Life Style

પતિ, પત્ની ઔર વો…સ્ટાર વાઈફની વાતો, પતિના અફેર્સનો ખુલાસો

બોલિવૂડ એક એવી ચમકતી દુનિયા જેના અંધારા વિશે વારંવાર વાતો થતી રહે છે. અને આ વાતો ક્યારેક ફિલ્મ કરતા વધારે મજેદાર બની જતી હોય છે. જેને જાણી તેમના ફેન્સને થાય છે કે તેઓ જેવા દેખાય છે તેવા તો નથી જ, પણ જે બોલિવૂડમાં રોમાન્સની-પ્રેમની વાર્તા સૌથી વધુ જોવાય છે ત્યાં પ્રેમ અને રોમાન્સના નામે ઘણું બધું રંધાય છે જેની ચર્ચા મીડિયામાં સૌથી પ્રિય રહી છે અને વાચકોમાં પણ. તો આજે ફરી એક વાર ટૉક ઓફ ધી ટાઉન થઇ રહી છે બોલિવૂડના એક્ટરનાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ વિશે, પણ હાલ જે કારણે ચર્ચા થઇ રહી છે તેને હવા મીડિયા એ નથી આપી તેને સ્પાર્ક કરી ટ્વિન્કલ ખન્ના અને એના થોડા સમય પછી બોલિવૂડની ડિટેક્ટિવ એવી તાન્યા પૂરી એ. આ બંને સોર્સે જે વાત કરી તેનાં તાંતણા જોડશો તો તમને કોઈની વાત થઇ રહી છે તે સ્પષ્ટ સમજાઈ જશે.

