બાલાસિનોર: મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ટ્રકે કચડી નાખ્યા હતા. બાલાસિનોર બસ સ્ટેશન પાસેથી બાઈક પર નીકળેલા પતિ, પત્ની અને બાળકને ટ્રકે કચડી નાખતા તમામના સ્થળ પર જ કમાકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. બાલાસિનોરમાં બસ સ્ટેશન પાસે એક બાઈક પર પતિ-પત્ની અને બાળક અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. આ પરિવાર અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રક સાથે બાઈકનું અકસ્માત થયો હતો. જેમાં પરિવારના ત્રણેય સભ્યો પરથી ટ્રકનું ટાયર ફરી વળતા તમામના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી.
અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર
અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માત થતા જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ પણ બનાવની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. હાલમાં પોલીસે તમામ મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની તપાસ હાથ ધરી છે.
અલીન્દ્રા રોડ પર રીક્ષામાંથી ફંગોળાતાં પરપ્રાંતિયનું મોત
નડિયાદ: વસોના દાદુપુરા પાટીયા નજીક માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થતી રીક્ષાનો ચાલક સામેથી આવતાં વાહનની લાઈટથી અંજાઈ જતાં ઓચિંતી બ્રેક મારી હતી. તે વખતે રીક્ષામાં ડ્રાઈવર પાસે બેઠેલા મુસાફરનું ફંગોળાઈને રોડ પટકાવાથી મોત નિપજ્યું હતું. આ મામલે માતર પોલીસે રીક્ષાચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
વસોના લવાલ ગામની સીમમાં હાલ રેલ્વેની કામગીરી ચાલી રહી છે. જે કામ કરવા માટે બિહારના જમુઈ જિલ્લામાં આવેલ મકવા ગામમાં રહેતાં કૈલુ મંઝલા ટુરૂ અને ચુનુ નાઈકા બસ્કે સહિત કુલ 16 વ્યક્તિઓ શનિવારે ટ્રેનમાં નડિયાદ આવ્યાં હતાં. જ્યાંથી ત્રણ રીક્ષાઓ ભાડે કરી તેઓ લવાલ ગામે જવા નીકળ્યાં હતાં. જે પૈકી કૈલુ ટુરૂ, ચુનુ બસ્કે સહિતનાઓ રીક્ષા નં જીજે 07 એટી 6825માં બેઠા હતાં. આ રીક્ષા દાદુપુરા પાટીયા પાસે સામે આવતાં વાહનની લાઈટથી રીક્ષાચાલક અંજાઈ જતાં એકદમ જ બ્રેક મારતાં રીક્ષામાં આગળ બેઠેલાં ચુનુ નાઈકા બસ્કે ફંગોળાઈને રોડ પર પટકાયાં હતાં. આ અકસ્માતમાં ચુનુ બસ્કેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે વસો સરકારી દવાખાનામાં લઈ જવાયાં હતાં. પરંતુ, ત્યાં સારવાર ન મળતાં ઈજાગ્રસ્ત ચુનુ બસ્કેને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ફરજ પરના તબીબે તપાસ્યાં બાદ ચુનુ નાઈકા બસ્કેને મૃત જાહેર કર્યાં હતાં.