Madhya Gujarat

ખંભાતમાં પત્નીને ભગાડી જનાર પ્રેમીનો પતિ પર હુમલો

આણંદ : ખંભાતમાં કટલરીનો વ્યવસાય કરતાં વેપારીની પત્નીને નેજા ગામનો શખસ ભગાડી ગયો હતો. બાદમાં આ શખસ અવાર નવાર વેપારીના ઘર પાસે જઇ તેને ઇશારા કરી પજવણી કરતો હતો. આ અંગે વેપારીએ ઠપકો કરતા તેના પર હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ અંગે પોલીસે હુમલાખોર શખસ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખંભાતના લાલદરવાજા ખાતે રહેતા રાજેશકુમાર પ્રજાપતિ ઘરે કટલરીની દુકાન ચલાવે છે. તેમના લગ્ન નવેક વર્ષ પહેલા થયા હતા અને આ લગ્ન જીવન દરમિયાન તેમને ત્રણ સંતાનો પણ થયાં હતાં.

જોકે, એકાદ વર્ષ અગાઉ તેમની પત્ની નેજા ગામે રહેતા મેહુલ જીતુભાઈ રાજપુત નામના શખસ સાથે ભાગી ગયાં હતાં. આ અંગે પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી મેહુલ વારંવાર રાજેશકુમારના ઘર પાસે આવેલા પાનના ગલ્લા પર આવીને ઉશ્કેરી ઝઘડો કરવા કોશીષ કરતો હતો. દરમિયાનમાં 31મી ઓગષ્ટની રાત્રે મેહુલ ફરી રાજેશની દુકાન પાસે આવ્યો હતો અને નજીકમાં આવેલી પાણીપુરીની લારી આગળ ઉભો રહી ઉશ્કેરણી જનક ઇશારા કરતો હતો. જેથી રાજેશ પણ મેહુલ પાસે જઇને ઠપકો આપ્યો હતો. આથી, મેહુલ ઉશ્કેરાઇ ગયો હતો અને અપશબ્દો બોલી ગડદાપાટુનો મારમારી ધક્કો મારી નીચે પાડી દીધો હતો. જોકે, પકોડીવાળા અને અન્ય પરિવારજનો દોડી આવતાં બન્નેને છુટા પડાવ્યાં હતાં. આ હુમલાથી ઘવાયેલા રાજેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગે મેહુલ રાજપુત સામે ગુનો નોંધ્યો છે.

Most Popular

To Top