Dakshin Gujarat

પતિને બીજા પુરુષ સાથે પ્રેમ થતાં પત્ની-બાળકોને છોડી દીધાં, નવસારીમાં ‘પતિ, પત્ની ઓર વો’નો વિચિત્ર કિસ્સો

નવસારી: નડિયાદના સાસરીયાઓએ વિજલપોરની પરિણીતા પાસે 15 લાખ રૂપિયા દહેજ માંગી શારીરિક-માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ પતિના અન્ય પુરુષ સાથે અકુદરતી સંબંધો હોવાથી પતિ પરિણીતાને સાથે રાખવા માટે ના પાડતો હોવાથી પરિણીતાએ વિજલપોર પોલીસ મથકે પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

  • પતિએ અન્ય પુરુષ સાથે અકુદરતી સંબંધો વિકસતા પત્ની અને બે સંતાનને ત્યજી દીધાં
  • વિજલપોરની પરિણીતાને 15 લાખ દહેજ લાવવા દબાણ શરૂ કર્યું, પરંતુ બાદમાં મૂળ કારણ બહાર આવ્યું
  • પતિની સુરત ટ્રાન્સફર થઈ તો પત્નીને સાથે રાખવાની ના પાડી, પતિ, સાસુ અને નણંદ સામે ફરિયાદ

મળતી માહિતી મુજબ, મૂળ નડીયાદ રેલવે સ્ટેશન પાસે મંગળપાર્ક સોસાયટીમાં અને હાલ વિજલપોર આકાશગંગા સોસાયટીમાં મનીષાબેન તેમના પિયરમાં રહે છે. 2017માં નડીયાદના યુવાન સાથે મનીષાબેનના લગ્ન થયા હતા. જેમના થકી મનીષાબેનને સંતાનમાં એક છોકરી અને એક છોકરો છે. પરંતુ મનીષાબેનના પતિ, સાસુ અને નણંદ નાની-નાની વાતમાં લડાઈ ઝઘડો કરી દહેજ પેટે 15 લાખ રૂપિયા આપવા દબાણ કરતા હતા.

દરમિયાન 2022માં મનીષાબેનના પતિની કવાસ ક્રીપ્કો કંપનીમાં રેલવેમાં ગુડઝ પાર્સલ ડીપાર્ટમેન્ટમાં સુરત ખાતે ટ્રાન્સફર થઈ હતી. જેથી પતિ સુરત એકલા રહેવા આવી ગયા હતા. પરંતુ તેઓ મનીષાબેનને સાથે રાખવાની ના પાડતા હતા. છતાં મનીષાબેન કોઈ વાર પતિ સાથે રહેવા માટે સુરત જતી હતી. તે દરમિયાન મનીષાબેનને જાણ થઈ હતી કે તેમના પતિના અન્ય પુરુષ સાથે અકુદરતી સંબંધો છે, જેના લીધે તેઓ મનીષાબેનને સાથે રાખવા માંગતા ન હતા. આ જ કારણે પતિ શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા.

બીજી તરફ સાસુ અને નણંદ પણ દહેજ પેટે પૈસા માંગી ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. આ બાબતે મનીષાબેને વિજલપોર પોલીસ મથકે પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. એમ.આર. જાનીએ હાથ ધરી છે.

Most Popular

To Top