Charchapatra

માનવતા હજુ જીવે છે

હાલમાં નવા વર્ષની શુભકામના આપવા સંબંધીને ત્યાં જવાનું થયું. એમની સાથે વાતમાં જાણવા મળ્યું કે,  એમના વિસ્તારમાં એક ગાંડો – ઘેલો યુવાન આખો દિવસ એ વિસ્તારમાં રખડ્યા કરે છે. એક દિવસ એ યુવાનને પગમાંથી લોહી નીકળતું હતું. એ દરેક રીક્ષાવાળાને હાથ કરીને ઊભો રાખવા માંગતો હતો પણ એક પણ રિક્ષાવાળો આ ગાંડા ઘેલા યુવાનને પોતાની રિક્ષામાં બેસાડવા તૈયાર નહોતા. તે સમયે અમારા આ સંબંધી ત્યાંથી પસાર થતાં હતા. એમણે પેલા યુવાનને પૂછયું કે શું થયું? ત્યારે યુવાને કહ્યું કે, મને પગમાં વાગ્યું છે. ત્યાર બાદ તેણે પોતાની મુઠ્ઠી ખોલી પૈસા બતાવ્યા અને કહ્યું કે કોઈ રિક્ષાવાળો મારા માટે ઊભા રહેતા નથી. એટલે એ સંબંધી ભાઈએ પોતાના સ્કૂટર પર એમને દવાખાને લઈ ગયા.

ત્યાં અડધોથી એક કલાકનો વેઇટીંગ હોવાથી એમણે પેલા યુવાનને પૂછયું કે હું કલાક પછી પાછો લેવા આવું છું. ત્યારે પેલા યુવાને ધન્યવાદ સાથે ના પાડી અને કહ્યું કે હવે હું મારી વ્યવસ્થા કરી લઈશ. આ બનાવના થોડા દિવસ પછી અમારા સંબંધીની સોસાયટીમાં ધાર્મિક પ્રસંગ નિમિત્તે પીળા ફૂલની જરૂર પડી. એ વખતે સોસાયટીના સભ્યો સાથે અમારા એ સંબંધી પણ પીળાં ફૂલ શોધવા નીકળ્યા. ત્યારે પેલો યુવાન એમને ઓળખી ગયો અને કહ્યું કે શું થયું? ત્યારે એમણે પેલા યુવાનને પીળા ફૂલ વિશે વાત કહી એટલે પેલો યુવાન આજુબાજુની ઝાડીઓમાંથી પીળાં ફૂલ શોધી લાવ્યો. આ  કિસ્સા પરથી ખરેખર કહી શકાય કે માનવતા હજુ જીવે છે.
સુરત     – સૃષ્ટિ કનક શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top