વર્તમાન સમયમાં સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ વધતું જાય છે. કારણ તો એ દંપતી જ જાણે. પરંતુ પતિ-પત્નીમાં મૈત્રીસભર સંબંધ હોય તો લગ્નભંગ કદાચિત ન થાય. મિત્રતાનો ભાવ અને નિખાલસતા લગ્નજીવનને મહેંકાવે છે. લગ્નની શરૂઆતનાં વર્ષોમાં આકર્ષણ અત્યંત નિકટતાસભર હોય એ આકર્ષણ જીવનભર ટકાવી રાખવા બંને પક્ષે સમજણશક્તિ અને સહનશીલતા જરૂરી બની જાય. દુનિયામાં કોઇ પણ વ્યક્તિ સર્વગુણસંપન્ન અને સંપૂર્ણ હોતી નથી. પ્રત્યેક વ્યક્તિમાં ખૂબી અને ખામી તો હોય જ. આ ખૂબી અને ખામી સ્વીકારીને જે યુગલ લગ્નજીવન માણી શકે એ જ સાચો પ્રેમ. સંતાનના આગમન બાદ પત્ની શિશુ પ્રત્યે વધુ ધ્યાન કેન્દ્રિત કરે અને ગૃહકાર્યની જવાબદારી પણ સુપેરે નિભાવતી હોય છે ત્યારે પતિની સમજશક્તિ આવશ્યક બની જાય અને પતિ આર્થિક ઉપાર્જન માટે વેપાર-ધંધા-નોકરી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે ત્યારે પત્નીની સમજશક્તિ આવશ્યક. બંને સંસારરથનાં પૈંડાં સમાન હોય છે. ક્યારેક બંને પક્ષે કોઇ ક્ષતિ થઇ પણ જાય (ફરજ નિભાવવામાં) ત્યારે મોટું દિલ રાખી ક્ષમા કરવાની ક્ષમતા પણ પતિ-પત્નીમાં હોવી જરૂરી. મૈત્રી થકી સમજણનો સેતુ સધાય તો એ પતિ-પત્નીનું લગ્નજીવન ક્યારેય ખોરંભે ન પડે. જે વ્યક્તિ જેવી છે તેવી સ્વીકારો. અહમના પહાડને ઓગાળો. ક્ષતિ હોય તો નિખાલસતાપૂર્વક સ્વીકારી એ ક્ષતિ સુધારી પારિવારિક શાંતિ જાળવો. એક જણ ક્રોધમાં હોય તો શાંતિપૂર્વક એને સાંભળી પછી વાસ્તવિકતા સમજો. છૂટાછેડાની શક્યતા નહીંવત્ બની જશે.
સુરત -નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
