છેલ્લા ઘણા સમયથી ન્યૂઝ પેપરમાં રોજબરોજ થતા આપઘાત વિશે જાણવા મળે છે. ખૂબજ નજીવી બાબતમાં લોકો અમૂલ્ય જીવન ટૂંકાવી દેતા હોય છે. આજનાં યુગમાં સહનશક્તિનો અભાવ જોવા મળે છે. ખાસ કરીને આજનો યુવા વર્ગ ખૂબ જ જલ્દી હાર માની લે છે. જીવન ટૂંકાવું એ જ માત્ર સમાધાન નથી, એ કાયરતા છે. જીવનમાં આવતા દરેક નાના–મોટા ઉથલપાથલનો સામનો હિમ્મત પૂર્ણ કરવો જોઈએ. તમારા લીધેલા એક ખોટા નિર્ણયથી આખો પરિવાર ભાંગી પડતો હોય છે. મનુષ્ય જીવન મૂલ્યવાન છે એનું મૂલ્ય સમજો. સૌ પ્રથમ આ જીવન મંત્ર બનાવી લેવો જોઈએ કે જે થાય છે એ સારા માટે જ થાય છે, અને જે થશે એ સારું જ થશે. મનની ઇચ્છા મુજબનું થાય તો સારું, ન થાય તો હજુ કંઇક એનાથી સારું થવાનું હશે. આવા વિચારો સાથે જીવનને આગળ વધારવું જોઈએ, નહીં કે પાછી પાની કરી લેવી. કોઇપણ વાતનાં વધારે પડતા વિચારોથી તમે નિરાશા તરફ ધકેલાવ છો. અમુક બાબતોને સમય પર મૂકી દેવી જોઇએ અને જીવનને ઉત્સાહપૂર્વક આગળ વધારવું જોઈએ.
સુરત – કૃણાલ કંસારીવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અમર પ્રેમ
સુલક્ષણા પંડિતનું અવસાન થયા બાદ શો ટાઈમ પૂર્તિમાં તથા અન્ય અખબારોમાં સંજીવકુમાર પ્રત્યેનું આકર્ષણ તથા વિતેલી ક્ષણોની યાદોમાં ચાહકો ખોવાઈ ગયાં. યોગાનુયોગ અંકજ તારીખે ચાલીસ વર્ષના અંતર બાદ સુલક્ષણાજીએ વિદાય લીધી. આ કહાની દેવઆનંદ સુરૈયાની કહાની સાથે પણ મળી આવે છે. બંને કલાકારોએ માનેલા માણીગર વગર બાકીની જિંદગી લગ્ન કર્યા વગર ગુજારી. સંજીવ અને સુલક્ષણાનું ‘વક્ત કી દીવાર’ માં એક ગીત હતું ‘મનચાહી લડકી કોઈ મિલ જાયે અપના ભી ઈસ સાલ શાદી કા ઈરાદા હૈ’ જે સ્વપ્નું અધૂરું રહી ગયું અને અમર પ્રેમ બની ગયું.
સુરત- કુમુદચંદ્ર કૃષ્ણમુખ જરીવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.