રૂપાણી સરકારની સાથે આઉટ થયેલા પૂર્વ ડે. સીએમ નીતિન પટેલે ગુરૂવારે કહ્યું હતું કે, હું જરાયે નારાજ નથી. જો કે આગામી 2022ની ચૂંટણી હું મહેસાણાથી લડીશ.આજે રાજભવન ખાતે નવા નીમાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોના સપથ વિધી સમારોહમાં નીતિન પટેલે હાજરી આપી હતી. આ શપથ વિધી પૂર્ણ થયા બાદ પટેલે કહ્યું હતું કે હું નારાજ નથી. ભાજપમાં રહેવાનો છું.
પટેલે કહ્યું હતું કે પાર્ટી હાઈકમાન્ડે આખી કેબીનેટને પડતો મૂકવાનો નિર્ણય લીધો છે એટલે તેમાં સમજી વિચારીને પગલુ ભર્યુ છે. હાઈકમાન્ડના નિર્ણચ સાથે મારી સંમતિ છે. હું પાર્ટીની વિવિધ સમિતિઓમાં સભ્ય તરીકે છું એટલે હું માટે કામ કરીશ.
તેમણે કહ્યુ હું 2022ની ચૂંટણી મહેસાણાથી લડીશ, છેલ્લા 50 વર્ષમાં મહેસાણામાં કામ નથી થયા તેટલા વિકાસના કામો મેં છેલ્લા 7 વર્ષમાં કર્યા છે.
વિધાનસભાની ચૂંટણી કયાંથી લડવી તે મારે નક્કી કરવાનું છે, જ્યારે ટિકીટ આપવી કે નહીં ? મંત્રી બનાવવાનો કે નહીં ? તે પાર્ટીએ નક્કી કરવાનું છે. હું 40 વર્ષથી રાજનીતિમાં છું, એટલું જ નહીં લોકોના હ્રદયમાં મારૂ સ્થાન છે. લોકચાહના મારી વર્ષોની મહેનત છે. હું લોકોની સેવા કરતો રહ્યો છું અને કરતો રહીશ. મેં કયારેય સત્તા મટે વલખા માર્યા નથી કે સત્તા માટે પાછળ ફર્યો નથી. મેં સરકારમાં 10 વિભાગો પણ સંભાળ્યા છે.