National

“હું પરિવાર સાથે સંબંધો તોડી રહી છું…” લાલુપ્રસાદ યાદવની દીકરી રોહિણીની પોસ્ટથી હડકંપ

બિહાર ચૂંટણીમાં આરજેડીને મોટી હાર બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં મતભેદો ઉભા થયા છે. લાલુની પુત્રી રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર પરિવારથી અલગ થવાનો નિર્ણય જાહેર કર્યો છે.

2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ની કારમી હાર થઈ છે. આરજેડી માત્ર 25 બેઠકો પર સીમિત રહી છે. નાલેશીજનક હાર બાદ પક્ષની અંદર ચાલતા ટકરાવ હવે બહાર આવી રહ્યા છે. લાલુ પ્રસાદ યાદવની નાની પુત્રી રોહિણી આચાર્યએ આજે તા. 15 નવેમ્બર શનિવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને રાજકીય અને વ્યક્તિગત રીતે મોટી જાહેરાત કરી છે.

રોહિણીએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે તેઓ “રાજકારણ અને પરિવારથી તમામ સંબંધ તોડી રહી છે.” તેમણે આગળ લખ્યું કે “સંજય યાદવ અને રમીઝે મને આવું કરવા કહ્યું છે. અને હું તમારો દોષ મારા શિરે લઈ રહી છું.” રોહિણીની આ પોસ્ટે લાલુ પરિવાર અને આરજેડી બંનેમાં હલચલ મચાવી દીધી છે.

આરજેડી માટે આ પહેલી આંતરિક સમસ્યા નથી. લાલુના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવ પહેલાથી જ પરિવારથી અલગ થઈ પોતાનો રાજકીય માર્ગ પસંદ કરી ચૂક્યા છે. ચૂંટણી પહેલાં તેજ પ્રતાપે પોતાની પાર્ટી ‘જનશક્તિ જનતા દળ’ બનાવી અને આરજેડી સામે લડી પણ હતી. હવે બીજી તરફ રોહિણી પણ રાજકારણમાંથી દુર થઈ રહી છે. જેના કારણે લાલુ પરિવારની એકતા પર ગંભીર સવાલો ઉભા થયા છે.

રોહિણી આચાર્યના આરોપોમાં સૌથી મોટું નામ સંજય યાદવનું છે. જેઓ તેજસ્વી યાદવના સૌથી વિશ્વસનીય સહયોગી માનવામાં આવે છે. સંજય યાદવ પર લગાવાયેલા આરોપો બાદ પાર્ટીમાં નેતૃત્વની ભૂમિકા અને નિર્ણયો પર પ્રશ્ન ઊભાં થયા છે.

રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે આ ઘટના માત્ર પરિવારની અંદરની લડાઈ નથી પરંતુ આરજેડી માટે એક ગંભીર સંકટનું સંકેત છે. ચૂંટણી પછી જ જ્યારે પાર્ટી મનોબળ ગુમાવી રહી છે. ત્યારે લાલુ પરિવારની અંદરની આ સ્થિતિ પાર્ટીના ભવિષ્યને વધુ મુશ્કેલ બનાવી શકે છે.

સોશિયલ મીડિયામાં રોહિણીની આ પોસ્ટ ભારે ચર્ચામાં છે અને લોકો પોતાના અભિપ્રાયો વ્યક્ત કરી રહ્યા છે.

Most Popular

To Top