Charchapatra

ખેલદિલીમાં માનવતા

જુદાં જુદાં ક્ષેત્રોનાં સર્જકો, કલાકારો, સાહિત્યકારો, રમતવીરો એમ અનેક પ્રકારની ખૂબીઓ ધરાવનારાંઓ મનોવૈજ્ઞાનિક કસોટીગ્રસ્ત થાય ત્યારે દિલ અને દિમાગના ઘર્ષણનો ભોગ બની જાય છે. અંગત સ્વાર્થ, પ્રસિદ્ધિ મોહથી છૂટીને વર્તવાનું ખૂબ જ અઘરું અને સંયમ માંગી લેતું હોય છે. હવે તો મોટા ભાગનાં વાણી-વર્તન-વ્યવહારમાં ગંદા રાજકારણે પ્રવેશ કર્યો છે ત્યારે મોટું દિલ રાખીને ત્યાગ અને કુરબાની દર્શાવવા માટે ફરિશ્તા સમાન બનવું પડે. ખેલદિલી શબ્દ જ નિર્દોષ અને સાચા આનંદ સાથેની રમતની ભાવના ચાહે છે. હાર-જીત તો થાય તેમાં કોઇ નવાઈ નથી. કાતિલ હરીફાઈ અને ભાગ્યબળ વચ્ચે પણ સાચી પ્રેમ ભાવના ટકાવી રાખવામાં જ મહાનતા છે.

ફિલ્મજગતમાં મોહમ્મદ રફી અને કિશોરકુમારની નિર્દોષ મૈત્રી, દિલીપકુમાર-રાજકપુર-દેવઆનંદની પરસ્પરની દોસ્તી આદર્શ ઉદાહરણ બની હતી. નડાલ-ફેડરર-યોકોવિચ વચ્ચેની નિખાલસ મિત્રતા રમતજગતમાં ઉદાહરણરૂપ છે. નડાલના વિદાય સમારંભમાં કટ્ટર હરીફો પણ એક બીજા માટે રડી પડ્યાં હતાં. મિત્રતાની સાથે ઉચ્ચ કક્ષાનો આદરભાવ પ્રગટ થતો હતો. સભ્ય માનવસમાજમાં પણ આવી ખેલદિલીથી જ માનવતા ખીલી ઊઠે. સામાની લીટી ટૂંકાવવાથી માનવતા વિરુદ્ધનું જ કૃત્ય થઇ રહે છે. સુપાત્ર હરીફની વિદાય વેળા સાચા દિલથી રડી પડનાર માનવતાને પંથે જ આગળ વધે છે.
ઝાંપાબજાર, સુરત – યુસુફ એમ. ગુજરાતી        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top