Business

હમ દેખેંગે: સબ તાજ ઉછાલે જાયેંગે

વીસમી સદીના બહુ અગત્યના લેખક જ્યોર્જ ઓરવેલે, તેમની મહાન નવલકથા ‘નાઈન્ટીન એઇટી ફોર’માં બતાવ્યું હતું કે ચતુર માણસો તેમના પ્રોપેગેન્ડાના હિતમાં હોય તો તેમની વિચારધારાથી વિપરીત હોય તેવાં પ્રતીકોનો પણ મારીમચેડીને ઉપયોગ કરતા ન શરમાય.  ભારતીય ઉપમહાદ્વીપના લોકપ્રિય શાયર ફૈઝ અહેમદ ફૈઝ સાથે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં આવું થયું છે. ફૈઝની એક મશહૂર નઝમ છે ‘હમ દેખેંગે.’ ફિલ્મમાં તે નઝમને આતંકવાદીઓના સ્લોગનની બરોબર મૂકવા માટે ફિલ્મ મેકરે ૨૦૨૧ના નાગરિકતા કાનૂન સામેના અંદોલનને ૯૦ના દાયકાના આતંકવાદ સાથે જોડી દીધું છે. નાગરિકતા કાનૂન સામેના વિરોધમાં ફૈઝની આ નઝમનો બહુ ઉપયોગ થયો હતો. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં, આ સેક્યુલર લોકોને કાશ્મીર ઘાટીના આતંકીના હમદર્દ તરીકે ચીતરવા માટે ફૈઝની નઝમને તેમના મોઢામાં મૂકવામાં આવી છે.

એક વાક્યમાં સમજવું હોય તો એવું કહેવાય કે- કાશ્મીર ઘાટીના આતંકવાદીઓ જો દુર્જન હોય તો દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના છોકરાઓ મોટા દુર્જન છે. આ સમીકરણને બેસાડવા માટે ફિલ્મમાં ફૈઝ અહેમદ ફૈઝની નઝમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મજાની વાત એ છે કે, આ નઝમ ઇસ્લામિક કટ્ટરવાદના વિરોધમાં લખાઈ હતી અને ફિલ્મમાં તેને કટ્ટરવાદના સમર્થનમાં બતાવવામાં આવી છે. કદાચ એને જ ક્રિએટીવ ફ્રીડમ કહેતા હશે. ઉપર કહ્યું તેમ, આ પોતાની અનુકૂળતા પ્રમાણે આંટા ગોઠવવાની વાત છે. ઈતિહાસ પ્રત્યે જો જરાક તટસ્થ ભાવ હોય તો આવું કરવું ન પડે.  નાગરિકતા કાનૂન સામેના વિરોધમાં એ ગવાઈ હતી એટલે આપણે ત્યાં તે નઝમ બદનામ થઇ છે, બાકી તેના સર્જનના ઈતિહાસમાં જાવ તો આશ્ચર્ય થાય: આ નઝમની લોકપ્રિયતાનો જન્મ પાકિસ્તાનમાં સાડી પહેરવા પરના પ્રતિબંધના વિરોધમાં થયો હતો.

 ફૈઝ અહેમદ ફૈઝ (૧૯૧૧-૧૯૮૪) એક મશહૂર પંજાબી શાયર હતા. તે કમ્યુનિસ્ટ હતા એટલે કે ધર્મમાં વિશ્વાસ રાખતા નહોતા. તેમની પર ઇસ્લામ વિરોધી હોવાના, પાકિસ્તાન વિરોધી હોવાના આક્ષેપ હતા. તેમને ભારતના વિભાજનનું દુઃખ હતું. પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન લિયાકત અલી ખાન સામે કાવતરું કરવાના આરોપ હેઠળ તેમને 4 વર્ષ સુધી જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. ફૈઝ પ્રગતિશીલ લેખક સંઘના સભ્ય હતા અને માર્કસવાદી વિચારોથી પ્રભાવિત હતા. વિભાજન પહેલાં તેમણે એલિસ જ્યોર્જ નામની એક અંગ્રેજ સમાજવાદી સ્ત્રી સાથે  લગ્ન કર્યા હતા અને દિલ્હીમાં સ્થાયી થયા હતા. તેઓ બ્રિટિશ ભારતીય સેનામાં ભરતી થયા હતા અને કર્નલના પદ સુધી ગયા હતા. વિભાજનમાં ત્યાંથી રાજીનામું આપીને લાહોર જતા રહ્યા હતા. ત્યાં તે બે અખબારોના સંપાદક હતા.

