એક વાર ધસમસતા પ્રવાહ સાથે વહેતી નદીને પોતાના પ્રચંડ વેગ પર અભિમાન થયું કે મારામાં તાકાત છે એટલી કોઈનામાં નથી.ફળોને કોતરીને મારો માર્ગ હું જાતે નક્કી કરું છું.કોઈ મને અટકાવી શકતું નથી.મારા માર્ગમાં મકાન ,ઝાડ ,પશુ ,માણસ જે કોઇ પણ આવે તેને હું મારામાં ડુબાડી દઉં છું અથવા સાથે વહાવીને લઇ જાઉં છું.આ અભિમાનમાં અંધ બનીને નદી સમુદ્ર પાસે ગઈ અને ગર્વથી કહ્યું, ‘મને કહો, તમારે માટે શું લાવું, જે કહેશો તે હાજર કરી દઈશ. મકાન ,માણસ,ઝાડ ,પશુ જે કહેશો તે વહાવીને અહીં લઇ આવીશ.’
સમુદ્ર સમજી ગયા કે આ નદી અભિમાનમાં અંધ બની છે. તેમણે એકદમ વિનમ્રતાથી કહ્યું કે, ‘આમ તો મને કંઈ જોઈતું નથી, પણ તું મારા માટે કંઈ લાવવા જ માંગતી હોય તો થોડું લીલું ઘાસ ઉખાડીને સાથે લઇ આવજે.’ નદીએ કહ્યું, ‘ઘાસ શું ચીજ છે, હું તો મોટા ઝાડ ઉખાડીને લાવી શકું છું. હમણાં લઇ આવું છું લીલું ઘાસ.’
નદી ઘાસ લેવા ગઈ. ઘાસના મેદાનમાં તેણે પોતાનું પૂરું જોર લગાવીને કોશિશ કરી પણ ઘાસ ઉખડ્યું નહિ.નદીએ ઘણી વાર કોશિશ કરી, પણ ઘાસ ન મળ્યું. અસફળતા જ મળી.તે થાકી હારીને વિલે મોઢે સમુદ્ર પાસે ગઈ અને કહેવા લાગી, ‘હું ઝાડ તો પળવારમાં ઉખેડી નાખું છું, પણ જયારે આ તાજા ઊગેલા ઘાસને ઉખેડવાની કોશિશ કરું છું.જોર લગાવું છું ત્યારે તે નીચે ઝૂકી જાય છે અને હું ખાલી હાથે ઉપરથી પસાર થઈ જાઉં છું.કંઈ સમજાતું નથી કે શું કરું.’
સમુદ્રે નદીની વાત સાંભળીને હસીને કહ્યું, ‘ફળ અને ઝાડ બહુ કઠોર હોય છે, તેમને ઝૂકતાં નથી આવડતું એટલે તેઓ આસાનીથી ઉખડી જાય છે, પરંતુ ઘાસ જે નમી જવાનું જાણે છે એટલે તેને કોઈ આંધી, તુફાન કે પાણીનો પ્રચંડ વેગ ઉખાડી શકતું નથી.ઘાસ પાસેથી બધાએ વિનમ્રતા શીખવાની જરૂર છે.હું બધું જ કરી શકું છું તે અહમ્ છોડવાની જરૂર છે.રસ્તામાં જે આવે તે બધાને નુકસાન પહોંચાડવાનો વિચાર જ ખોટો છે.’ નદીને પોતાના અભિમાન પર શરમ આવી અને ભૂલ સમજાઈ ગઈ.’
સમુદ્રે આગળ કહ્યું, ‘આ જીવન બધાને પોતાનાં કરવાં અને ખુશીઓ વહેંચવા માટે છે.બધા સાથે લડાઈ કરી તેમની સાથે લડવા માટે નથી.જીવનમાં હંમેશા લડવાથી બચવું જોઈએ.બીજાને નુકસાન પહોંચાડવાનો તો વિચાર પણ કરવો જોઈએ નહિ અને કોઈ આપની સાથે લડવા આવે તો પાછળ હટી જવું.ઝૂકી જવું, તે હાર નથી પણ જીત છે. જીવનમાં ક્યારેય અભિમાન કરવું નહિ અને એવો ભ્રમ ન રાખવો કે હું બધું જ કરી શકું છું.હું જ સર્વજ્ઞ છું.’ નદીએ પોતાની ભૂલની માફી માંગી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.