Business

BCG રસીનાં સો વર્ષ : માનવ-અસ્તિત્વને સુરક્ષા બક્ષતી ‘સંજીવની’!

બેસિલસ કાલ્મેટ ગુરીન’[‌BCG] નામની વેક્સિનને સો વર્ષ પૂર્ણ થયાં છે. આજે જેમ કોરોનાની વેક્સિન લાખો લોકોના જીવ બચાવી રહી છે તેવી જ રીતે છેલ્લાં સો વર્ષથી ‘BCG’ રસી પણ કામ કરી રહી છે. આજે પણ તેનો ઉપયોગ વ્યાપક છે. વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વેક્સિનોમાંની એક ‘BCG’ છે. ‘BCG’ વેક્સિનની શોધ સૌ પ્રથમ ટ્યૂબરકોલિસિસ બીમારી માટે થઈ હતી. પછી તે અન્ય બીમારીઓ સામે પણ કારગર રહી. ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ની ‘આવશ્યક દવાઓ’માં BCGનું સ્થાન છે અને દર વર્ષે અંદાજે દસ કરોડ બાળકોને ‘BCG’ વેક્સિન આપવામાં આવે છે. આ પરથી અંદાજ લગાવી શકાય કે આજે પણ આ રસીથી કેટલાં લોકો સુરક્ષિત છે.

T.Bની બીમારી પહેલાં જેવી ઘાતક રહી નથી. તેનો ઇલાજ શક્ય છે. તેમ છતાં આજે વિશ્વમાં દર વર્ષે થતાં કુલ મૃત્યુમાં સવા ટકા મૃત્યુ T.B. થી થાય છે. આ T.B.ની ઘાતકતા ઓછી થયા પછીનો આંક છે, એક સમયે T.B. જીવલેણ બીમારી હતી. T.B.ની બીમારી સામે માનવજાતને સૌથી સુરક્ષિત શસ્ત્ર ‘BCG’ વેક્સિનનું મળ્યું છે. T.B. હવા દ્વારા યા જે બીમારી ધરાવતા હોય તેના છીંક, ગળફા કે બોલવા દ્વારા પણ બીજા વ્યક્તિમાં ટ્રાન્ઝમિટ થઈ શકે છે. એ રીતે T.B. કોરોના જેવી જ ઘાતક બીમારી છે અને આજે પણ દર વર્ષે વિશ્વના 1% લોકો તેનાથી સંક્રમિત થાય છે. T.B.ના સૌથી વધુ કેસ વિશ્વભરમાં આવે છે તેવા આઠ દેશોમાં ભારતનો ક્રમ સૌથી ઉપર છે. પ્રાચીન કાળની આ બીમારી આજે પણ લોકોની જાન લઈ રહી છે. હા, તેના કેસીસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે છતાં તેને નાબૂદ કરી શકાઈ નથી.

આહાર અને દવાઓના કારણે T.B.ની બીમારીને કાબૂમાં લઈ શકાય છે. જો કે એક સમયે આ T.B.ને પારખવો અને તેનો ઇલાજ કરવો અસંભવ હતો. T.B.ના કિસ્સામાં આમ બન્યું તેનું મુખ્ય કારણ આ બીમારીના કોઈ લક્ષણ દેખાતાં નથી. T.B.નું સંક્રમણ ખાસ્સા સમય સુધી વ્યક્તિના શરીરમાં રહે છે અને તેમાંથી માત્ર 10% લોકો જ એક્ટિવ T.B.ના દરદીઓ તરીકે પારખી શકાય છે અને જો એક વાર T.B.નાં લક્ષણોને પારખવામાં આવે અને તેનો ઇલાજ ન થાય તો તેના મૃત્યુઆંકની ટકાવારી 66ની છે.

પ્રાચીન કાળથી T.B.ની બીમારી માનવીના શરીરમાં છે અને આધુનિક ઇતિહાસ તરફ જોઈએ તો 18મી ને 19મી સદીમાં મહામારી બનીને આવી હતી. 18મી સદીમાં પશ્ચિમી યુરોપમાં T.B.થી લાખે એક હજાર વ્યક્તિના મૃત્યુ થતાં હતાં. 19મી સદીમાં તો યુરોપના ચોથા ભાગનાં વયસ્ક લોકો T.B.થી મૃત્યુ પામ્યા હતા! 1851થી 1910 દરમિયાન માત્ર ઇંગ્લેન્ડ અને વેલ્સના આંકડા જોઈએ તો ચાળીસ લાખ લોકોએ તેનાથી જીવ ખોયો હતો. મૃત્યુ પામનારાં આ લોકોમાં ત્રીજા ભાગના 15થી 34 વર્ષના હતા. T.B.નો કહેર એ વખતે એટલો પ્રસર્યો હતો કે તેને ‘રૉબર ઑફ યુથ’ એમ નામ આપ્યું હતું કારણ કે T.B. યુવાનો માટે વધુ ઘાતકી બન્યો હતો. જેમ અત્યારે કોરોનાએ માનવજીવન વેરવિખેર કરી દીધું છે તેમ T.B.એ પણ ખોફ પ્રસરાવ્યો હતો અને તેથી જ તેનો ઇલાજ શોધી કાઢવા પ્રયાસ થવા માંડ્યા.

