એક તરફ આજે દિવસભર ગાંધીનગરમાં ભાજપની છાવણીમાં વિદાય લઈ રહેલા મંત્રીઓએ ધારાસભ્યો દ્વારા રજૂઆતોનો દોર ચાલુ રહ્યો હતો. બીજી તરફ આજે પાર્ટી હાઈકમાન્ડ હવે નો રિપીટ થીયરી પર મક્કમ રહ્યું હતું. તેમ છતાં નારાજ નેતાઓને પણ સમજાવવાના પ્રયાસો ચાલુ રહ્યાં હતાં.
ભાજપના આંતરિક સૂત્રોએ કહ્યું હતું કે, એક ડઝનથી વધારે પૂર્વ મંત્રીઓ આજે પૂર્વ સીએમ વિજય રૂપાણીને તેમના નિવાસ્થાન મળ્યા હતાં. આ મંત્રીઓનું રૂપાણીને એવુ કહેવું હતું કે, સાવ નવા નિશાળિયાઓ કરતાં થોડાંક સીનિયર મંત્રીઓને ચાલું રાખવા જોઈએ, આ બાબતે અમારી લાગણી તમે અમારી લાગણી હાઈકમાન્ડનાં બે નિરીક્ષકો સુધી પહોચાડો. બીજી તરફ એક ઈન્ટરવ્યૂમાં રૂપાણીએ કહ્યું હતું કે, નવી ઊર્જા સાથે નવા સીએમ કાર્ય કરી શકે તે માટે મેં રાજીનામું આપ્યું છે.
મને આગલી રાત્રે હાઈકમાન્ડ તરફ ફોન આવ્યો હતો. એટલે મેં બીજા દિવસે રાજભવનમાં જઈને રાજીનામું આપી દીધું હતું. મને પાંચ વર્ષ આપ્યા તે પૂરતાં છે. મેં સામે ચાલીને સંગઠનમાં કામ કરવાની તૈયારી દર્શાવી છે. હવે પાર્ટી જે કામ સોંપશે તે હું કરવા તૈયાર છું. મને બુથ લેવલનું કામ આપશે, તે પણ હું કરીશ.
હાઈકમાન્ડની નજીકના સૂત્રોના કહેવા પ્રમાણે નો રિપીટ થીયરીથી અમે સરકાર વિરોધી મતોના નુકસાનથી પાર્ટીને આગામી 13 માસના સમયગાળામા બચાવી શકીશું. સરકારમાંથી જેમને પડતાં મૂકવામાં આવનાર છે, તેઓને અણે સમજાવી રહ્યાં છીયે. બે થી ત્રણ જેટલા મહિલા ધારાસભ્યોને પણ સમાવાશે, તેમ સૂત્રોએ કહ્યું હતું. ભાજપના ધારાસભ્યોને બોર્ડ નિગમમાં સમાવવા કે કેમ ? તે મુદ્દે વિચારણા કરાશે.