વ્યારા: ડોલવણના (Dolvan) પાટી ગામે નવાઠી ફળિયામાં રાત્રિના સમયે લગ્ન પ્રસંગે યોજાયેલી ડીજે પાર્ટીનો (DJ Party) વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (viral video) થતાં પોલીસ એક્શન મૂડમાં દેખાઈ હતી. ડોલવણ તાલુકા પંચાયતના ભાજપનાં (BJP) ઉપપ્રમુખ સુનંદાબેનના દિયરનો લગ્ન (Marriage) પ્રસંગ હતો, જેમાં સેંકડોની સંખ્યામાં લોકો માસ્ક (Mask) અને સોશિયલ ડિસ્ટન્સ (social distance) વિના ડીજે પાર્ટીમાં ઝૂમતાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. હાલ કોરોનાની ત્રીજી લહેરમાં (third wave) કોરોના (corona) સંક્રમિતોની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના પર કાબૂ મેળવવા સરકારે જાહેરનામું બહાર પાડી ટોળાશાહી પર અંકુશ લાદવા કડક કાર્યવાહીના આદેશો બહાર પાડ્યા છે. તેવામાં સામાન્ય નાગરિકો પર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સને લઈ ગાજ વરસાવનાર પોલીસ કર્મચારીની નિષ્કાળજી સામે આવી હોવાથી પોલીસ વડાએ આંખ લાલ કરી હોવાનું જાણવા મળ્યું છે.
ડોલવણના લગ્નપ્રસંગમાં ડીજેના તાલે હજારોની સંખ્યામાં લોકો આખી રાત ઝૂમ્યા હતા. પણ પોલીસ આ સમગ્ર મામલે કુંભકર્ણની નિદ્રા જ પોઢતી ઝડપાઈ હતી. તા.૧૭ જાન્યુઆરીએ રાત્રિના ૧૦ વાગ્યાથી તા.૧૮મી જાન્યુઆરીના 12:30 વાગ્યા દરમિયાન વગર મંજૂરીએ બેન્ડ બોલાવી લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ નાચગાન કરતા જોવા મળ્યા હતા, પણ ડીજે પાર્ટીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યાર બાદ સમગ્ર મામલે પોલીસ એક્શન મૂડમાં આવી હતી. આ લગ્નનું આયોજન કરનારાઓએ કોવિડ-૧૯ વૈશ્વિક માહામારીને લઈ સરકારની SOP તથા જાહેરનામાનું પાલન કર્યું ન હતું.
સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્કનો ઉપયોગ કર્યા વિના લોકો ડાન્સ કરતા નજરે પડ્યા હતા. વયરલ થયેલા વિડીયોથી પોલીસની કામગીરીને લઈ સવાલો ઊભા થયા હતા. આ મામલે લગ્નનું આયોજન કરનાર કનુ રંગજી ગામીત, જીતુ કનુ ગામીત, નિલેશ કનુ ગામીત (તમામ રહે., પાટી, નવાઠી ફળિયું, તા.ડોલવણ) આ ત્રણેય વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો હતો.
ડોલવણ પીએસઆઇ સહિત બે સસ્પેન્ડ
ડોલવણના લગ્ન પ્રસંગે સેંકડોની સંખ્યામાં ડીજે પાર્ટીમાં ઝૂમતા વાયરલ થયેલા વિડીયો પ્રકરણમાં ડોલવણ પોલીસની બેદરકારી છાપરે ચઢીને પોકારી હોવાથી પોલીસ વડાએ તેની ગંભીર નોંધ લીધી છે. હાલ તો આ પ્રકરણમાં ડોલવણ પીએસઆઇ વિક્રમ આર. વસાવા અને બીટ જમાદાર કિશોર સર્વસિંહને સસ્પેન્ડ કરી દેવાયા હતા.