નવસારી: (Navsari) વિજલપોરમાં બે ભાઇઓએ ‘હું આર્મી રીટાયર્ડ છુ, એક-બે મર્ડર કરી નાંખીશ તો કંઇ ફરક નહિ પડે’ કહી યુવાનને માર મારતા મામલો જલાલપોર પોલીસ (Police) મથકે પહોંચ્યો છે. મળતી માહિતી મુજબ, વિજલપોરના (Vijalpor) આનંદ નગરમાં વિપુલભાઇ હરીશંકરભાઇ પાંડે તેમના પરિવાર સાથે રહે છે. અને વિપુલભાઇ રાનકુવા ખાતે સેલ્ફ ડિફેન્સ તથા મહિલા સશક્તિકરણની તાલીમ આપે છે. ગત 3જીએ સાંજે વિપુલભાઇના ભાઇ અતુલ તેની કાર (નં. જીજે-21-સીબી-5310) લઇને ઘરે આવી રહ્યા હતા.
ત્યારે આનંદનગરના નાકે આવેલા પુલ પાસે મોહનભાઇ તિવારીએ તેમની કાર લઇ આવતા સાઇડ બાબતે અતુલ સાથે ઝઘડો કરી અપશબ્દો બોલવા લાગ્યા હતા. જેથી અતુલે વિપુલભાઇને ફોન કરી જણાવ્યુ હતુ કે, ‘આનંદ નગરના નાકે પાસે તુ જલ્દીથી આવ, અહીયા મારી સાથે આપના મહોલ્લામાં રહેતા મોહનભાઇ તિવારી તથા તેનો મોટો ભાઇ હેમંતભાઇ તિવારી વાહનને સાઇડ આપવા બાબતે ઝઘડો કરે છે.
જેથી વિપુલભાઇ તરત તેના પાસે પહોંચ્યા હતા. જ્યાં મોહનભાઇ અતુલ અને તેમની બહેન પુતુલબેનને અપશબ્દો બોલતા વિપુલભાઇએ તેમને અપશબ્દો બોલવાની ના પાડતા હેમંતભાઇએ એકદમ ઉશ્કેરાઇ જઇ વિપુલભાઇને ધક્કો મારી માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ મોહનભાઇ તિવારી કહેવા લાગ્યા હતા કે, હું આર્મી રીટાયર્ડ છુ, એક-બે મર્ડર કરી નાંખીશ તો મને કંઇ ફરક નહી પડે તેમ કહી માર મારવા લાગ્યા હતા. જેથી લોકોએ તેઓને છોડાવ્યા હતા. અને વિપુલભાઇ તેમની કાર લઇને નીકળી રહ્યા હતા ત્યારે મોહનભાઇએ તમને બધાને પતાવી દઇશ તેવી ધમકી આપી હતી.
‘પોલીસ સ્ટેશનમાં જશે તો અકસ્માત કરીને મારી નાંખીશ’ – દાંડીની મહિલા ડોક્ટરને ધમકી
વલસાડ: ‘તેં મારી સાથે ફ્રેન્ડશિપ કેમ તોડી નાંખી અને મારો ફોન કેમ રિસિવ નથી કરતી’ તેમ કહીને મહિલા ડોક્ટરને માર મારીને મોબાઇલ પડાવી લેતાં મહિલા તબીબે ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ વલસાડના દાંડી ગામે નિશાળ ફળિયામાં રહેતી અમીબેન પ્રકાશભાઈ પટેલ ડુંગળી ડી.ડી.વૈદ્ય હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી ડોક્ટર તરીકે છેલ્લાં ચાર વર્ષથી નોકરી કરે છે. ગણદેવીના બીગરી ગામે મોટા ફળિયામાં રહેતા વિકી કરસન પટેલ સાથે છેલ્લાં ત્રણ વર્ષથી અમીને મિત્રતા હતી. વિકી દારૂ પીવાની ટેવવાળો હોય અને અન્ય બીજી ખોટી આદતોને લઈ તેની સામે ગણદેવી પોલીસ મથકમાં ગુના પણ નોંધાયા હતા. જેના કારણે અમીએ વિકી સાથે મિત્રતા તોડી નાંખી હતી. ગત શનિવારે અમી ડુંગરી ખાતે વૈદ્યની હોસ્પિટલમાં નોકરી માટે ગઈ હતી. ત્યારે વિકીએ અમીને ફોન કરીને ગાળો આપી હતી. વિકીએ અમીને હોસ્પિટલના કંપાઉન્ડમાં બોલાવીને જણાવ્યું કે, તેં મારી સાથે ફેન્ડશિપ કેમ તોડી નાંખી અને મારો ફોન કેમ રિસિવ કરતી નથી, તેમ કહી અમી સાથે ઝઘડો કર્યો હતો. વિકીએ અમીને માર મારીને તેનો ફોન લઈ લીધો હતો. અમીએ ફોનની માંગણી કરતાં વિકીએ ટ્રકથી એક્સિડન્ટ કરીને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ અંગેની ફરિયાદ અમી પટેલે ડુંગરી પોલીસ મથકે નોંધાવી હતી.