સુરત: શહેરના ભેસ્તાન પોલીસ મથકમાં જવાબ લખાવવા ગયેલી એક મહિલાને તેણીના બેશરમ પતિ અને એક કોન્સ્ટેબલના કારણે શરમમાં મૂકાવું પડ્યું હતું. પતિએ જ પોલીસવાળાઓની વચ્ચે પત્ની સાથેની અંગત પળોની ક્લિપ પોલીસ મથકમાં જોઈ વિકૃત માનસિકતા છતી કરી હતી. તો આ બધું જોઈ ક્ષોભમાં મુકાયેલી મહિલાએ પીઆઇને ફરિયાદ કર્યા બાદ પણ ન્યાય નહીં મળતા આખરે સ્ટેટ પોલીસ કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હતી.
- પોલીસે મહિલાને એક ફરિયાદનો જવાબ લખવા બોલાવી ત્યારે તેનો અલગ રહેતો પતિ એક પોલીસકર્મી સાથે પોલીસ મથકે જ હતો
- પીઆઈને ફરિયાદ કરી તો કાને ધરી નહીં, પત્નીએ હવે સ્ટેટ પોલીસ કન્ટ્રોલ સામે હાથ ફેલાવ્યા, જોઈએ ન્યાય મળે છે કે નહીં
વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ ઘટના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બની હતી. પીડિત મહિલા ભેસ્તાન વિસ્તારમાં પુત્ર સાથે રહે છે. તેનો પતિ છેલ્લા દસ બાર વર્ષથી અલગ રહે છે. દરમિયાન પતિએ મકાન એક બુટલેગરને વેચી કાઢ્યું હતું, પરંતુ મહિલા ઘર ખાલી નહીં કરતી હોવાથી બુટલેગર દ્વારા મહિલા સામે ભેસ્તાન પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જેથી પોલીસે મહિલાને જવાબ લખાવવા માટે પોલીસ મથકે બોલાવી હતી.
જ્યારે આ મહિલા પોલીસ મથકે પહોંચી, તો ત્યાં એક રૂમમાં તેનો પતિ, બુટેલગર અને ભરત પ્રજાપતિ નામનો કોન્સ્ટેબલ હાજર હતા. મહિલા જેવી ત્યાં પહોંચી ત્યાં તેઓ મહિલા સામે અટ્ટહાસ્ય કરવા લાગ્યા હતા. ક્યારેક મોબાઇલમાં જોતા અને ત્યારબાદ મહિલા સામે જોઈ હસવા લાગતા હતા. મહિલાએ જોયું તો તેણીનો પતિ જ પોલીસવાળા ભરત પ્રજાપતિ અને અન્ય લોકોને તેમની અંગત પળોનો વીડિયો બતાવી રહ્યો હતો. જેને પગલે મહિલા ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ હતી.
મહિલા દ્વારા આ મામલે પોલીસ મથકના પીઆઈ પ્રદીપ ગામેતીને ફરિયાદ કરવામાં આવી હતી. જોકે પીઆઇ દ્વારા મહિલાની ફરિયાદ કાને ધરવામાં નહીં આવતા, આખરે મહિલા દ્વારા સ્ટેટ પોલીસ કંટ્રોલમાં પતિ અને ભરત પ્રજાપતિ નામના કોન્સ્ટેબલ સામે ફરિયાદ કરવામાં આવી હતી. આ ઘટના પંદર દિવસ પહેલાની છે, પણ હજી સુધી મહિલાની આબરૂની મજાક ઉડાડનાર પોલીસકર્મી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે મહિલા સુરક્ષા અને મહિલા સન્માનની વાત કરતી પોલીસ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે.
મહિલાના પુત્રએ પોલીસ સાથે ઝપાઝપી કરતા ૧૫૧ હેઠળ કાર્યવાહી
પિતા અને ભેસ્તાન પોલીસના કોન્સ્ટેબલના કારણે માતા ક્ષોભજનક સ્થિતિમાં મુકાતા મહિલાનો પુત્ર ગુસ્સે ભરાયો હતો અને તેણે પોલીસ સાથે ઝપાઝપી શરૂ કરી દીધી હતી. પોલીસ દ્વારા પોલીસ મથકમાં જ આવી વિકૃત હરકત કરવામાં આવી હોવા છતાં આવા પોલીસવાળા વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે પોલીસે મહિલાના પુત્રની જ અટકાયત કરી કલમ ૧૫૧ મુજબ તેની સામે કાર્યવાહી કરી હતી.