સૌથી પહેલા ટ્વિન્કલની વાત જાણીએ- તેણે (લગભગ 2026માં લગ્ન કરવા જઈ રહેલી) જાન્હવીને કહ્યું હતું કે પ્રેમ અને મેરેજને એમ કંઈ લેવા દેવા નથી અને પછી કહ્યું કે – ‘રાત પૂરી વાત પૂરી, કોઈ સંબંધમાં ફિઝિકલ (શારીરિક) ચીટિંગ કરતા ઈમોશનલ ચીટિંગ ખરાબ છે’ અને આ વાતમાં ટ્વિન્કલ સાથે કરણ, કાજોલ પણ સહમત હતા. તેના થોડા સમય પછી એક પોડકાસ્ટ વાયરલ થાય છે. જેમાં બોલિવૂડની જાણીતી ડિટેક્ટિવ તાન્યા પૂરી એ ઇન્ડસ્ટ્રીના ઘણા એવા રાઝને ફરી લોકો સામે યાદ કરવ્યા કે જેનાથી ઑડિયન્સને યાદ આવ્યું કે જે ફિલ્મોમાં દેખાય છે તેની કરતા અસલ જીવન અલગ રીતે જીવાય છે. તેણે ઘણી વાતો કહી જેમાં એક એક્સ્ટ્રા મેરિટલ અફેરનો ઉખાણો આપણી સામે મૂક્યો – તે કહે છે કે – 2000 ના આસપાસ લગ્ન કરેલા એક સ્ટાર કપલ છે, એમના આ રિલેશનશિપમાં પતિ તો ખુલ્લેઆમ છેતરપિંડી કરે છે અને તેણે ઘણી નાની અભિનેત્રીઓ સાથે સંબંધો રાખ્યા છે. ઇન્ડસ્ટ્રીમાં ‘એમણે સાથે મળી એક-બે ફિલ્મો કરી છે અને એ કરતૂતો પત્નીને પણ ખબર છે. એમના બે મોટા બાળકો છે અને તેઓ ખૂબ જ સારી રીતે જાણે છે કે તેમના પિતા શું કરે છે? પરંતુ કેમેરા સામે બધું જ પરફેક્ટ છે. વધારે હિન્ટ આપતા એવું પણ કહ્યું કે પત્ની ખૂબ જ એજ્યુકેટેડ છે, પતિ ‘દેસી મુંડા’ છે અને તે ખૂબ જ સારું કામ કરે છે. પણ કેમેરા પાછળ તે ખરેખર ઘણા લોકો સાથે સૂઈ ચૂક્યો છે. મને તો ખરેખર એક્ટ્રેસના મેનેજર પાસેથી તેમનો કેસ મળ્યો કારણ કે તે પત્ની પોતાનો ચહેરો બતાવવા માંગતી ન હતી, તો મેનેજર અમારી પાસે આવ્યા પછી અમે તે અભિનેતાની તપાસ કરી અને અમને ખ્યાલ આવ્યો કે તે ઘણા બધા લોકો સાથે સંડોવાયેલો છે, તે ઘણી અભિનેત્રીઓને ઘણી બધી વસ્તુઓ આપે છે તેના બદલામાં તેમની પાસેથી ઘણી વસ્તુઓ માગે છે.” તાન્યાએ તો એવો પણ ખુલાસો કર્યો કે તે પતિએ આવી ભૂલો ન કરવાનું વચન આપ્યું હતું, પણ સુધરે એ સ્ટાર થોડી!
હવે આ ટ્વીન્કલ અને તાનિયાનો ગરમ મસાલા સાંભળીને જે વ્યક્તિ આવી હેરાફેરી કરી શકે તેના માટે એક નામ યાદ આવે છે- તે ખિલાડીનો ભૂતકાળ કમ્બખ્ત ઈશ્કના એક્શન રિપ્લેથી ભરેલો છે. શરૂઆત થઇ હતી 1995થી 1998 સુધી રવીના ટંડન સાથેના સંબંધથી. જે તૂટવાનું કારણ હતું તે રવીના સાથે રિલેશનમાં હતો છતાં અન્ય અભિનેત્રીઓ (શિલ્પા અને સુષ્મિતા) સાથે પ્રેમકથા બનાવી રહ્યો હતો. એની જાણ રવીનાને થતાં તેણે ત્રણ વાર તેને માફ કર્યો પણ સુધર્યો નહીં. પછી નંબર આવ્યો શિલ્પાનો. જ્યાં તેની જ ખાસ દોસ્ત ટ્વિન્કલ સાથે પણ તે નજીક આવી ગયો. જેનો આઘાત શિલ્પાને લાગ્યો અને અંતે 2001માં ટ્વિન્કલ અને અક્ષયે લગ્ન કર્યા અને લગ્ન બાદ પણ તેના નામ અન્ય અભિનેત્રીઓ સાથે જોડાતા રહ્યા છે. તો ટ્વિન્કલને સાથ આપી રહેલી કાજોલના પતિદેવ પણ એક્સ્ટ્રા અફેર્સની લપેટમાં આવી ચૂક્યા છે. બંને તો છુટા પડવાના હતા ત્યાં સુધીની વાતો મીડિયામાં ચર્ચાઈ હતી. 2012માં આવેલી એક ફિલ્મ દરમ્યાન આ અફવાઓ ખૂબ ઉડી હતી. તો અજયની ‘BFF’ કહેવાતી તબ્બુ સાથે તો હજી પણ તેનું નામ જોડાય છે. તો ટ્વિન્કલ અને કાજોલ ભલે અત્યારે મગનું નામ મરી ન પાડી આડકતરી રીતે પતિઓની બેવફાઈના કિસ્સાઓ સ્વીકારી રહી છે, ત્યારે ગોવિંદાની પત્ની સુનિતા આહુજા તો આ જ વિષય માટે ખૂબ વાયરલ રહે છે. તે જ્યાં પણ જાય ગોવિંદના એક્સ્ટ્રા અફેર્સની વાતો જ આસપાસ રહે છે. પૂજા બેદી અને કંગના સાથે જેનું નામ જોડાઈ ચૂક્યું છે તેવા આદિત્ય પંચોલીની પત્ની ઝરીના વહાબ તો જાહેરમાં સ્વીકારી છે કે મને આદિત્યના અફેર્સ વિશે જાણ છે અને જ્યા સુધી તે સબંધો અમારા ઘરમાં નથી આવતા મને કઈ જ વાંધો નથી! આવી રીતે તો લગભગ તમામ મોટા અભિનેતાઓની પત્નીઓએ આંખ આડા કાન કરી સંબંધોને નજરંદાજ કરતી રહી છે. શાહરુખ, આમીર, રિતીકથી લઈ રાજકપૂર, દિલીપ કપૂર, રિશી, મિથુન, રાજ બબ્બર, જીતેન્દ્ર, કમલ હાસન, નાગાર્જુનથી લઇ બચ્ચન સાબની પત્ની પણ આ યાદીમાં આવી ચુકી છે. એટલે આ બોલિવૂડ અને હવે તો આપણા સમાજ માટે આ નવી વાત નથી પણ અત્યારે બદલાવ એટલો છે કે સ્ટાર વાઈફ હવે ખોંખારો ખાઈ પતિની લીલા તેમના ફેન્સ સામે લાવવામાં શરમાતી નથી! આ બધુ જાણતી જનતા માટે તો અભિનેતાઓએ એટલું જ ગાવું રહ્યું કે –
इस प्यार में सच झूठ का, तुम फैसला कर ना सके
हम बेवफ़ा हरगिज़ न थे, पर हम वफ़ा कर न सके •

Most Popular

To Top