તેમની ઘણી રચનાઓ આજે પણ એટલી જ લોકપ્રિય છે, જેમ કે- બોલ કે લબ આઝાદ હૈ તેરે, મુજ સે પહેલી સી મોહબ્બત મેરે મેહેબૂબ ન માગ, રંગ હૈ દિલ કા મેરે, તુમ્હારી યાદ કે જખ્મ જબ ભરને લગતે હૈ, આપ કી યાદ આતી રહી રાતભર, ચલો ફિર સે મુશ્કુરાયેં ચલો ફિર સે દિલ જલાયે, ગુલોં મેં રંગ ભરે બાદે-નૌબહાર ચલે. પાકિસ્તાનમાં મિલિટરી શાસક જનરલ ઝિયા ઉલ હકના સમયમાં સરકારની સાંપ્રદાયિકતાના વિરોધમાં ફૈઝે આ નઝમ લખી હતી.  જનરલ ઝિયાએ ૧૯૭૭માં પાકિસ્તાનમાં માર્શલ લો જાહેર કર્યો હતો અને ઇસ્લામિક નિયમો લાગુ કર્યા હતા. અફઘાનિસ્તાનમાં સોવિયત સૈનિકો સામે લડવા માટે ઝિયાએ મુજાહિદ્દીનોને તૈયાર કર્યા હતા. એમાં અમેરિકાનો તેમને સાથ હતો. પરિણામે ઘરઆંગણે ઝિયાએ તમામ પ્રકારના વિરોધી અવાજોને દબાવી દીધા હતા. સરકારની એ સરમુખત્યારશાહી અને ઇસ્લામિક કટ્ટરતાના વિરોધમાં ફૈઝે ૧૯૭૯માં ‘હમ દેખેંગે’ લખી હતી.

એ કટ્ટરતાના ભાગ રૂપે ઝિયાએ સાડીને ગેર-ઇસ્લામિક ગણાવીને તેના પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ૧૯૮૫માં, એ નિયમના વિરોધમાં, પાકિસ્તાનની મશહૂર ગાયક ઇકબાલ બાનો લાહોરમાં ફૈઝ ફાઉન્ડેશનના એક વાર્ષિક કાર્યક્રમમાં કાળી સાડી પહેરીને આવી હતી. ત્યારે તો ફૈઝનું અવસાન થઇ ચૂક્યું હતું પરંતુ તેમની શાયરીઓ અને નઝમો પર પણ સરકારે લગામ ખેંચી હતી. ઇકબાલ બાનોએ સરકારની ઐસી કી તૈસી કરીને ઉપસ્થિત લોકો સામે બુલંદ અવાજમાં ફૈઝની નઝમ લલકારી હતી:
હમ દેખેંગે
લાજિમ હૈ કિ હમ ભી દેખેંગે
વો દિન કિ જિસ કા વાદા હૈ
જો લૌહ-એ-અઝલ મેં લિખ્ખા હૈ
જબ જુલ્મ-ઓ-સિતમ કે કોહ-એ-ગિરાં
રુઈ કી તરહ ઉડ જાયેંગે
સબ તાજ ઉછાલે જાયેંગે
સબ તખ્ત ગિરાયે જાયેંગે
એ પછી તો ઇકબાલ બાનોને પણ સાર્વજનિક કાર્યક્રમોમાંથી ગાયબ કરી દેવામાં આવી હતી પરંતુ તેણે જે સાહસ અને મિજાજથી એ નઝમ લલકારી હતી તેના શબ્દો દેશ-પરદેશમાં જાણીતા થઇ ગયા હતા.  80ના દાયકામાં કોઈકે ફૈઝને પૂછ્યું હતું કે તેમણે વર્ષો પહેલાં લખેલી ‘હમ દેખેંગે’ નઝમ પાકિસ્તાનની વર્તમાન સ્થિતિમાં પણ એટલી જ પ્રાસંગિક છે તો તેમણે હસતાં-હસતાં કહ્યું હતું, “હમને તો લિખ દિયા, અબ આપકે હાલાત નહીં બદલે તો ક્યા કરેં?”

Most Popular

To Top