Business

હાઇડ્રોજન એરપ્લેન અને વીજળીની એર ટેકસીઓની દિશા આ વરસમાં નક્કી થશે

આ નવા વરસમાં જે જે ટેકનોલોજીઓનો વિકાસ થશે તેમાંની કેટલીક વિષે ગયા સપ્તાહે અહીં ચર્ચા કરી હતી. કેટલીક આ સપ્તાહમાં. ભવિષ્યનાં મોટર વાહનો અને મશીનોનાં બળતણ વિષે જગત કયો રાહ અપનાવશે તે હજી સ્પષ્ટપણે નક્કી થઇ શકતું નથી. વિજ્ઞાન અને ટેકનોલોજી જગત હાલમાં ત્રિભેટા પર આવીને ઊભું છે. અહીં ફોસિલ ફયુઅલ અથવા પેટ્રોલિયમ ઇંધણનો માર્ગ હવે ખતમ થવાની તૈયારીમાં છે. આ માર્ગ પરનો પ્રવાસ હવે ફરજિયાત પૂરો કરવો પડશે. આગળ જવા માટે બે માર્ગ છે. એક છે હાઇડ્રોજન શકિત અને બીજી છે બેટરીમાં સંઘરી રાખેલી નિર્દોષ ઊર્જાઓ. જેવી કે સૂર્ય શકિત, પવન શકિત વગેરે.

આ બન્ને માર્ગે આગળ વધવામાં કેટલીક અડચણો, આફતો છે. વધુ વૈજ્ઞાનિક સંશોધનો ચાલી રહ્યાં છે. બન્ને પ્રકારની ઊર્જા નિર્દોષ છે. પણ હવે પછીનાં સંશોધનો વડે જે ઉર્જા વધુ સસ્તા દરે, વિપુલ માત્રામાં હાંસલ કરી શકાશે તેના પર તેની ભવિષ્યની સફળતા અવલંબે છે. ભારતમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)નું વલણ એવું છે કે પાણીમાંથી મળતો હાઇડ્રોજન ભવિષ્ય માટે આધાર રાખી શકાય તેવો ઊર્જા સ્ત્રોત બનશે. તેથી IOC(આઇઓસી) સંશોધનો અને વિકાસ માટે તે માર્ગ પર વધુ મૂડી રોકાણ કરી રહી છે. જો કે સૌર ઊર્જાને પણ આ સરકારી કંપની મહત્વ આપે છે. હાઇડ્રોજન ઊર્જાને સંગ્રહિત કરવા માટે ખૂબ શકિતશાળી, મજબૂત વાસણો, સિલિન્ડર વગેરે જોઇએ. એ ક્ષેત્રમાં પ્રગતિ થાય પછી બીજી અડચણો ખાસ મોટી નથી. બેટરી ઊર્જામાં મુશ્કેલી એ પાવરના વિતરણ અથવા ડિસ્ટ્રીબ્યુશનની છે. છતાં ભારતમાં અને વિદેશોમાં ખાનગી કંપનીઓ તેના વિતરણ, વેચાણ માટેનાં માળખાંઓ બાંધી રહી છે.

બેટરીમાં પાવર ભરવાનું સહેલું છે અને અઘરૂં પણ છે. ઘર આંગણે નાનાં વાહનને ચાર્જ કરી શકાય, પણ અમુક કિલોમિટરની રેન્જ પૂરી થયા પછી અઘરું છે. વળી ચાર્જ કરવું હોય તો લાંબો સમય લાગે. માટે પેટ્રોલ-ડિઝલનાં વાહનમાં બેસીને ગમે ત્યારે ગમે ત્યાં નીકળી પડયા એવી સ્વતંત્રતા વીજળીનાં વાહનોમાં મળતી નથી. બરાબર પ્લાનિંગ કરીને પ્રવાસ કરવો પડે. જો કે તો પણ વીજળીથી ચાલતા વાહનોનું વેચાણ શરૂ થઇ ચૂકયું છે અને લોકો ખરીદી પણ રહયાં છે. અનેક દેશોમાં તે લેશ માત્ર અવાજ કર્યા વગર રસ્તાપર દોડતા જોવા મળે છે. વીજળીથી ચાલતી મોટરગાડીઓ દેખાવમાં પણ ખૂબ આકર્ષક બનાવી શકાય છે. છતાં અમુક વાહનો માટે હાઇડ્રોજન પાવર પણ વધુ ઉપયોગી બનશે. જેમકે વિમાનો માટે બેટરીમાં સંઘરેલી વીજળી એટલી ઉપયુકત પુરવાર નહીં થાય જેટલી હાઇડ્રોજન શકિત બનશે. ટેકનોલોજીની નિહિત ખૂબીઓ અને ખામીઓને કારણે આવું બને છે.

