National

MPના પીથમપુરમાં ભારે હંગામો, 2 યુવકોનો આપઘાતનો પ્રયાસ, ભોપાલ ગેસ કાંડ સાથે છે કનેક્શન

ધારઃ ધાર જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર પીથમપુરમાં ભોપાલથી લાવવામાં આવતા યુનિયન કાર્બાઈડ કચરાનો વિરોધ વધી રહ્યો છે. તેના વિરોધમાં આજે શુક્રવારે તા. 3 જાન્યુઆરીના રોજ પહેલાથી જ જાહેર કરાયેલા બંધને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. વિરોધમાં બે દેખાવકાર યુવકોએ પોતાના શરીર પર પેટ્રોલ રેડીને પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. હાલ તેમને ઈન્દોરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વાસ્તવમાં પીથમપુરના બજારો શુક્રવાર સવારથી જ બંધ છે. ચા-પાણીની દુકાનો બંધ રાખીને રહેવાસીઓએ આ બંધને સમર્થન આપ્યું છે. અહીં નાની દુકાનો પણ બંધ છે. અહીં કેટલાક બંધ સમર્થકો ધાંગડ, બસ સ્ટેન્ડ અને આઝાદ ચોક પર પહોંચ્યા અને રસ્તાઓ બ્લોક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યાં હાજર પોલીસ અધિકારીઓ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે કેટલાક બંધ સમર્થકો પર લાઠીચાર્જ કર્યો, હળવા બળનો ઉપયોગ કર્યો અને સલાહ આપીને તેમને દૂર મોકલી દીધા.

ગુરુવારથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા સંદીપ રઘુવંશીના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. જ્યારે ધારાસભ્ય કમલેશ ડોડિયાર પણ વિરોધ સ્થળે હાજર છે. જોકે ઔદ્યોગિક વિસ્તારમાં કારખાનાઓ કાર્યરત છે. કર્મચારીઓ અને મજૂરોની અવરજવરમાં કોઈ અડચણ નથી. બસો પણ ચાલે છે. આ વિસ્તારમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી
ધારના લાઠીચાર્જ પર કોંગ્રેસે ભાજપ સરકારને ઘેરી છે. એમપી કોંગ્રેસે સવાલ કર્યો છે કે, શું મધ્યપ્રદેશમાં લોકશાહી બચી છે કે નહીં? પીથમપુરમાં યુનિયન કાર્બાઈડ દ્વારા ઝેરી કચરો સળગાવવાના વિરોધમાં યુવક પર લાઠીચાર્જ, MPPSC સામે વિરોધ કરવા બદલ યુવકને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. આ સરકાર વિરોધને દબાવવાનું જ શીખી છે! મોહન સરકારના અરાજક શાસનમાં અધિકારોની વાત કરવી મુશ્કેલ છે.

કોંગ્રેસ રાજનીતિ કરી રહી છેઃ ડેપ્યુટી સીએમ
ધારમાં યુનિયન કાર્બાઈડના કચરા પર થયેલા લાઠીચાર્જ પર મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રી રાજેન્દ્ર શુક્લાએ કહ્યું કે સરકારે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે કચરો હવે હાનિકારક નથી અને ઘટનાના 25 વર્ષ પછી પણ તેની અસર ઓછી થઈ નથી. પીથમપુરમાં પણ કચરો બાળવામાં કોઈ નુકસાન નથી, તેથી ત્યાંના લોકોએ ગભરાવાની જરૂર નથી. કોંગ્રેસ યુનિયન કાર્બાઈડના નામે રાજનીતિ કરી રહી છે.

ભોપાલથી 250 કિલોમીટર દૂર 337 ટન ઝેરી કચરો મોકલાયો
ભોપાલ ગેસ દુર્ઘટનાના 40 વર્ષ પછી યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી 337 ટન ઝેરી કચરો ગુરુવારે વહેલી સવારે ઇન્દોર નજીક પીથમપુરમાં ઔદ્યોગિક કચરાના નિકાલ એકમમાં પહોંચાડવામાં આવ્યો હતો. કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ ગ્રીન કોરિડોર બનાવીને 12 સીલબંધ કન્ટેનર ટ્રકમાં ઝેરી કચરો ભોપાલથી 250 કિમી દૂર ધાર જિલ્લાના પીથમપુર ઔદ્યોગિક વિસ્તારના કચરાના નિકાલ એકમમાં મોકલવામાં આવ્યો હતો. ખાનગી કંપની દ્વારા સંચાલિત આ યુનિટની આસપાસ મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.

પીથમપુરના લોકો કેમ કરી રહ્યાં છે વિરોધ?
સ્થાનિક નાગરિક જૂથોએ પીથમપુરમાં યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી નીકળતા ઝેરી કચરાને નષ્ટ ન કરવા માગણી સાથે ઔદ્યોગિક નગરમાં તેમનો વિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. લગભગ 1.75 લાખની વસ્તી ધરાવતા પીથમપુરમાં શુક્રવારે પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

પીથમપુરમાં ઝેરી કચરાનો નાશ થવાથી માનવ વસ્તી અને પર્યાવરણ પર વિપરીત અસરો થવાની ભીતિ નાગરિકોએ વ્યક્ત કરી છે. રાજ્ય સરકારે આ કચરાના સુરક્ષિત નિકાલ માટે નક્કર વ્યવસ્થા કરવાની ખાતરી આપીને આ આશંકાઓને ફગાવી દીધી છે. પીથમપુરા રાજ્યના મુખ્ય શહેર ઈન્દોરથી લગભગ 30 કિલોમીટર દૂર છે. પીથમપુરમાં યુનિયન કાર્બાઈડ ફેક્ટરીના ઝેરી કચરાને બાળવા સામે ઈન્દોરના નાગરિકો પણ વિરોધ કરી રહ્યા છે.

Most Popular

To Top