મેડિકલ સાયન્સની પ્રગતિ તે વખતે આટલી નહોતી. આ કારણે T.B.ની વેક્સિન આવવામાં પાંચ દાયકા જેટલો સમય વીતી ગયો. તેનું સંશોધનનું કાર્ય આરંભાયું 1865થી જ્યારે જીન એન્ટોની વિલેમિન નામના ફિઝિશ્યને એમ શોધી કાઢ્યું કે T.B. એ સંક્રમિત બીમારી છે. પ્રયોગ દ્વારા તેમણે ઉંદરથી માનવીમાં ને પછી તે T.B.ના વાઇરસને ગાયમાં સંક્રમિત કરીને દાખવ્યા. T.B.ના વિજ્ઞાનને વધુ વિસ્તાર્યું બેક્ટેરિયોલોજીના આધુનિક જનેતા કહેવાતા રોબર્ટ કોચ દ્વારા.

તેમણે માનવી અને ગાયબળદમાં જોવા મળતાં T.B.નાં લક્ષણોમાં ઘણી સામ્યતા જોઈ. બીમારીની આ સામ્યતા જોવામાં રોબર્ટ કોચની ભૂલ હતી જે સુધારી થિયોબોલ્ડ સ્મિથે. પછીથી રોબર્ટ કોચે પણ તેનો સ્વીકાર કર્યો. તે વખતે જેમ શીતળાનું રસીકરણ થતું હતું તેમ જ T.B.નું થઈ શકે તે બાબતે વિચારાયું. એક ધારણા એવી પણ સંશોધકોને થઈ કે ગાયબળદમાં જોવા મળતાં T.B.ના વાઇરસ માનવીને T.B.થી બચાવી શકશે. તે દિશામાં પ્રયોગ થયા અને તેમાં કોઈ ઉત્સાહજનક પરિણામ ન આવ્યાં.

શોધનો સિલસિલો આગળ વધ્યો અને તેની ધુરા જ્યારે ફ્રાન્સના પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં બેક્ટેરિયોલોજિસ્ટ આલ્બર્ટ કાલ્મેટ અને તેમના સહકર્મી કેમિલિ ગ્યુરીન પાસે આવી ત્યારે તેમને આશા દેખાઈ. તેમણે પ્રયોગમાં T.B.નો ઓછો ઘાતકી વાઇરસ તૈયાર કર્યો જે વેક્સિનમાં ઉપયોગમાં લઈ શકાય. આ ઓછા ઘાતકી વાઇરસને તૈયાર કર્યા બાદ પણ તેના પ્રયોગો અવિરત થતા રહ્યા જેથી તેનાથી વેક્સિન તૈયાર થઈ શકે. ઇવન, પ્રથમ વિશ્વયુદ્ધમાં પણ તેનું કામ અટક્યું નહોતું. અંતે પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં થયેલાં પ્રયોગોથી 1921માં BCG રસી તૈયાર થઈ. રસી તો તૈયાર થઈ પરંતુ જ્યારે તેનો અમલ શરૂ થયો ત્યારે જર્મનીની લ્યૂબેકમાં બનેલી ઘટનાથી ફરીથી તેના પર સવાલ ખડા થયા. લ્યૂબેકમાં 240 નવજાત બાળકોને આ વેક્સિન આપવામાં આવી અને તેમાંથી બધામાં જ T.B.નાં લક્ષણો વિકસ્યાં. આ બાળકોમાંથી 72 બાળકોનાં મૃત્યુ થયાં અને BCG વેક્સિન બનાવનાર પર પસ્તાળ પડી.

BCGની અસ્વીકાર્યતાને સ્વીકાર્ય બનાવવાનું કાર્ય કર્યું ડૉ. આર.જી. ફર્ગ્યુસને. તેમણે આ અભિયાન સાથે અભ્યાસ હાથ ધર્યો અને BCGની સ્વીકાર્યતા બનતી ગઈ. પછી તો 1945થી 1948 દરમિયાન પશ્ચિમ યુરોપમાં એંસી લાખ બાળકોને BCG રસી આપવામાં આવી. આ ગાળા દરમિયાન જોરશોરથી રસી આપવાનું એક કારણ વિશ્વયુદ્ધ પણ હતું. સામાન્ય રીતે મોટાં યુદ્ધ પછી T.B.ના દરદીઓમાં વધારો જોવા મળતો હતો તેથી આ રસીકરણ અભિયાન ઝડપભેર થયું. આજે BCG વેક્સિનને લઈને કોઈ પ્રશ્ન નથી પરંતુ લાંબા સમય સુધી તેના વિરોધમાં અનેક દલીલો થતી રહી.

