પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં બાબરી મસ્જિદ જેવી ડિઝાઇનમાં મસ્જિદ બનાવવાના નિર્ણયે રાજકીય તોફાન ઉભું કર્યું છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સસ્પેન્ડેડ ધારાસભ્ય હુમાયુ કબીરે આજે 6 ડિસેમ્બરે મસ્જિદનો શિલાન્યાસ કર્યો. જેને લઈને રાજ્યમાં ભારે વિવાદ ઉભો થયો છે. કબીરના સમર્થકો માથે ઇંટો લઈને કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
ટીએમસીનો સસ્પેન્ડેડ ધારાસભ્ય પરંતુ શિલાન્યાસ આગળ વધ્યો
અગાઉ કોર્ટએ મસ્જિદના બાંધકામમાં હસ્તક્ષેપ કરવાનું નકારી દીધું હતું પરંતુ હુમાયુ કબીરના આ શિલાન્યાસથી રાજકીય ચર્ચાઓ વધુ ઉગ્ર બની છે. સ્થાનિક વહીવટીતંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. કારણ કે વિસ્તાર સંવેદનશીલ માનવામાં આવે છે.
ભાજપનો આક્ષેપ કહ્યું “આ ધાર્મિક નહિ, રાજકીય પ્રોજેક્ટ”
ભાજપે આ મુદ્દે ટીએમસી અને મમતા બેનર્જી સરકાર પર સીધો હુમલો કર્યો છે. ભાજપના નેતા અમિત માલવિયાએ આરોપ લગાવ્યો કે ટીએમસી રાજકીય લાભ માટે આ મુદ્દાનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું કે કબીરના સમર્થકો ઇંટો લઈને વિસ્તારના લોકોમાં ધાર્મિક તણાવ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઉપરાંત ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષે તો અહીં સુધી કહ્યું કે ટીએમસી હુમાયુ કબીરનો “ફ્રીલાન્સર” તરીકે ઉપયોગ કરે છે અને ચૂંટણી પહેલા વોટ બેંક મજબૂત કરવા માટે સાંપ્રદાયિક વાતાવરણ બનાવવાની કોશિશ થઈ રહી છે.
ટીએમસીનો પણ ભાજપ પર વળતો પ્રહાર
ટીએમસીના નેતાઓએ ભાજપના આક્ષેપોને બિનઆધારિત ગણાવ્યા. પક્ષે જણાવ્યું કે હુમાયુ કબીર પોતે સસ્પેન્ડેડ છે અને હવે ભાજપ-આરએસએસના ઇશારે જિલ્લામાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટીએમસીએ દાવો કર્યો કે મુર્શિદાબાદના લોકો શાંતિપ્રિય છે અને આવા રાજકીય પ્રયોગોને સ્વીકારશે નહીં.
આ વચ્ચે હુમાયુ કબીરે પણ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે તેમના કાર્યક્રમને વિક્ષેપિત કરવા માટે કાવતરું રચવામાં આવી રહ્યું છે પરંતુ “લાખો લોકો આ પ્રયાસોને નિષ્ફળ બનાવશે”.