સુરતઃ સુપ્રીમ કોર્ટે ત્રિપલ તલાકને ગેરકાયદે ઠેરવ્યા છે, પરંતુ હજુ સુધી ત્રિપલ તલાક પર સંપૂર્ણપણે અંકુશ લાવી શકાયો નથી. સુરતમાં ત્રિપલ તલાકનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ પ્રેમિકાને પામવા માટે પત્નીને વીડિયો કોલ પર તલાક આપ્યા છે.
શહેરના લિંબાયતમાં રહેતી 26 વર્ષીય મહિલાને પતિએ વીડિયો કોલ પર ત્રણ વખત તલાક..તલાક..તલાક કહી તલાક આપ્યા હોવાનો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. મહિલાએ પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પત્નીએ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના બાગરા ગામે રહેતા પતિ લાખુખાન શકુરખાને પ્રેમિકા માટે તેણીને ડિવોર્સ આપ્યા છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તબુસ્સમના રાજસ્થાનના લાખુખાન સાથે ફેબ્રુઆરી 2021માં લગ્ન થયા હતા. લાખઉખાનને લગ્ન પહેલાં જ ચાર સંતાન હતા. તબુસ્સમને પણ અગાઉથી લગ્નથી બે સંતાન હતા. લગ્ન પછી તબુસ્સમ સાસરે રહેવા ગઈ હતી. થોડા સમય બાદ પતિ લાખુખાનના કિરણ નામની યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો, તેના લીધે પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. લગ્નના થોડા મહિના બાદ તબુસ્સમ પિયર સુરત આવી ગઈ હતી. છેલ્લાં ચાર વર્ષથી દંપતી વચ્ચે ટેલિફોનિક ઝઘડા થતા હતા.
દરમિયાન ગઈ તા. 27 ઓગસ્ટે સાંજે 5.30 કલાકના અરસામાં પતિ લાખુખાને તબુસ્સમને વીડિયો કોલ કર્યો હતો. આ દરમિયાન તબુસ્સમે પતિ લાખુખાનને સુરત આવી પોતાની સાથે રહેવા જીદ કરી હતી. બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં પતિ લાખુખાને વીડિયો કોલ પર જ ત્રણ વાર તલાક..તલાક..તલાક.. કહી ડિવોર્સ આપ્યા હતા. આ ઘટનાથી તબુસ્સમન અવાક્ થઈ ગઈ હતી.
આ ઘટનાના ત્રણ મહિના બાદ તબુસ્સમે લિંબાયત પોલીસ મથકે પતિ લાખુખાન વિરુદ્ધ ફરિયાદ આપી છે. તબુસ્સમના આક્ષેપ મુજબ પતિએ તલાક માટે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. તેના લગ્નજીવન પર વિપરિત અસર પડી છે. તબુસ્સમના આક્ષેપ મુજબ પ્રેમિકા માટે આરોપી પતિએ તેને તલાક આપ્યા છે. પોલીસે તબુસ્સમની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.