ભારતમાં પણ તેનો વિરોધ ખૂબ થયો હતો, વિશેષ કરીને તત્કાલીન અગ્રગણ્ય રાજકીય આગેવાન અને પછીથી ભારતના ગવર્નર જનરલ અને ગૃહમંત્રી રહી ચૂકેલા ચક્રવર્તી રાજગોપાલ દ્વારા. તેમણે BCG રસીના વિરોધમાં અભિયાન છેડ્યું હતું અને તેના વિરોધને લગતી એક પુસ્તિકા પણ પ્રકાશિત કરી હતી. ચક્રવર્તી રાજગોપાલચારી BCG રસીના વિરોધ સંદર્ભે લખે છે : “ BCG રસીની યોજનાનો પાયો વિજ્ઞાનની દૃષ્ટિથી અપૂરતો છે એટલું જ નહીં પણ સામુદાયિક ધોરણે એની ઝડપી પ્રગતિ કરવા માટે જે પ્રચારનો આશરો લેવામાં આવે છે તેમાં ઊંટવૈદાની પદ્ધતિઓની ગંધ આવે છે.

સત્તાવાળાઓ તરફથી વારંવાર જણાવવામાં આવે છે તથા છાપાંઓમાં અનેક વાર પુનરુક્તિ કરવામાં આવે છે કે આ વરસે આટલાં લાખ બાળકોને ક્ષય રોગના જોખમમાંથી મુક્ત કરવામાં આવ્યાં તથા હવે પછીનાં બે વરસના અંત સુધીમાં આટલાં કરોડ બાળકોને એ રોગના જોખમથી મુક્ત કરવામાં આવશે વગેરે…જેનો દાવો કરવામાં આવે છે તે રોગમુક્તિની સ્થિતિ બે વરસથી વધુ કાળ પહોંચતી નથી અને એ દાવા દરમ્યાન પણ પ્રબળ ચેપનો સામનો કરવા જેટલી તે તાકાતવાળી હોતી નથી તથા રોગમુક્તિનો ગાળો લંબાવવા માટે ફરીથી એ રસી મૂકવાની કોઈ યોજના નથી. વસ્તુતાએ, દાક્તરોનો એવો સ્પષ્ટ અભિપ્રાય છે કે, વારંવાર BCG રસી મૂકવી એ જોખમકારક છે. ” ‘હરિજનબંધુ’માં 1955ના વર્ષના ઑગસ્ટ માસમાં લખેલા આ લેખમાં રાજગોપાલચારી એમ પણ લખે છે : “હું આધુનિક ‘પાશ્ચાત’ રોગનિવારણની પદ્ધતિ તથા આધુનિક વિજ્ઞાનનો વિરોધી નથી. BCG રસીને આધુનિક પાશ્ચાત્ય દાક્તરી વિદ્યા સાથે કશી જ લેવાદેવા નથી.

વસ્તુતાએ, જેને આધુનિક દાક્તરી વિદ્યા કહેવામાં આવે છે તેના કરતાં હોમિયોપથીની ઉપચાર પદ્ધતિના સિદ્ધાંત સાથે તેનું વધારે સામ્ય છે. તેની પાછળનો સિદ્ધાંત પણ હોમિયોપથીના સિદ્ધાંત જેવો જ છે. તે એ કે, જે વસ્તુ રોગ પેદા કરે તે જ વસ્તુ હળવી માત્રામાં આપીને રોગની સાથે કામ લેવું જોઈએ. તફાવત એટલો જ છે કે, હોમિયોપથીનો ઉપચાર કરનાર માણસના શરીરમાં પ્રવેશ કરીને જે વૃદ્ધિ પામે એવી વસ્તુ નથી આપતો જ્યારે BCG રસી આપનાર શરીરમાં જઈને વૃદ્ધિ પામે એવા અસંખ્ય જીવાણુઓ દાખલ કરે છે.” રાજગોપાલચારીના આ તર્ક-દલીલો સાથે સંમત થવાનું ન બને, ખાસ કરીને જ્યારે કોરોના રોજબરોજ હજારો લોકોના જાન લેતો હોય ત્યારે. અત્યારે કોરોનામાં જેમ માત્ર રસીથી સુરક્ષા સંભવ છે તેમ T.B.માં પણ માનવજાતને BCG રસીથી સુરક્ષા પ્રદાન થઈ છે. મહામારીમાં માનવ અસ્તિત્વને સ્વસ્થ રીતે ટકાવવું હોય તો હાલ રસી જ માત્ર ઉપાય છે.

Most Popular

To Top