Gujarat

બોમ્બની ધમકી મળતા હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

મદીનાથી હૈદરાબાદ જતી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓએ ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ઘટનામાં બન્યું એવું કે ફ્લાઈટમાં હાજર એક મુસાફરે ક્રૂ મેમ્બરને કહ્યું કે “મારી પાસે બોમ્બ છે અને થોડા સમયમાં બ્લાસ્ટ થશે.” આ વાત સાંભળતા જ ક્રૂ મેમ્બર અને પાયલોટએ તાત્કાલિક કાર્યવાહી કરી અને ફ્લાઈટને નજીકના સલામત એરપોર્ટ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી.

ઈમરજન્સી લેન્ડિંગથી હડકંપ
ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ થતા જ વિમાનમાં સવાર મુસાફરોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. મુસાફરોને તરત જ એરપોર્ટ પર ઉતારી લેવામાં આવ્યા અને આખું એરપોર્ટ પરિસર સુરક્ષા દળોથી ઘેરી લેવાયું હતું.

પ્રાથમિક માહિતી અનુસાર એક મુસાફરે ક્રૂ સભ્યને બોમ્બ હોવાનો દાવો કર્યો હતો. આ ગંભીર ધમકીના આધારે કોઈ જોખમ ન લેતા ફ્લાઈટને તાત્કાલિક ડાયવર્ટ કરવાની ફરજ પડી.

સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
ઘટનાની જાણ થતા જ તાત્કાલિક CISF, સ્થાનિક પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ , ડોગ સ્ક્વોડની ટીમો સ્થળે આવી ગઈ હતી.

વિમાનનું તથા મુસાફરોના તમામ સામાનનું ઝીણવટપૂર્ણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી વિમાનમાં કોઈ વિસ્ફોટક મળી આવ્યું નથી પરંતુ ધમકી સાચી છે કે ખોટી તે જાણવા તપાસ ચાલુ છે.

એક શંકાસ્પદની અટકાયત
પોલીસે તે મુસાફરને કસ્ટડીમાં લીધો છે જેણે પોતાની પાસે બોમ્બ હોવાનો દાવો કર્યો હતો. ઝોન-4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું કે “પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ મુસાફરોને સલામત એરપોર્ટ પર લઈ જઈને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા છે. શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલુ છે.”

જોકે હજુ સુધી સ્પષ્ટ નથી કે આ ધમકી માત્ર મજાક હતી કે પાછળ કોઈ મોટું કાવતરું છુપાયેલું છે. તપાસ એજન્સીઓ હવે તે વ્યક્તિના ઇરાદા, તેની હિસ્ટ્રી અને આખી ઘટનાની પાછળની હકીકત જાણવામાં લાગી ગઈ છે.

વિમાન અને એરપોર્ટ બંને પરિસ્થિતિ હાલમાં સંપૂર્ણ નિયંત્રણમાં છે અને મામલે વિગતવાર તપાસ ચાલુ છે.

Most Popular

To Top