થોડા સમય પહેલાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોટા ઉપાડે આરોપીઓના વરઘોડા કાઢવાનું નિવેદન કર્યું હતું. આરોપીઓની શાન ઠેકાણે લાવવા ગૃહમંત્રીએ રાજકીય નિવેદન કરવા સાથે પોલીસને છૂટો દોર આપ્યો પરંતુ ગૃહમંત્રીની વાત પર અમલ કરવાનું હવે સુરત પોલીસને ભારે પડ્યું છે. આરોપીઓના વરઘોડા કાઢવા મામલે સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને નોટીસ મળી છે.
રાજ્યમાં પોલીસ દ્વારા આરોપીઓના ક્રાઈમના રિકન્સ્ટ્રકશનના નામે કઢાતા ‘વરઘોડા’ મામલે ગુજરાત માનવ અધિકાર પંચમાં સુરતના વકીલ દ્વારા અરજી કરાઈ હતી. વકીલ દ્વારા આરોપીઓના ગેરકાયદેસર રીતે વરઘોડા કાઢવામાં આવે છે. તેની સામે પગલાં લેવામાં આવે તેવો પિટિશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અરજીના પગલે માનવ અધિકાર પંચે સુરત પોલીસ કમિશનરને 30 દિવસમાં અહેવાલ તૈયાર કરી પોતાની જ સહીથી રજૂ કરવા આદેશ કર્યો છે.
શું કહ્યું અરજી કરનાર વકીલે?
સુરતના વકીલ આર.ડી મેંદપરા દ્વારા માનવ અધિકાર પંચમાં વરઘોડા મામલે અરજી કરવામાં આવી હતી. મેંદપરાએ સુરત પોલીસ દ્વારા આરોપીઓના વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. તે બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મેંદપરાએ અરજીમાં સ્પષ્ટ લખ્યું હતું કે આરોપી જ્યાં સુધી કોર્ટમાં કસૂરવાર પુરવાર ન થાય ત્યાં સુધી આ રીતે જાહેરમાં તેનો વરઘોડો કાઢવો એ કાયદાની વિરુદ્ધ છે. પોલીસની આ કાર્યવાહી યોગ્ય નથી.
ભલે પોલીસ કહેતી હોય કે રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવાય છે પરંતુ મીડિયાને બોલાવીને આ પ્રકારના રિકન્સ્ટ્રક્શનની વાત કરવામાં આવી રહી છે તે ખોટું છે. જ્યાં સુધી આરોપો પુરવાર ના થાય ત્યાં સુધી આ રીતે તેને વીડિયોગ્રાફી કરાવીને આરોપીની ઓળખ છતી કરવી ગેરકાયદેસર છે.
સુરત પોલીસ કમિશનરને જ પોતાની સહીથી અહેવાલ રજૂ કરવા આદેશ
સુરત પોલીસ કમિશનરને પોતાની સહીથી વિગતવાર અહેવાલ 30 દિવસમાં રાજ્ય આયોગને પાઠવવા આદેશ કરાયો છે. જો નિયત સમયમર્યાદામાં અહેવાલ મોકલવામાં નિષ્ફળ જાય તો રાજ્ય આયોગ આગળની કાયદેસરની કાર્યવાહી કરશે. આ બાબતે તાબાના અધિકારીના અહેવાલની નકલ મોકલવાના બદલે કમિશનરને પોતાની સહીથી જ સ્પષ્ટ અભિપ્રાય સહિતના પ્રશ્ન હેઠળની બાબતોનો સર્વગ્રાહી અહેવાલ મોકલવા આદેશ કરાયો છે. આયોગે શો કોઝ નોટિસમાં સ્પષ્ટ આદેશ ક્રયો છે કે, જો કમિશનરની મંજૂરી વગર તાબાના અધિકારી દ્વારા રાજ્ય આયોગને અહેવાલ મોકલવામાં આવશે તો તે ગ્રાહ રખાશે નહીં.
શું કહ્યું હતું હર્ષ સંઘવીએ?
બે મહિના પહેલાં ગાંધીનગરમાં પોલીસના યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતના ઘણા લોકોને વરઘોડાથી બહુ વાંધો છે. હમણાં ગુજરાત પોલીસે નક્કી કર્યું છે કે, રાજ્યના સામાન્ય નાગરિકોને જો ટપોરી દ્વારા કોઈ પ્રકારે હેરાન પરેશાન કરાશે તો તેના વરઘોડા તો જરૂરથી નીકળશે.
