વડોદરા: ક્રાઇમ બ્રાન્ચની ટીમે કારેલીબાગના આમ્રપાલી કોમ્પલેક્ષ પાસેથી બે શકમંદોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેની સઘન પૂછતાછ કરતા રાવપુરા રોડ પરની બેન્ક ઓફ ઇન્ડિયા શાખામાં એક મહિલા સાથે રૂપિયા ગણી આપવાના બહાને છેતરપિંડી કરી 33 હજાર રૂપિયા શેરવી લીધા હોવાની કબૂલાત કરી હતી. જેથી વધુ કાર્યવાહી માટે બંનેને કારેલીબાગ પોલીસ સોંપવાની તજવીજ હાથ ધરાઇ હતી. શહેરમાં તાજેતરમાં કારેલીબાગ ખાતે બેંકમા મહિલાના રૂપિયા ગણી આપવાના બહાને મહિલાની નજર ચુકવી અજાણ્યા આરોપીઓએ રૂા. ૩૩ હજારની રકમ કાઢી લીધા હતા.
તેમજ મકરપુરા વિસ્તારમાં નકલી પોલીસ દ્વારા મહિલાના દાગીના કઢાવી લેવાના ગુનો પણ બન્યો હતો. આ બંને અનડિટેકટ અને મહિલા સંબધીત ગુનાઓ સંદર્ભે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત વિસ્તારમાં પેટ્રોલીંગ રાખી આરોપીઓની શોધખોળ કરતી હતી. તે દરમિયાન સોમવારે મળેલી બાતમીના આધારે કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્ષ પાસેથી બે શંકાસ્પદોને ઝડપી પાડ્યા હતાં. જેમાં બન્નેની પૂછપરછ કરતા હુમાયું નુર જાફરી (ઇરાની, ખૈબર બીરોજ જાફરી (ઇરાની) બન્ને રહે. આમ્બવલી તા.કલ્યાણ જી.થાણા મહારાષ્ટ્ર રાજ્યના હોવાનું જણાઇ આવ્યું. આ બન્નેની ઝડતી લેતા તેમની પાસેથી રોકડા રૂા. ૩૩ હજારની ચલણી નોટો અને મોબાઇલ ફોન મળી આવ્યો હતો.