અમદાવાદ: પ્રમુખ સ્વામીનાં જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જેના માટે આખું પ્રમુખ સ્વામી નગર ઉભું કરવામાં આવ્યું છે. આ સમગ્ર નગરનો નજારો જોઈએ કોઈ પણ અચંબિત થયા. આ નગરમાં ઉભી કરવામાં આવેલી વસ્તુઓમાં પ્રકૃતિ, વિજ્ઞાનની સાથે સાથે પ્રભુ ભક્તિનાં દર્શન થાય છે. પ્રમુખ સ્વામીનગરમાં બાળકો દ્વારા આખી બાળનગરી ઉભી કરવામાં આવી છે. જેનું સંચાલન પણ બાળકો જ કરી રહ્યા છે. આ ઉપરાંત અહિયાં દિલ્હીના અક્ષરધામ જેવી જ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. પરંતુ આ આખા પ્રમુખ સ્વામીનગરમાં રહેલી અદ્ભુત ચીજ વસ્તુઓ વચ્ચે એક પાંદડાએ લોકોને આકર્ષિત કર્યા છે.
કમળની તમામ પ્રજાતિઓમાની સૌથી મોટી પ્રજાતિ ‘વિક્ટોરિયા એમેઝોનિકા’
તમે વિશ્વમાં અનેક અનોખા છોડ અને પાંદડા વિશે સાંભળ્યું હશે કે પછી જોયું હશે. પરંતુ આ પાંદડા વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આ પાંદડાની દાંડીઓ હાડકા જેટલી કડક હોય છે. આ પાંદડાનું નામ છે વિક્ટોરિયા એમેઝોનિકા. આ એક એવા પાન છે જે પાણીમાં તરી શકે છે. વિક્ટોરિયા એમેઝોનિકા ફૂલોના છોડની એક પ્રજાતિ છે, જે વોટર લિલી ફેમિલી Nymphaeaceaeનો બીજો સૌથી મોટો પ્લાન્ટ છે. તે ગુયાનાનું રાષ્ટ્રીય ફૂલ છે. આ પાનની ખાસિયત એવી છે કે તે 35થી 40 કિલો વજન ઉપાડી શકે છે. આ પાન આઠ દેશમાં ફેલાયેલા એવા એમેઝોનનાં જંગલમાંથી લાવવામાં આવ્યા છે. આખા પાનનો આધાર દાંડીઓ પર જ હોય છે. આ દાંડીઓ પાનની ગોળાઈ મુજબ પાનના નીચેના ભાગમાં હોય છે તે એક કરોળિયાના જાળાની ગોઠવાયેલી હોય છે. આ પાનની દાંડી ફરતે કડક આવરણ હોય છે. એની દાંડીઓ હાડકાં જેવી કડક હોય છે એટલે કીટકો અને માછલીઓ આ પાનની દાંડીને પાણીની નીચેથી કોતરીને ખાઈ શકતાં નથી.
- એક પાન 35થી 40 કિલો વજન ઉપાડી શકે
- પાનનો 10 ફૂટના ઘેરાવો હોય છે
- પાનની લંબાઈ 26 ફૂટ સુધી વિસ્તરે છે
- પાન પર ઉગતા કમળના ફૂલ પણ 16 ઈંચ વ્યાસનાં થાય છે
પાન સાથે જોડાયેલો ઈતિહાસ
આ ફૂલો પ્રથમ વખત 1851માં ખીલ્યા હતા. ત્યારબાદ આ ફૂલોને ઈંગ્લેન્ડની રાણી વિક્ટોરિયા સામે રજુ કરવામાં આવ્યા ત્યારથી તેનું નામ વિક્ટોરિયા એમેઝોનિકા પડ્યું. લગભગ સો વર્ષ પહેલાં તેને ભારતમાં કોલકાતાના બોટનિકલ ગાર્ડનમાં લાવવામાં આવ્યું હતું. પરંતુ તફલીફ ત્યાં પડી કે મોટા પાનના વ્યાસને કારણે તેની ખેતી થતી નથી, કારણ કે તે પાણીમાં વધુ જગ્યા રોકે છે. તેના બીજ મખાનાની જેમ ખાવામાં આવે છે.
પ્રમુખ સ્વામીનગરમાં પાંદડા પર પ્રભુને બિરાજમાન કરાયા
અમદાવાદ ખાતે ