National

ઉત્તર પૂર્વ અમેરિકામાં હાહાકાર મચાવતું ઇડા વાવાઝોડું: ૨૬નાં મોત

કેરેબિયન વિસ્તાર પરથી આવીને અમેરિકામાં સૌપ્રથમ લુસીઆના રાજય પર ત્રાટક્યા બાદ ઇડા વાવાઝોડાએ આગળ વધીને નોર્થઇસ્ટમાં હાહાકાર મચાવી દીધો હતો જ્યાં ઓછામાં ઓછા ૨૬નાં મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે જેમાંથી નવ વ્યક્તિઓનાં મોત તો ફક્ત ન્યૂયોર્ક શહેરમાં જ થયા હતા. સ્થાનિક સમય પ્રમાણે બુધવારે રાત્રે ન્યૂયોર્ક, ન્યૂજર્સી, પેન્સિલવેનિયા અને મેરિલેન્ડ વિસ્તારોમાં આ વાવાઝોડાને પગલે પડેલા ભારે વરસાદને કારણે અહીં પૂરની સ્થિતિ સર્જાઇ હતી.

ન્યૂયોર્ક શહેરમાં તો આ વાવાઝોડાને કારણે ઐતિહાસિક પ્રમાણમાં વરસાદ પડ્યો હતો અને સખત પૂરના કારણે સબ-વેમાં પાણી ભરાઇ ગયા હતા, વાહનો અને કેટલાક ઘરો પણ ડૂબી ગયા હતા. વાવાઝોડાને લગતી ઘટનાઓમાં ન્યૂયોર્ક મહાનગરમાં ૯નાં મોત થયા હતા, મેરિલેન્ડમાં એકનું મોત થયું હતું તો ન્યૂજર્સીમાં છ મૃત્યુઓ નોંધાયા હતા. બુધવારે મોડી સાંજે ન્યૂયોર્ક શહેર અને ન્યૂયોર્ક રાજ્યમાં કટોકટી જાહેર કરી દેવામાં આવી હતી.

મૃતકોમાં બે વર્ષના એક છોકરાનો પણ સમાવેશ થાય છે, જે એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ફસાઇ ગયો હતો. આ ઉપરાંત ડૂબી જવાથી આધેડ વયની એક સ્ત્રી અને એક આધેડ પુરુષના પણ મૃત્યુ થયા હતા. તેઓ પણ આ જ એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં ડૂબી ગયા હતા અને મૃત બાળકના કુટુંબીજનો જ હોવાનું કહેવાય છે. ન્યૂયોર્કમાં મૃત્યુ પામેલા તમામ નવ જણામાંથી આઠના મોત તો એપાર્ટમેન્ટોના બેઝમેન્ટોમાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી જ થયા છે જ્યારે એક વ્યક્તિ તેની કારમાંથી મૃત હાલતમાં મળી આવી હતી.

ન્યૂયોર્કના સબ-વે સ્ટેશનોમાં પાણી ઘૂસી ગયા હતા અને આખી સબ-વે સિસ્ટમ બંધ કરી દેવી પડી હતી. ન્યૂજર્સીમાં પોસ્ટલ સર્વિસ બિલ્ડિંગનું છાપરું તૂટી પડ્યું હતું અને તે સમયે કેટલાક લોકો આ ઇમારતમાં જ હતા. જો કે જાનહાનિ કે ઇજાના અહેવાલ તત્કાળ મળી શક્યા ન હતા. બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. ન્યૂજર્સીની ૨૧ કાઉન્ટિઓમાં પણ કટોકટી જાહેર કરવામાં આવી હતી.

Most Popular

To Top