વડોદરા: કારેલીબાગમાં ધોળા દિવસે યુવાન ઉપર હિંસક હુમલો કરીને 25 હજારના અછોડાની લૂંટના ગુનામાં છ માસથી ફરાર સુન્ની ગેંગના કુખ્યાત હુસેનને ચોતરફથી ઘેરીને પીસીબીએ તેના ઘર નજીકથી દબોચી લીધો હતો. તદ્દન છૂટા હાથનો હુસેન અત્યંત ઝનૂની પ્રકૃતિનો હોવાથી પોલીસે સંપૂર્ણ સતર્કતા સેવીને ઝડપી પાડયો હતો.
ગુના નિવારણ શાખાના પી.આઈ. જે. જે. પટેલને બાતમી મળેલ કે, છ માસથી ફરાર સુન્ની ગેંગનો સૂત્રધાર હુસેનમિયા કાદરમિયા સુન્ની કાસમઆલા કબ્રસ્તાન બચુભાઈની ચાલી, કારેલીબાગ તેના ઘરે આવ્યો છે. પી.આઈ.એ તુરંત તેમની ચૂનંદી ટીમને પી.એસ.આઈ. આર.ડી. બામણીયા સહિતના સ્ટાફ સાથે વ્યુહ રચીને ઘટનાસ્થળે સતર્કતાપૂર્વક વોચ રાખી હતી. ઈન્દિરા બ્રિજ નજીક આવેલ બેકરી પાછળ ખાડામાં લાલ ટી શર્ટ અને બ્લ્યુ ટ્રેક પહેરીને હુસેન બિન્દાસ્ત ફરતો હતો. પીસીબીએ ચોતરફથી ધસારો કરીને હુસેન કંઈ સમજે તે પૂર્વે દબોચી લીધો હતો.
પીસીબીએ કડકાઈભરી પૂછતાછ કરતા જણાવ્યું હતું કે, તા. 4-12-2020ના રોજ તેના સાગરિતો સાથે અછોડા લૂંટનો ગુનો આચર્યા બાદ ફરિયાદ થતા જ રીઢો હુસેન રાજપીપળાના દેડીયાપાડા તેની સાસરીમાં જઈને છૂપાઈ રહયો હતો અને બે દિવસ પૂર્વે જ વડોદરા આવ્યો હતો અને પીસીબીના જાળમાં આબાદ સપડાઈ ગયો હતો.
બિચ્છુ ગેંગની જેમ સુન્નીગેંગ પોલીસને હંફાવે છે
કારેલીબાગમાં 19 રાવપુરામાં 3, સીટી ફતેગંજમાં એક એક સહિત 24 ગુનામાં સંડોવાયેલા હુસેન 2012 માં બે વર્ષ માટે તડીપાર હતો અને 2011 થી 2020 સુધી માં છ વખત તો પાસા કાપી ચૂકયો છે. ત્રણ વખત તો પોલીસ જાપ્તાના સ્ટાફને ચકમો આપીને ફરાર થવામાં પાવરધા હુસેનને નામચીન અસલમ બોડીયાની બિચ્છુ ગેંગ જેવી નામના કાઢવા સન્ની ગેંગ ઉભી કરી છે. સુન્ની ગેંગનું વર્ચસ્વ જમાવવા દોઢ દાયકાથી હાહાકાર મચાવે છે.