બેટરી શકિત વડે નાના વિમાનોને થોડા કલાકો અથવા થોડે દૂર સુધીને ઉડાડીને લઇ જઇ શકાય. તેની રેન્જ ખાસ વધુ નથી. આજે પેટ્રોલિયમથી ઊડતું વિમાન સત્તરથી અઢાર કલાકની રોજની ફલાઇટોમાં ઊડે છે. તે પણ ત્રણસોથી ચારસો જણ અને તેઓને અઢારથી વીસ કલાક ચાલે એટલા સામાન, પાણી, બળતણ વગેરે સામાન સાથે. પરંતુ આ ટેકનોલોજીને અહીં સુધી પહોંચવા માટે એકસો કરતા વધુ વરસો લાગી ગયા છે. જયારે આટલી ગંજાવર શકિત અને ટેકનોલોજી માનવી પાસે ઓલરેડી હોય ત્યારે અલ્પ તાકાતની પ્રાથમિક કક્ષાની ટેકનોલોજીના સાધનો સ્વીકારવામાં માનસિક અને આર્થિક અને સાર્વજનિક એમ ત્રણેય મુશ્કેલીઓ નડે. જો વિમાન ઊડાડવા માટે તેલ ન હોત અને વિમાન પણ ન હોત, તો આજે વીજળી ઊર્જાથી ચાલતા વિમાનો શોંધાઇ રહ્યાં છે.

તે ટેકનોલોજીના સમાચારો જાણીને દુનિયાની ખુશીનો કોઇ પાર રહ્યો ન હોત. પણ આજે હાઇડ્રોજન કે બેટરી ઊર્જાના પ્રયોગો ચાલી રહ્યા છે, સંશોધનો અને ચર્ચાઓ ચાલી રહ્યાં છે ત્યારે જગત ને વિકાસથી અનભિજ્ઞ હોય તેમ વરતી રહ્યું છે. તો પણ માત્ર પાણીમાંથી મળતા હાઇડ્રોજન વડે વિમાનો ઊડી શકશે એ સમાચારો રાહત જરૂર આપે છે. વીજળીથી ચાલતા વિમાનો કરતા હાઇડ્રોજન પ્લેન વધુ સફળ થશે.હાઇડ્રોજન સેલ્સના વિકાસ અને ઉત્પાદનમાં ચાલુ 2022ના વરસમાં ઘણી પ્રગતિ જોવા મળશે. IFUAL(આફયુએલ) સેલ ટેકનોલોજીમાં સેલમાં હાઇડ્રોજન સંઘરાય અને ઉત્સર્ગ તરીકે ધુમાડાને બદલે પાણી નીકળે છે તે પર્યાવરણને હાનિ પહોંચાડવાને બદલે ફાયદાકારક નિવડે છે. આ વરસે નેધરલેન્ડસમાં આ પ્રકારના વિમાનો ઊડાડવાના પ્રયોગો હાથ ધરાશે.

કેલિફોર્નિયા, અમેરિકાની એક કંપની વીસ સીટ ધરાવતાં હાઇડ્રોજન પ્લેન પરના પ્રયોગો આ વરસે પૂરા કરશે અને હાઇડ્રોજન ટેકનોલોજીથી ઊડતાં વિમાનો માટેનું સર્ટિફિકેશન પણ આ વરસના અંતસુધીમાં મળી જશે એવી પાકી ધારણા છે. આ વિમાનો ‘ઝીરોએવિયા’ નામક કંપની તૈયાર કરી રહી છે તો કેલિફોર્નિયાની બીજી એક કંપની ‘યુનિવર્સલ હાઇડ્રોજન’ દ્વારા નિર્મિત ચાલીસ બેઠકો ધરાવતું હાઇડ્રોજન પ્લેન પણ આ વરસના અંત સુધીમાં ઊડાન ભરતું થશે. તેનો અર્થ એ કે આગામી થોડા વરસોમાં સુરત, ભાવનગર, કે ભાવનગર અમરેલી વચ્ચે આ પ્રકારનાં વિમાનો, સસ્તા દરે અને પર્યાવરણને હાનિ નહીં પહોંચાડીને શરૂ કરી શકાશે. વરસ 2022 તે માટે ખૂબ નિર્ણાયક વરસ પુરવાર થશે.

