Columns

હું ફીટ એન્ડ ફાઈન છું

એક સરસ મજાનું ફેમીલી ગેટ ટુ ગેધર ચાલી રહ્યું હતું.ફેમિલીના વડીલનો જન્મદિવસ હતો. આમ તો દાદા લાકડીના સહારે ચાલતા હતા પણ ચહેરા પરની લાલી અકબંધ હતી. દવાઓ ખાઈને જીવતા હતા તો પણ દરેક કાર્યક્રમમાં હોંશથી ભાગ લેતા હતા અને આજે તો તેમનો જન્મદિવસ હતો.દાદા લાકડીને સહારે સ્ટેજ પર ચડ્યા, કેક પણ કાપી અને કેક કાપ્યા પછી જે ગીત વાગ્યું તેમાં ડાન્સ પણ કર્યો. કેક કટીંગ પછી દાદાના પૌત્ર-પૌત્રીઓ દાદાની આજુબાજુ ગોઠવાઈ ગયાં અને કહેવા લાગ્યાં કે ‘દાદા, આજે તમારાં 85 વર્ષના જીવનમાંથી અમને કંઈક કહો.

શું તમે એકદમ ફિટ એન્ડ ફાઈન છો તો તેનું રહસ્ય શું છે?’ દાદાએ કહ્યું, ‘કોણે કહ્યું, હું ફિટ એન્ડ ફાઈન છું? હું દર મહિને ડોક્ટર પાસે જાઉં છું અને ડોક્ટર જેટલી બધી દવાઓ લખી આપે છે તે બધી લેવા ફાર્મસીસ પાસે પણ જાઉં છું. બધી દવા ઘરે લઈને પણ આવું છું. થોડી ખાઉં છું, ઘણી બધી ફેંકી દઉં છું.’ બધાં હસી પડ્યાં અને પૌત્રી બોલી, ‘કેમ એવું કરો છો?’ દાદાએ કહ્યું, ‘હું ફીટ એન્ડ ફાઈન રહેવાની કોશિશ કરું છું.એમ કહું કે એક્ટિંગ કરું છું એટલે તમને લાગે છે કે હું ફિટ એન્ડ ફાઇન છું અને મને અને મારા મનને પણ લાગે છે કે હું ઠીક છું.’ પૌત્ર બોલ્યો, ‘એવી એક્ટિંગ કરવાની શું જરૂર છે?’ દાદાએ કહ્યું, ‘જો આપણે મનથી ભાંગી ના જઈએ ને તો આપણે ફીટ એન્ડ ફાઈન રહી જ શકીએ. મારે જીવતાં રહેવું છે અને જીવતાં રહેવા માટે મારે હસતાં રહેવું છે. મારી તબિયત ખરાબ છે, આજે પગ દુખે છે. આજે પેટ દુખે છે. આજે માથું દુખે છે.

એવાં રોદણાં મારે ક્યારેય રડવાં નથી અને એટલે જ હું તો બસ હસતો રહું છું. દરેક કામમાં આગળ જ રહું છું. દરેક કાર્યક્રમમાં પહેલો પહોંચી જાઉં છું. આજે પણ ગમતી મુવીનો ફર્સ્ટ શો જોવા જાઉં છું. ઘરે પણ ઓટીટી પર  બધા કાર્યક્રમ જોઈ લઉં છું અને તમારા જેવા યંગસ્ટર સાથે ઘણી બધી વાતો પણ કરું છું. હવે તો મને મોબાઈલ ચલાવતાં પણ આવડી ગયો છે.બસ, નવું નવું શીખતો રહું છું.મનને હંમેશા એમ જ કહું છું હું ફીટ છું અને બસ મસ્તીથી જિંદગી જીવતો રહું છું.’૮૫ વર્ષના દાદાની જિંદગી જીવવાની રીત સાંભળીને હાજર રહેલા દરેકે દરેકને જાણે જીવન જીવવાનો કીમિયો મળી ગયો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top