Charchapatra

ચાર પાડોશી રાષ્ટ્ર કરતા ભારતમાં ભૂખમરો વધુ છે તદ્દન પોકળ વાત

ગ્લોબલ હંગર ઇન્ડેકસમાં ભારત, પાકિસ્તાન તથા બાંગ્લાદેશ અને નેપાળ તથા શ્રીલંકા કરતા પણ પાછળ છે.આ બાબત અગ્રલેખમાં પણ શંકા વ્યકત કરવામાં આવી છે. આપણા આ ચાર પાડોશી રાજયો કરતા પણ ભારતમાં ભૂખમરો વધુ છે. એ બાબત ખરેખર શંકા પ્રેરે એવી છે. નેપાળમાં આપણા કરતા ભૂખમરો ઓછો હોત તો લાખો નેપાળીઓ ભારતમાં આવે જ શા માટે?? નેપાળીઓ કુટુંબો સહિત ભારતભરમાં પથરાયેલા છે. તેઓ રોજી રોજી માટે ભારતમાં વણથંભ્યા આવી રહ્યા છે. શ્રીલંકામાં પણ મોંઘવારીએ માઝા મુકી છે.

રોજીરોટી સબબ ત્યાં અનેક વખત નાગરિકોએ રમખાણો કર્યા છે. તો કઇ રીતે કહી શકાય કે શ્રીલંકામાં ભારત કરતા ભૂખમરો ઓછો છે?? જો બાંગ્લાદેશમાં ભૂખમરો ના હોત તો લાખો બલકે કરોડ કરતા વધારે બાંગ્લાદેશીઓ ચોરી છુપીથી ભારતમાં ઘૂસ્યા ના હોત. 1971થી વણથંભી બાંગ્લાદેશીઓની વણઝારો, ભારતમાં બિનકાયદેસર રીતે ઘૂસતી રહી છે. મોંઘવારી અને ભૂખમરાને કારણે પાકિસ્તાનમાન તો ભારે દેખાવો અને રમખાણો થતા રહ્યા છે. એક કિલો લોટ, દોઢસો રૂપિયે પણ મળતો નથી, એવા પાકિસ્તાનનો ભૂખમરો, ભારતના ભૂખમરાથી ઓછો છે, એ વાત કેમ કરીને ગળે ઉતરી શકે??

ખાસ કરીને પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં ભારતની સરખામણીએ ભૂખમરો કમ હોય તો પાકિસ્તાનના તથા બાંગ્લાદેશના નાગરિકો ભારતમાં કાયમી ધોરણે સ્થાયી થવા તૈયાર થાય ખરા કે?? બીજા દુનિયાના દેશો કરતા ભારતમાં ભૂખમરો વધુ હશે એ વાત કદાચ માની શકાય. પણ આપણા આ ચાર પાડોશી રાષ્ટ્રોના ભૂખમરા કરતા આપણે ત્યાં ભૂખમરો વધુ છે એવું કહેવામાં ભારતને નીચુ દેખાડવાના પેંતરા સિવાય બીજુ કશું જ નથી.
સુરત              – બાબુભાઇ નાઇ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top