Vadodara

બીજા બાળકમાં દીકરો જ જોઇએ તેમ કહી પતિનુ દહેજ માટે દબાણ

વડોદરા: શહેરના ગોત્રી વિસ્તારમાં પિયરમાં રહેતી પરણીતાને લગ્ન જીવન દરમિયાન પતિએ માનસિક અને શારીરિક ત્રાસ આપી હેરાન કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. આટલું જ નહીં પરણીતાએ અગાઉ નોંધાવેલ ડોમેસ્ટિક વાયોલેન એક્ટ નો કેસ પરત ખેંચવા તથા નવું મકાન ખરીદવા પિયરમાંથી પૈસા લાવવા અને બીજા સંતાનમાં દીકરો જ જોઈએ છે તેમ પતિ દબાણ કરતો હતો. પોલીસે ફરિયાદના આધારે સ્ત્રી સતામણી, મારામારી,ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના ગોત્રી વિસ્તાર માતા પિતા સાથે પિયરમાં રહેતી 37 વર્ષીય પરણિતાના વર્ષ 2013માં ફેબ્રુઆરી મહિનામાં મૂળ બિહારના પટનાના રહેવાસી શશાંક શશિભૂષણ વર્મા સાથે લગ્ન થયા હતા. હાલ શશાંક અમદાવાદ ખાતે આવેલ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. લગ્ન થયાબાદ પરણિતા પતિ સાથે પટનામાં 1 મહિના સુધી રહી હતી. ત્યારબાદ પરણિતા અને તેનો પતિ વર્ષ 2015 થી 2018 સુધી મુંબઈ ખાતે રહ્યા હતા. અને તે બાદ શશાંકની બદલી થઇ જતા તેઓ ગાંધીનગર ખાતે રહેવા આવી ગયા હતા.

ગત વર્ષ 2015માં પરણીતાએ વડોદરાની ફેમિલી કોર્ટમાં પતિ વિરુદ્ધ  ડોમેસ્ટિક વાયોલેન એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. જે તે વાતને લઇ સમાધાન થઇ જતા પરણિતાએ કેસ પાછો ખેંચી લીધો હતો. ત્યારબાદ દંપતી ગાંધીનગર પરત રહેવા ગયા હતા. પરંતુ શશાંકમાં બદલાવ આવ્યો ન હતો. તે નોકરી પરથી ઘરે આવી પરણિતાને તે મારા વિરુદ્ધ કેમ કેસ કર્યો તેમ કહી મારઝુડ કરવા લાગતો હતો. આટલું જ નહિ અમદાવાદ ખાતે નવું મકાન ખરીદવું છે, તારા પિયરમાંથી પૈસા લઇ આવ તેમ કહી ખુબ દબાણ કરતો હતો. અને માનસિક ટોર્ચર કરી બીજા સંતાન વખતે દીકરો જ જોઈએ તેમ જણાવતો હતો. આ બધું થતા છેવટે કંટાળી પરણિતા વડોદરા પિયરમાં આવી ગઈ હતી. ગત તા.26 સપ્ટેમ્બરના રોજ શશાંક ફરીથી પિયરમાં આવી પરણિતા સાથે મારામારી કરી માતા-પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. છેવટે કંટાળેલી પરણીતાએ પતિ વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસ મથકે શારીરીક માનસિક ત્રાસની ફરિયાદ નોધાવી છે.

Most Popular

To Top