Charchapatra

વિનોદી જ્ઞાની નરેન્દ્ર જોશી

સ્વ. નરેન્દ્ર જોશીનું હાલમાં જ દુ:ખદ અવસાન થયું. ‘ગુજરાતમિત્ર’ સહિત અમોને ખૂબ દુ:ખ થયું. જ્યારે પણ અમે ચર્ચાપત્ર લઇને જઇએ ત્યારે, અતિ વ્યસ્ત હોવા છતાં અમારી સાથે મજાક કરતા, જ્ઞાનનો તણખો-ચમકારો વેરી જતાં, કાયમ હસતો જ ચહેરો અમે જોયો છે. જોકસ પણ કહે, તેમાં છૂપું જ્ઞાન સમાયેલ હોય. 46-46 વર્ષો સુધી ‘ગુ.મિત્ર’માં એક સીટ ઉપર બેસી સેવા આપી રહ્યા હતા. તેમની વફાદારી, કામની ચીવટ, ફાવટ અમે જોઇ છે. કામ વખતે ગપ્પાં મારતાં જોયા નથી. નાસ્તો કરતાં કે ચા અને સમય વેડફતાં જોયા નથી. બસ કામને કામ. અમોને બેસાડે, થોડુંક હાસ્ય સહિતની વાતો કરે પણ થોડોક જ સમય પાછાં કામમાં વળગી જાય. અમને ચર્ચાપત્રીઓને તેમની ખોટ સાલસે કદાચ.

‘ગુ.મિત્ર’ને પણ સાલે. તેમની સાથે જેમણે સાથે બેસીને કામ કર્યું હશે. એ બધાને પણ તેઓ યાદ આવ્યા વગર રહેશે નહિ. એમનો બીજો ગુણ તટસ્થતા, સ્પષ્ટ અને નમ્રતાથી સીધું કહેવાની રીત અમને સ્પર્શી જતી. ચર્ચાપત્ર કેમ ન છપાયું? ની અમારી કાયમી ફરિયાદને કહેતા. ‘અમારે બીજું પણ ઘણું બધું વિચારવું પડે.’ તેઓ ખૂબ વાંચતાં, વિચારતા અને પુસ્તકો કે કોલમ લખતાં. સાહિત્ય અને વિજ્ઞાન તેમના પ્રિય વિષય. આ વિષયો તમને તેમની કોલમમાં અચૂક વાંચવા મળે. તેઓ ખાનપાનના શોખીન હતા અને આને કારણે થોડા રોગોને આમંત્રેલા પણ કોઇ દિવસ રોગનાં રોદણાં રડયાં નથી. દુ:ખ તો શરીરને છે, મનને થોડું હોય છે. ‘આનંદમાં રહો, ખુશ રહો. એ તેમનો જીવનમંત્ર હતો. બીજી વાર મળવાનું મન થાય તેવી વ્યક્તિ. બીજાને આગળ કરવા તેમના ગુણોને, શક્તિને પ્રોત્સાહન આપવું એ તેમની વિશિષ્ટતા, આવા ગુણીજન હતા.
સુરત     – ઇશ્વર સી. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

તૃપ્તિ
જ્યારે સ્વાદિષ્ટ ભરપૂર ભોજન આરોગવા મળે તે પછી તૃપ્તિ અનુભવાય છે. વિદ્યાધામોમાં જો રસપ્રદ શિક્ષણ પૂરતા પ્રમાણમાં મળે અને વિદ્યાર્થીઓ તેને યોગ્ય રીતે ગ્રહણ કરે તો તે પછી તેમને વધારાના વિદ્યા-આહાર માટે શાળા બહાર જઈને પ્રયાસો કરવાની જરૂરત રહેતી નથી. આજે એ વધારાના વિદ્યા-આહારની વ્યવસ્થાને ‘ટયુશન’ કહેવામાં આવે છે. વિદ્યા-આહાર પીરસનાર શિક્ષકો વિદ્યાર્થીઓની તૃપ્તિ કરાવી શકે તેવી પાત્રતા ધરાવનાર હોવા જોઈએ. ઘરમાં જ ભરપેટ ભોજન મળે તે પછી બહાર જઈને તૃપ્ત થવાની ઈચ્છા રહેતી નથી. વર્ગખંડમાં સુયોગ્ય ગુરુજન દ્વારા રસપ્રદ રીતે આવશ્યક અને પર્યાપ્ત આહાર વિદ્યાર્થીઓને યોગ્ય પ્રમાણમાં પ્રદાન થાય તો શિક્ષણજગતમાં આવું સુખદ અને ગૌરવવંતુ પરિણામ લાવી શકાય.
ઝાંપાબજાર, સુરત         – યુસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top