હૈદરાબાદઃ અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’એ થિયેટરોમાં નવી ક્રાંતિ લાવી છે. ફિલ્મને લઈને દર્શકોમાં એક અલગ જ સ્તરનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. રિલીઝના એક દિવસ પહેલા ગઈ તા. 4 ડિસેમ્બરે હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં લોકોની ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન અરાજકતા અને નાસભાગને કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. હવે આ મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં થયેલા અકસ્માતને લઈને હૈદરાબાદ પોલીસ એક્શન મોડમાં છે. પોલીસે આ કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં સંધ્યા થિયેટરના માલિક સંદીપ, સિનિયર મેનેજર નાગરાજુ અને મેનેજર વિજય ચંદ્રાનો સમાવેશ થાય છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્રણેયને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે BNS એક્ટની કલમ 105, 118(1)r/w 3(5) હેઠળ કેસ નોંધ્યો છે.
પોલીસનું કહેવું છે કે થિયેટર મેનેજમેન્ટની બેદરકારીના કારણે સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. ચિક્કડપલ્લી ડિવિઝનના એસીપી એલ. રમેશ કુમારે કહ્યું થિયેટર મેનેજમેન્ટ દર્શકોને સાચી માહિતી આપવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું, જેના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ.
અલ્લુ અર્જુનને એક ઝલક જોવા માટે ભીડ ઉમટી હતી
ફિલ્મની સ્ક્રિનિંગ દરમિયાન અલ્લુ અર્જુનને જોવા માટે સંધ્યા થિયેટરમાં ભારે ભીડ એકઠી થઈ હતી. પરંતુ થિયેટર મેનેજમેન્ટ દ્વારા ભીડને સંભાળવા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે નાસભાગ મચી જવાથી 39 વર્ષની મહિલાએ જીવ ગુમાવ્યો હતો. 9 વર્ષનો બાળક બેભાન થઈ ગયો હતો. અકસ્માતની ગંભીરતાને જોતા પોલીસે બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જઈ તેની સારવાર કરાવી, પરંતુ મહિલા બચી શકી નહીં.
અકસ્માતથી દુઃખી અલ્લુ અર્જુને 25 લાખ આપ્યા
અલ્લુ અર્જુને એક વીડિયો શેર કરીને આ સમગ્ર ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે આ સમગ્ર મામલે કોન્ફરન્સ યોજીને પ્રતિક્રિયા પણ આપી હતી. અલ્લુ અર્જુને કહ્યું સંધ્યા થિયેટરમાં જે અકસ્માત થયો તે ન થવો જોઈતો હતો. હું સાંજે થિયેટરમાં ગયો. હું આખું સિનેમા પણ જોઈ શક્યો નહીં. કારણ કે તે જ ક્ષણે મારા મેનેજરે મને કહ્યું કે અહીં ઘણી ભીડ છે. આપણે અહીંથી નીકળી જવું જોઈએ. બીજા દિવસે સવારે મને ઘટના અંગે જાણ થઈ ત્યારે મને આઘાત લાગ્યો. જ્યારે મને ખબર પડી કે આ બધું ત્યાં થયું છે, ત્યારે હું દુઃખી થઈ ગયો.
સુકુમાર સર પણ આ આખા મામલાને લઈને ખૂબ નારાજ છે. અમે પરિવારના સમર્થનમાં ઉભા છીએ. અમે પરિવારને 25 લાખ રૂપિયા આપ્યા છે. તેમને થોડો સમય આપવામાં આવ્યો છે, જેથી તેઓ આ ઘટનામાંથી બહાર આવી શકે. કોઈ દિવસ પછી હું જઈશ અને આખા પરિવારને મળીશ. અમે હંમેશા પરિવાર સાથે રહીશું અને તેમનો સાથ આપીશું.