હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ: અંબાણીને પાછળ છોડીને અદાણી પરિવાર બન્યો દેશમાં સૌથી ધનિક – Gujaratmitra Daily Newspaper

Business

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ: અંબાણીને પાછળ છોડીને અદાણી પરિવાર બન્યો દેશમાં સૌથી ધનિક

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પરિવારની કુલ સંપત્તિ એક વર્ષમાં 95% વધીને 11.62 લાખ કરોડ થઈ છે. અદાણી પરિવારે છેલ્લા એક વર્ષમાં તેની કુલ સંપત્તિમાં 5,65,503 કરોડનો વધારો કર્યો છે. અદાણી પરિવાર અંબાણી પરિવારને પાછળ છોડી દેશનો સૌથી ધનિક પરિવાર બની ગયો છે. અંબાણી પરિવારની સંપત્તિ 10.15 લાખ કરોડ રૂપિયા છે. એક વર્ષમાં 25% નો વધારો થયો છે.

‘હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024’ અનુસાર હિંડનબર્ગના આરોપો છતાં ગૌતમ અદાણી અને પરિવારે ગયા વર્ષની સરખામણીમાં સંપત્તિમાં 95% વૃદ્ધિ હાંસલ કરી છે. એચસીએલના માલિક શિવ નાદર અને પરિવાર 3.14 લાખ કરોડ રૂપિયા અને સીરમ ઇન્સ્ટિટ્યૂટના માલિક સાયરસ એસ. પૂનાવાલા અને પરિવાર 2.90 લાખ કરોડની સંપત્તિ સાથે યાદીમાં ત્રીજા અને ચોથા સ્થાને છે.

આ યાદીમાં પહેલીવાર શાહરૂખ-રિતિકની એન્ટ્રી
બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન 7,300 કરોડની સંપત્તિ સાથે પહેલીવાર આ યાદીમાં સામેલ થયા છે. આઈપીએલની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સમાં તેની ભાગીદારીથી શાહરૂખની સંપત્તિમાં વધારો થયો છે. શાહરૂખ રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટનો માલિક છે તે જ કંપની જેણે તેની ફિલ્મો ડંકી, જવાન અને ડાર્લિંગ્સનું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મોની સફળતાને કારણે તેની સંપત્તિમાં પણ વધારો થયો છે.

શાહરૂખ ઉપરાંત 4,600 કરોડની સંપત્તિ સાથે જૂહી ચાવલા રૂ. 2,000 કરોડની સંપત્તિ સાથે રિતિક રોશન, રૂ. 1,600 કરોડની સંપત્તિ સાથે અમિતાભ બચ્ચન અને પરિવાર અને રૂ. 1,400 કરોડની સંપત્તિ સાથે લિસ્ટમાં છે. કરણ જોહરનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. હુરુન ઈન્ડિયાની યાદીમાં સામેલ બોલિવૂડના અમીરોની કુલ સંપત્તિ 40,500 કરોડ રૂપિયા છે.

અદાણી દેશના સૌથી મોટા પ્રાઈવેટ પોર્ટના માલિક છે
જણાવી દઈએ કે અદાણી દેશના સૌથી મોટા ખાનગી બંદરની માલિકી ધરાવે છે અને વૈશ્વિક કોલસાના વેપારમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. અદાણી એન્ટરપ્રાઇઝ એ ​​ગૌતમ અદાણીના જૂથની મુખ્ય કંપની છે. જૂથની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરે છેલ્લા એક વર્ષમાં 20.57% નું વળતર આપ્યું છે. જ્યારે અદાણી પોર્ટ્સ, ગ્રીન અને પાવરે પણ ઉત્તમ વળતર આપ્યું છે.

Most Popular

To Top