ઉમરગામ: ઉમરગામના વલવાડા ગામમાં ભાડાની રૂમમાં રહેતા પતિ-પત્ની વચ્ચે ઝઘડામાં પતિએ પત્નીને ઘરની દિવાલ સાથે અથડાવી માર મારી મોતને ઘાટ ઉતારી દીધી હોવાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી. આરોપી પતિની પોલીસે ધરપકડ કરી હતી.
પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ ઉમરગામ તાલુકાના બોરલાઈ ખાતે રહેતા ફરિયાદી દોલતસિંહ ઉર્ફે ગોપીભાઈ અમૃતસિંહ ચૌહાણની વલવાડા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલી ચાલીમાં દસેક દિવસ પહેલા જ તહોમતદાર રવિકુમાર હંસરાજભાઈ શર્મા (ઉં.વ.42) અને તેની પત્ની પરમીલાદેવી (ઉં.વ.33) રૂમ ભાડે રાખી રહેવા આવ્યા હતા. તેઓ મૂળ હિમાચલ પ્રદેશના રહેવાસી છે. તેમના બે બાળકો પણ હિમાચલ પ્રદેશમાં રહે છે. મંગળવારે રાત્રે 10:30 થી 11:00 વાગ્યાનો સુમારે કોઈક બાબતને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, તે દરમિયાન આરોપી પતિ રવિકુમારે તેની પત્ની પરમીલા દેવીને માર મારી તથા દિવાલ સાથે માથું અથડાવી ગંભીર ઇજા પહોંચાડી હતી.
રૂમમાં જ લોહીલુહાણ હાલતમાં જમીન પર પડી ગઈ હતી. ચાલીમાં રહેતા લોકોએ રૂમ માલિકને દોલતસિંહને જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રત હાલતમાં પરમીલાદેવીને શરૂઆતમાં ભીલાડ સરકારી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં બુધવારે તેનું મોત નીપજ્યું હતું. આ બનાવની ભીલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિ રવિકુમાર શર્માની ધરપકડ કરી હતી. કેસની વધુ તપાસ ભીલાડ પોલીસ સ્ટેશનના પીઆઇ ડોડિયા કરી રહ્યા છે.