બ્રહ્માજીએ માણસનું સર્જન કર્યું તેને હદય અને બુદ્ધી આપી, થોડા વખતમાં બ્રહ્માજીને સમજાઈ ગયું કે મેં અત્યાર સુધી સર્જેલા બધા પ્રાણીઓમાં આ સર્વશ્રેષ્ઠ સર્જન છે.તે પોતાની મગજની બુદ્ધી શક્તિ અને તનની તાકાત અને મનની હિંમતથી જે ઈચ્છે તે કરી શકશે અને જે મેળવવું હશે તે મેળવી શકાશે.અને જો દુનિયાભરની વિવિધ શક્તિઓ તે મેળવી લેશે તો તે દેવો બરાબર થઇ જશે.હવે બ્રહ્માજી મૂંઝાયા કે શું કરવું?? બ્રહ્માજીએ વિચાર્યું કે હું બધી શક્તિઓને પર્વતની ટોચ પર છુપાડી દઉં કે પછી કોઈ ઘનઘોર જંગલની ગુફામાં છુપાડી દઉં જયાં માણસ પહોંચી જ ન શકે પછી પોતાના જ તર્કને ખોટો પડતા તેઓ બોલ્યા પણ મેં તો માણસને બુદ્ધિવાન બનાવ્યો છે એટલે આજે નહિ તો કાલે તે પર્વતની ટોચ કે જંગલની ગુફામાં પહોંચી જ જશે. બ્રહ્માજી આ વિચારોમાં હતા ત્યાં નારદજી ત્યાં આવ્યા અને બોલ્યા, ‘નારાયણ નારાયણ, ભગવન ક્યાં ઊંડા વિચારોમાં ખોવાયેલા છો?’
બ્રહ્માજીએ પોતાના મનની મુશ્કેલી નારદજીને જણાવી.નારદજીએ કહ્યું, ‘તમે બધી જ શક્તિઓને સમુદ્રના પેટાળમાં છુપાડી દદઈએ તો ??’બ્રહ્માજી બોલ્યા, ‘ના ના માણસ ક્યારેક સમુદ્રના પેટાળ સુધી પણ પહોંચી જ જશે.’નારદજી બોલ્યા, ‘તો પછી ચાલો આ પ્રશ્ન લઈને વૈકુંઠ જઈએ ભગવાન વિષ્ણુજી જ માર્ગ દેખાડશે.’બ્રહ્માજી અને નારદજી વૈકુંઠ પહોંચ્યા નારદજીએ બધી વાત ભગવાન વિષ્ણુને કરી કહ્યું, ‘નારાયણ નારાયણ, પ્રભુ હવે આ મુશ્કેલીનો તમે જ રસ્તો બતાવો, બ્રહ્માજીએ સર્જેલું બુદ્ધિશાળી પ્રાણી માણસ જો બધી શક્તિઓ સુધી પહોંચી જશે તો દેવોની નજીક પહોંચી જશે માટે આ બધી શક્તિઓને ક્યાં છુપાડી દઈએ??’વિષ્ણુજી હસ્યા અને બોલ્યા, ‘મને એક સ્થાન ખબર છે .
જ્યાં માણસ કોઈ દિવસ નહિ પહોંચી શકે??’બ્રહ્માજી ઉતાવળે બોલ્યા, ‘ભગવન, મને જલ્દી તે સ્થાન કહો.’ભગવાન વિષ્ણુ બોલ્યા, ‘તે સ્થાન છે માણસનું પોતાનું અંતર મન……!!!’બ્રહ્માજી ખચકાટ સાથે બોલ્યા, ‘પ્રભુ હું માણસને બધી શક્તિથી દુર રાખવા માંગું છું અને તમે કહો છો કે બધી શક્તિઓને તેના અંતરમનની અંદર જ છુપાડી દઉં ??’વિષ્ણુજીએ કહ્યું, ‘બ્રહ્મદેવ, માંસ પર્વત પર પહોંચશે ,ગુફામાં પહોંચશે અને સમુદ્રના ઊંડાણ સુધી પણ પહોંચી જશે પણ મને ખબર છે કે તે કયારેય પોતાની અંદર પોતાના અંતરમનમાં ઝાંકીને નહિ જુએ …
પોતાની અંદર જ શક્તિઓ રહેલી છે તેની તેને ખબર જ નહિ પડે કારણ કે તેનું બધું જ ધ્યાન બહારની દુનિયામાં જ રહેશે અને કદાચ કોઈ મનુષ્ય અંતર મનમાં ઝાંકીને શક્તિઓએ ઓળખશે અને યોગ્ય ઉપયોગ કરશે તો ભલે તે દેવ તુલ્ય થતો પરંતુ મોટાભાગના માણસો પોતાની અંદર રહેલી શક્તિઓને કયારેય ઓળખી જ નહિ શકે.’વિષ્ણુજીએ શક્તિઓ છુપાડવાનું સુરક્ષિત સ્થાન બતાવ્યું. ચાલો, જાગો અને પોતાની અંદર છુપાયેલી શક્તિઓને ઓળખો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.