Gujarat

વિધાનસભામાં કોંગ્રેસનો ભારે હોબાળો, રાજ્યપાલે ગૃહ છોડવું પડ્યું

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પહેલા જ દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રવચન દરમ્યાન કોંગીના સભ્યોએ સૂત્રોચાર કરતાં રાજ્યપાલ પ્રવચન ટૂંકાવી ગૃહમાંથી નીકળી ગયા હતા. રાજ્યપાલ જ્યારે ગૃહમાંથી બહાર જઈ રહ્યા હતા, તે વખતે ફરીથી કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે સામ-સામે સૂત્રોચ્ચાર થયો હતો. રાજ્યપાલે પોતાના સંબોધનમાં રાજ્યની વિકાસયાત્રા, સુશાસન, કૃષિ, યુવા રોજગાર, ટેકનોલોજી આધારિત ગવર્નન્સ અને સાંસ્કૃતિક ગૌરવ સહિતના વિવિધ મુદ્દાઓ આવરી લીધા હતા. જો કે કોંગ્રેસના સભ્યો દ્વારા ફિકસ પે નાબૂદી, દેવા માફ કરો, શિક્ષિત બેરોજગારોના મુદ્દે સૂત્રો પોકાર્યા હતા. ભાજપના સભ્યો દ્વારા જય શ્રી રામના સૂત્રો પોકારાયા હતા.

રાજ્યપાલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની ધરતી ગુજરાત “સર્વજન હિતાય, સર્વજન સુખાય”ના મંત્ર સાથે સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા રાજ્ય સરકાર દૃઢ નિશ્ચય સાથે કાર્યરત હોવાનું જણાવ્યું. સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને એક હજાર વર્ષ પૂર્ણ થવાના અવસરે “સોમનાથ સ્વાભિમાન પર્વ”નું આયોજન થયું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ રહી.

સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી Statue of Unity સુધી “યુનિટી માર્ચ – સરદાર @150” યોજાઈ. વર્ષ 2025ને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવતા નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં રાજ્યકક્ષાની ઉજવણી અને જનજાતીય ગૌરવ રથયાત્રા યોજાઈ હતી. આ ઉપરાંત રાજ્યપાલે કેટલાક મહત્ત્વના મુદ્દે રાજ્ય સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી.

ટેકનોલોજી આધારિત સુશાસન

પારદર્શક અને જવાબદાર શાસન માટે સી.એમ. ડેશબોર્ડ હેઠળ ગવર્નન્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ (GPI) અમલમાં મૂકાયો છે. I-ORA પોર્ટલ અને GARVI-2.0 દ્વારા જમીન સંબંધિત સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ કરાઈ છે. વહીવટી વિકેન્દ્રીકરણના ભાગરૂપે નવા જિલ્લાઓ અને તાલુકાઓ રચાયા છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ

રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપનાનો ઉલ્લેખ કર્યો હતો.
• 19 લાખથી વધુ ખેડૂતોને તાલીમ
• 8 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી
• 7100 મોડેલ ફાર્મ

ડાંગ જિલ્લો સંપૂર્ણ રસાયણમુક્ત જાહેર

બાગાયત ક્ષેત્રે ગીરની કેસર, વલસાડી હાફુસ, કચ્છી ખારેક અને અમલસાડી ચીકુને વૈશ્વિક ઓળખ મળી હોવાનું તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 69 લાખથી વધુ ખેડૂત પરિવારોને ₹22 હજાર કરોડથી વધુ સહાય સીધી જમા કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે 33 લાખથી વધુ ખેડૂતોને ₹9,610 કરોડની કૃષિ રાહત ચૂકવાઈ હોવાનું જણાવ્યું.

યુવા રોજગાર અને સ્વાસ્થ્ય

છેલ્લા એક વર્ષમાં 30 હજારથી વધુ યુવાનોને નિમણૂકપત્ર આપવામાં આવ્યા છે. 10 વર્ષીય ભરતી કેલેન્ડર અંતર્ગત 2 લાખથી વધુ જગ્યાઓ ભરવાની યોજના છે. ‘ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ હેઠળ સરકારી કર્મચારીઓને ₹10 લાખ સુધીની કેશલેસ સારવાર સુવિધા આપવામાં આવી રહી છે.

રમતગમત અને વૈશ્વિક ઇવેન્ટ્સ

રાજ્યપાલે જણાવ્યું હતું કે ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સના નેતૃત્વનો અવસર મળ્યો છે. અમદાવાદમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026માં પ્રધાનમંત્રી અને જર્મનીના ચાન્સેલરની ઉપસ્થિતિ રહી હતી. વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન 2121 યોગ સાધકોએ એક સાથે ભુજંગાસન કરીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો હતો. રાજ્યપાલે કહ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વિકાસના નવા માપદંડ સ્થાપિત કરી રહ્યું છે અને રાજ્ય સરકાર “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના લક્ષ્ય તરફ આગળ વધી રહી છે.

Most Popular

To Top