Columns

ખુદમાં સંપૂર્ણ છું

એક સફળ સ્ટાર્ટઅપની સી.ઈ.ઓ, જાત મહેનતે પોતાના યુનિક આઇડિયાને સફળ કર્યો અને અનેક જરૂરિયાતમંદ સ્ત્રીઓને રોજગાર આપ્યો. આ વર્ષે તેને ‘બેસ્ટ વુમન આન્ટ્રપ્રિન્યોર ઓફ ધ યર’એવોર્ડ મળ્યો. શીનાની નાની બહેને કહ્યું, ‘દીદી, એવોર્ડ લેવા જશો ત્યારે શું પહેરશો? તેને માટે સેલેબ્રિટી ડિઝાઈનર અને સ્ટાઇલિસ્ટની એપોઇન્ટમેન્ટ લઇ લઉં?’ શીનાએ કહ્યું, ‘ના શું જરૂર છે, મારી ફ્રેન્ડ ડિઝાઈનર છે અને તે સારા જ કપડા બનાવે છે.’ નાની બહેને પૂછ્યું, ‘દીદી શું પહેરશો?’ શીના બોલી, ‘જે રોજ પહેરું છું તે સાડી..’ આ જવાબ સાંભળી નાની બહેન મોઢું બગડતા બોલી, ‘દીદી, આટલો મોટો એવોર્ડ લેવા જશો ત્યારે સાડી પહેરશો? તમને ખબર છે કે ત્યાં કેટલા મોટા મોટા લોકો આવશે…

દુનિયાભરનું મીડિયા હશે… સાડી હવે કોઈ પહેરતું નથી, કોઈ ડિઝાઈનર સ્માર્ટ આઉટફીટ પહેરો જેમાં પાવર દેખાય… બોસ લેડી લાગી શકો… સ્ટાઇલિસ્ટ લાગી શકો. ત્યાં તમારા દેખાવથી લોકો પ્રભાવિત થશે તો તમારું કામ અને કોન્ટેક્ટ વધશે જે ભવિષ્યમાં કામ લાગશે.’ શીના હસી અને નાની બહેનને ટપલી મારતા બોલી, ‘કેમ અત્યારે હું રોજ સાડી પહેરું છું, ચાંદલો કરું છું, મને ગમતા દાગીના પહેરું છું એમાં હું ખરાબ લાગુ છું?’ નાની બહેન બોલી, ‘દીદી, એમ નથી કહેતી પણ ખરાબ નહીં લગાડતા તમારો આ લુક આટલા મોટા પ્લેટફોર્મ પર… ત્યાંના લોકો વચ્ચે થોડો જૂનવાણી અને સાદો લાગશે. મને તમારી ઈમેજની ચિંતા છે એટલે કહું છું.’ શીના બોલી, ‘જો મારી જીવનની એક ફિલસૂફી છે.

દુનિયામાં મારાથી બધી રીતે ચઢીયાતા ઘણા હશે. ઘણા મારાથી વધુ સફળ, વધુ સુંદર, વધુ સ્ટાઇલિસ્ટ હશે પણ હું જે છું તેમાં ખુશ છું. હું ખુદમાં જ પૂર્ણ છું. હું મારું કામ પૂરી નિષ્ઠાથી કરું છું, હું કોઈને આંજી નાખવા કે પ્રભાવિત કરવા તૈયાર નથી થતી અને કોઈ એવોર્ડ મેળવવા કામનથી કરતી. મને જે કામ કરવું ગમે છે તે હું કરું છું અને જેમ તૈયાર થવું હોય છે, જે પહેરવું હોય છે તે પહેરું છું. મારે કોઈના જેવા નથી બનવું. કોઈના જેવું કામ નથી કરવું. હું મારા કામથી અને મારા આ સાડી, ચાંદલા વાળા દેખાવથી ખુશ છું અને ખુદમાં સંપૂર્ણ છું, સમજી.’ શીના હસતીહસતી આત્મવિશ્વાસ સાથે કામ પર લાગી ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top