સુરત : (Surat) માનદરવાજાની મહિલા (Women) ઉપર ફાયરિંગ (Firing) કરાવનાર તેનો પતિ (Husband) જ નીકળ્યો હતો. પોલીસે ફાયરિંગ કરનાર બેની ધરપકડ (Arrest) કરી હતી. જ્યારે ગઈકાલે મહારાષ્ટ્રના ઔરંગાબાદ ખાતે સીઆરપીએફના (CRPF) કેમ્પમાંથી સલાબતપુરા પોલીસે મહિલા પર ફાયરિંગ કરાવનાર આર્મી મેન (Army Man) પતિની ધરપકડ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
- માનદરવાજા ખાતે મહિલા પર ફાયરિંગ કરાવનાર આર્મી મેન પતિની ધરપકડ
- પત્ની ઉપર ફાયરિંગ કરવા પતિએ બે-અઢી લાખમાં સોપારી આપી હોવાની વાત
માનદરવાજા ખાતે મહિલા પર ફાયરિંગ કરનાર આરોપીઓને ક્રાઈમ બ્રાંચે પૂણા કડોદરા રોડ સણીયા હેમાદ ગામ તરફ જવાના ત્રણ રસ્તા પાસે જાહેર રોડ ઉપરથી ઝડપી પાડ્યા હતા. આરોપી રવિન્દ્ર રધુનાથ યેશે (ઉ.વ.૩૭, રહે. આકુર્ડીગામ વિઠ્ઠલ કાલભોરની ચાલ રૂમ નં – ૯, પિંપરી ચિચવડ પૂણે મહારાષ્ટ્ર તથા મુળ જી.જલગાંવ મહારાષ્ટ્ર) તથા રત્નકલાકાર નરેન્દ્ર ઉર્ફે મયુર રમેશ જાવદ (ઉ.વ.૨૦, રહે. પ્લોટ નં:-૨૫૨, સંગમ બેન્ડ પાસે, સુભાષનગર, લિંબાયત તથા જલગાંવ મહારાષ્ટ્ર) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી એક લોખંડના ધાતુની દેશી હાથ બનાવટની પિસ્ટલ, બે જીવતા કાર્ટીઝ, બે મોબાઈલ ફોન તથા બાઈક મળી કુલ 65 હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો.
મહિલા ઉપર ફાયરિંગ તેના પતિએ જ કરાવ્યું હોવાની કબૂલાત બંને આરોપીઓએ કરી હતી. નંદાબેન મોરેને તેના પતિ વિનોદ મોરે સાથે છુટાછેડા લેવા બાબતે તકરાર ચાલતી હતી. આ તકરારમાં માનસિક રીતે પરેશાન થઈ ગયો હોવાથી તેણે પત્ની પર ફાયરિંગનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તેના મિત્રની મદદ લીધી હતી. તેના મિત્રને ગામથી જ પિસ્તલ અપાવી હતી. પોલીસે ગઈકાલે આર્મી મેન વિનોદ યુવરાજ મોરે (ઉ.વ.35, રહે. સેન્ટ્રલ ટ્રેઇનીંગ સેન્ટર સી.આર.પી.એફ. મુધખેડા, નાંદેડ, મહારાષ્ટ્ર તથા મુળ રહે- મુ.પો. ચહાર્ડી તા.ચોપડા જી.જલગાવ, મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે. આર્મી મેને બે થી અઢી લાખમાં સોપારી આપી હોવાની વાત છે. પોલીસે આર્મી મેનના 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.