- તિલકવાડાના ઉચાદ ગામમાં ઘરજમાઈ તરીકે રહેતા અને મજૂરીકામ કરતા હત્યારા પતિની ધરપકડ
રાજપીપળા: તિલકવાડાના ઉચાદ ગામમાં પતિએ પત્ની પર શંકા કરી કુહાડીના ઘા મારી હત્યા કરતાં પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમરતીબેન ઘીરીયાભાઈ લલ્લુભાઈ ભીલ (રહે., ઉચાદ પટેલ ફળિયું, તા.તિલકવાડા)એ આપેલી ફરિયાદ મુજબ તેમની એકની એક દીકરી સુશીલાબેનનાં લગ્ન આજથી વીસ વર્ષ પહેલાં મહેશભાઇ છગનભાઇ ભીલ (ઉં.વ.૪૪) (રહે., ચોર-મહુડી, તા.તિલકવાડા, હાલ રહે.,ઉચાદ) સાથે થયાં હતાં.
ત્યારબાદ હાલ એક ૧૭ વર્ષીય દીકરી પણ છે અને જમાઈ મહેશ તેમજ દીકરી સુશીલા મજૂરીકામ અર્થે કાઠિયાવાડ તરફ ગયાં હતા. હાલ એક સંબંધીનું મરણ થતાં દીકરી અને જમાઈ બંને ઉચાદ આવ્યાં હતાં. હાલ ચોમાસું આવવાનું હોવાથી ઘરની અડાડીની થાંભલી બરાબર નહીં હોવાથી દીકરી અને જમાઈ કુહાડી લઈ થાંભલી કાપવા ગયા હતા.
બાદ જમાઈ એકલો ઘરે આવ્યો હતો. આથી સાસુએ પૂછ્યું કે, સુશીલા ક્યાં છે? તો જમાઈએ જણાવ્યું કે, પાછળ લાકડાનો ભારો લઈને આવે છે. પરંતુ ઘણો સમય થવા છતાં સુશીલા નહીં આવતાં સાસુને શંકા ગઈ હતી. બાદ બધાએ ભેગા મળી જમાઈને દબાણપૂર્વક પૂછતાં તેણે જણાવ્યું કે, તમારી દીકરીએ મને હીઝડો કહ્યું અને અમારા બંને વચ્ચે ત્યાં ઝઘડો થતાં મેં સુશીલાને કુહાડી માથામાં મારી એને મારી નાંખી છે. આ બાબતે તિલકવાડા પોલીસે પતિ મહેશની ધરપકડ કરી તેના વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.