી નાખે પણ તું આવ્યો, તને મળ્યો અને તારી સાથે વાતો કરીશ ત્યારે એમ લાગશે દોસ્તી માણી જાણે આજે દિવસ વસુલ થઇ ગયો.તું માફી ન માંગ. હું તારો આભારી છું.’બંને દોસ્તોએ સાંજ મસ્તીભરી વાતો અને ખડખડાટ હાસ્યથી ભરીને મન મૂકીને માણી.’ જો જો સતત વ્યસ્ત રહેવામાં જીવન માણવાનું રહી ન જાય.બીઝી હો છતાં જીવનની ખુશીઓ માટે સમય કાઢો નહિ તો જીવન વેરણ બેરંગ બની જશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.