હૈદરાબાદ(Hyderabad): ભાજપ(BJP)નાં પ્રવક્તા નુપુર શર્મા(Nupur Sharma)એ પયગંબર મોહમ્મદ(Prophet Muhammad) પર કરેલી ટિપ્પણીનો વિવાદ હજુ પૂરો નથી થયો ત્યાં ભાજપનાં વધુ એક નેતાએ પયગંબર મોહમ્મદ પર ટીપ્પણી કરતા વિવાદ વકર્યો છે. તેલંગાણા(Telangana)માં ભાજપના ધારાસભ્ય(MLA) ટી. રાજા સિંહે(T. Raja Singh) મોહમ્મદ પયગંબર વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેથી તેઓની ધરપકડ(Arrest) કરવામાં આવી છે. તેઓના પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. ભાજપના ધારાસભ્ય ટી. રાજા સિંહે કથિત રીતે ત્યારથી લોકો નારાજ હતા. હૈદરાબાદમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે બાદ આજે સવારે હૈદરાબાદથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
ટીપ્પણી બદલ કરાઈ છે અનેક ફરિયાદ
ધારાસભ્ય ટી. રાજા સિંહે મોહમ્મદ પયગંબર વિશે કરેલી ટીપ્પણી બદલ તેમની સામે અનેક ફરિયાદો કરવામાં આવી હતી. આટલું જ નહીં, મોટી સંખ્યામાં લોકો દબીરપુરા, ભવાનીનગર, રેઈનબજાર, મીર ચોક પોલીસ સ્ટેશનની બહાર ફરિયાદ નોંધાવવા માટે આવ્યા હતા. રોષે ભરાયેલા લોકોએ કહ્યું કે તેઓએ એક સમુદાયની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. હકીકતમાં ટી. રાજાએ તાજેતરમાં એક વીડિયો અપલોડ કર્યો હતો. જેમાં તેણે મોહમ્મદ પયગંબર વિશે ટિપ્પણી કરી હતી. આ વીડિયોમાં ટી. રાજાએ કોમેડિયન મુનવ્વર ફારૂકી અને તેની માતા પર પણ ટિપ્પણી કરી હતી. આ બાદ વિવાદ થયો હતો.
પોલીસ કમિશનરની ઓફિસ સામે જ લોકોનો વિરોધ
વિવાદનાં પગલે સોમવારે રાત્રે પોલીસ કમિશનર સીવી આણંદની ઓફિસ સામે અને શહેરના અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. દેખાવકારો ધારાસભ્યની ધરપકડની માંગ પર અડગ હતા. ટી. રાજા સિંહ હૈદરાબાદની ગોશામહલ બેઠક પરથી ધારાસભ્ય છે. આ પહેલા તેણે કોમેડિયન મુનવ્વર ફારૂકીને પણ ધમકી આપી હતી. આ કેસમાં તેને પોલીસ કસ્ટડીમાં પણ લેવામાં આવ્યો હતો. એજન્સી અનુસાર ધારાસભ્ય ટી રાજા સિંહે મુનવ્વર ફારૂકીનો શો રદ કરવાની વાત કરી હતી. તેથી આ પછી લગભગ 50 લોકો પરિસરમાં પહોંચ્યા હતા, પરંતુ તમામને પ્રિવેન્ટિવ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
અગાઉ નુપુર શર્માએ કરી હતી ટીપ્પણી
ટી. રાજા પહેલા નૂપુર શર્માએ પણ એક ટીવી ચેનલ પર મોહમ્મદ પયગંબર વિશે ટિપ્પણી કરી હતી. આ પછી દેશભરમાં તેમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થયા હતા. તેની સામે દેશના અલગ-અલગ ભાગોમાં કેસ નોંધાયા હતા. પયગંબર પર તેમની ટિપ્પણીને લઈને વધતા વિવાદને પગલે ભાજપ દ્વારા તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારે હવે હૈદરાબાદનાં ભાજપના ધારાસભ્યનો વિવાદ સામે આવ્યો છે. જો કે તેઓ સામે પાર્ટી કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.