SURAT

‘હમ કથા સુનાતે…’ સુરતનો 9 વર્ષનો બાળક વાંસળીની ધૂન પર જ્યારે રામાયણનું ગીત લલકારે છે ત્યારે..

સુરત: આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. રામલલ્લાને 500 વર્ષ બાદ ફરી તેમની જન્મભૂમિ અયોધ્યામાં બિરાજમાન કરવાની આ શુભ ઘડીને આવકારવા માટે દેશ આખો થનગની રહ્યો છે.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે દેશ આખામાં દિવાળીની જેમ ઉજવણી કરવામાં આવનાર છે. તે દિવસે ઘરે ઘરે દીવા પ્રગટે, રોશની થાય તે માટે વિશેષ આમંત્રણ પત્રિકાઓ ઘરે પહોંચાડવામાં આવી રહી છે, ત્યારે અનોખી સ્ટાઈલમાં આમંત્રણ પત્રિકા ઘરે ઘરે પહોંચાડતો સુરતનો એક 9 વર્ષનો બાળક લોકોમાં પ્રિય બની રહ્યો છે.

“હમ કથા સુનાતે રામ લખન ગુણગાન કી, જો રામાયણ હે પુણ્ય કથા શ્રી રામ કી” આ ગીત રામાયણ સિરીયલનું મુખ્ય ગીત હતું. આ ગીત જ્યારે જ્યારે વાગતું ત્યારે લોકો મંત્રમુગ્ધ થઈ જતા. હવે આ ગીતની ધૂન સુરતનો એક 9 વર્ષનો બાળક વાંસળી પર વગાડી રહ્યો છે. ત્યારે પણ લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. આ ધૂન વગાડવાની સાથે નવ વર્ષનો બાળક લોકોને 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે ઘરે ઘરે દિવાળીની ઉજવણી જેવો માહોલ કરવાની અપીલ કરી રહ્યો છે.

આગામી તા. 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન સમગ્ર દેશમાં દિવાળી જેવી ઉજવણી કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને અપીલ કરી છે. જેના ભાગરૂપે સુરતમાં લોકોના ઘરે ઘરે જઈ 22 જાન્યુઆરીએ ઉજવણી કરવા અંગે આરએસએસ દ્વારા આમંત્રણ પત્રિકા આપી સમજાવવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે સુરતમાં 1 જાન્યુઆરીથી આરએસએસ દ્વારા ઘરે ઘરે જઈ પત્રિકા અને અક્ષત આપવાની કામગીરી ઉપાડવામાં આવી છે.

આરએસએસના આ અભિયાનમાં વરાછામાં નવ વર્ષનો બાળક જોડાયો છે. ઓમ ઓઝા નામનો આ બાળક રોજ રાત્રે આરએસએસના સ્વયંસેવકો સાથે ઘરે ઘરે ફરી રહ્યો છે. તે આમંત્રણ પત્રિકા આપતા પહેલાં વાંસળી વગાડે છે. જેમાં રામાયણનું ગીત હમ કથા સુનાતે… સાંભળી લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે.

ત્યાર બાદ ઓમ લાડકી ભાષામાં લોકોને સમજાવે છે કે, 22 જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે 12:20 વાગ્યે તમારે તમારા ઘરે દિવડા પ્રગટાવવાના છે. ઘરના બારણે આસોપાલવના તોરણ બાંધવાના છે. ઘરમાં રંગોળીઓ કરવાની છે અને દિવાળી જેવો માહોલ કરવાનો છે. આટલું કહેતાની સાથે આ બાળક પોતાની પાસે રહેલા અક્ષત ચોખા આપી કહે છે કે આ અયોધ્યાથી પુજેલા છે,જેને તમે જે પણ ભગવાનને માનતા હોવ તેને ચડાવી દેવાના છે.

નવ વર્ષનો ઓમ ઓઝા રમલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે 22 જાન્યુઆરીએ કઈ રીતે ઉજવણી કરવી તે સમજાવવાની સાથે સાથે એક વિશેષ વાંસળી પર ધૂન પણ વગાડી રહ્યો છે. ઓમ ઓઝા જ્યાં જ્યાં લોકોને સમજાવવા જાય છે ત્યાં ત્યાં રામાયણ કથા દર્શાવતી પંક્તિની ધૂનને સુંદર રીતે વાંસળી પર વગાડી લોકોને અનોખી રીતે સમજાવી રહ્યો છે.

બાળકના આ પ્રકારના ધૂન વગાડવાથી લોકો પણ ખૂબ જ આકર્ષાય છે અને મંત્રમુગ્ધ થઈ જાય છે. એટલું જ નહીં આ પ્રકારના બાળકના કાર્યથી તેના વિસ્તારમાં હવે લોકો તેને રામ જન્મભૂમિનું આમંત્રણ આપતા બાલરામ તરીકે સંબોધવા લાગ્યા છે.

જણાવી દઈએ કે, ઓમ ઓઝા વરાછા લંબે હનુમાન રોડ ખાતે આવેલી ડાયા પાર્ક સોસાયટીમાં રહે છે. તેના પિતા અમિતભાઈ ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરે છે. છેલા 5 વર્ષથી તેઓ RSS માં પ્રચાર પ્રમુખની જવાબદારી સંભાળે છે. તેમનો પુત્ર ઓમ ઓઝા ધોરણ 4માં અભ્યાસ કરે છે. તે પાંચ વર્ષનો હતો ત્યારથી પિતા સાથે આર.એસ.એસની પ્રવૃત્તિમાં રસ લે છે. ચાર વર્ષથી નિયમિત શાખામાં જાય છે. તે RSSનો બાળ સ્વયંસેવક છે.

ઓમના પિતા અમિતભાઈએ જણાવ્યું કે, ઓમ સંગીત શીખી ગયો છે. આરએસએસમાં જ તે વાંસળીના આઠ રચના શીખ્યો છે. જેમાંથી રામાયણ કથાની ધૂન તે શીખ્યો છે. હાલ ઘરે ઘરે લોકોને આમંત્રણ આપતી વખતે આ ધુન વાસળી પણ વગાડે છે. તે દેશભક્તિ અને પ્રભુ ભક્તિના સંગીતની ધૂન માત્ર વાંસળી પર જ નહીં પરંતુ જુદા જુદા વાજિંત્રો પર વગાડી શકે છે. આ બધું કોઈ ઓમ ખાનગી જગ્યાએ ફી ભરીને નહીં પરંતુ આરએસએસમાં જ શીખ્યો છે.

પિતાએ વધુમાં કહ્યું કે, ઓમને આમંત્રણ પત્રિકા આપવામાં મજા પડે છે. આ અગાઉ તે રામ મંદિર માટે ફાળો ઉઘરાવવાના કાર્યમાં પણ જોડાયો હતો. અયોધ્યાથી પુજાયેલા અક્ષતની સુરતના વરાછામાં નીકળેલી તમામ કળશ યાત્રામાં પણ તે ઉત્સાહભેર જોડાયો હતો. તે વરાછા કાપોદ્રા સરથાણા સહિત જુદી જુદી સોસાયટીઓ મળી 5000થી વધુ ઘરોમાં અત્યાર સુધીમાં રામકથાના ધૂન સાથે આમંત્રણ પહોંચાડી ચૂક્યો છે.

Most Popular

To Top