ઊડતી ટેક્સીઓ વિષે સાચી ખોટી વિડિયો ઘણી ફરતી થઇ છે. ફોટોશોપ કરેલી વિડિયોમાં રસ્તા અને આકાશમાં એવા વાહનો, એવી કરામતો સાથે ઊડતાં દેખાડાય છે જે નરી કલ્પનાઓ જ છે. પણ અમુક કિસ્સામાં, અંશત: વાસ્તવિકતા પણ છે. જમીન પરથી સીધા ઊંચે, હેલિકોપ્ટરની માફક, આકાશમાં જઇ શકતી અને આકાશમાંથી જમીન પર ઊતરી શકતી એર ટેકસીઓ હવે વાસ્તવિકતા બનવાની તૈયારીમાં છે. યુરોપના અને ગલ્ફના અમુક દેશોમાં આ પ્રકારની ફલાઇંગ ટેકસીઓ માટેના માળખા (ઇન્ફ્રાસ્ટ્રકચર) તૈયાર થઇ રહ્યાં છે. આ પ્રકારના વાહનો ઇલેકટ્રીક ‘વર્ટિકલ ટેક-ઓફ એન્ડ લેન્ડિંગ’ અર્થાત ‘એવટોલ’ તરીકે ઓળખાય છે. આ વરસમાં દુનિયાના અનેક દેશોમાં એવરોલની ફલાઇટ ટેસ્ટો શરૂ થશે.

પ્રાયોગિક ઊડાનોમાં મળેલી સફળતાના આધારે ‘ફલાઇટ ટેસ્ટો પછીના એક કે બે વરસની અંદર તેનો કમર્શ્યલ અથવા ધંધાદારી ઉપયોગ કરવાનું પ્રમાણપત્ર મળતું હોય છે. આથી આ વરસ મહત્વનું હશે અને લગભગ 2023 કે 2024 સુધીમાં જગતનાં ઘણાં શહેરોમાં ફલાઇંગ ટેકસીઓ ઊડતી હશે. ઘણા ખાનગી ધોરણે પણ ઊડાવતાં હશે. જો કે તે માટેનાં નિયમનો અને કાનૂનોની ખાસ રચના કરવી પડશે. તે એવા ખાનગી લોકોના હાથમાં ન જતી રહે જે તેનો આત્મઘાતી હુમલા માટે ઉપયોગ ન કરી શકે, જેમ કે લેન્ડિંગ કે ટેકઓફ્‌ફ કરતા વિમાન સાથે અફળાવીને તેની ખાસ વ્યવસ્થા કરવી પડશે. એવી ટેકનોલોજી તૈયાર કરવી પડશે જેમાં ફલાઇંગ ટેકસી અમુક પ્રતિબંધિત ક્ષેત્રમાં દાખલ થાય તો અગાઉથી ચેતવણી મળી જાય. ટેકસી કામ કરતી બંધ થઇ જાય વગેરે.

જો કે ડ્રોન વિમાનોના આગમન સમયે આવી દહેશતો વ્યકત થતી હતી. લંડનનું હીથરો એરપોર્ટ ડ્રોનના ખતરાને કારણે બે દિવસ ઠપ્પ કરી દેવું પડયું હતું. લાખો લોકો પ્રવાસમાં રઝળી પડયાં હતાં. પણ કોઇ અઘટિત હાનિ હજી સુધી ડ્રોન વડે સિવિલ એર સર્વિસોને પહોંચી નથી. જો કે ખતરો પણ દૂર થયો નથી. કેલિફોર્નિયાની એક કંપની નામે જોલી એવીએશન આ પ્રકારની પંદરથી વીસ ફલાઇંગ ટેકસીઓ આ વરસે બાંધશે. તેમાંની પ્રત્યેકમાં પાંચ સવારી લગભગ 150 કિલોમીટર સુધી ઊડી શકશે. જર્મનીની ‘વેલોકોપ્ટર’ કંપની, પેરિસ, ફ્રાન્સ ખાતે 2024માં યોજાનારી ઓલિમ્પિકસમાં એવટોલ વિમાનોનો ટેકસી તરીકે ઉપયોગ કરવા ધારે છે. બીજી અનેક કંપનીઓ પણ આકાશના મેદાનમાં છે. કેદારનાથ, અમરનાથ, વૈષ્ણવ દેવી, ઊંટી વગેરે માટે કોઇ આજથી જ પ્રયત્નો કરે તો તે કંપની માટે ઘણું ઉજ્જવળ ભવિષ્ય છે.

Most Popular

To Top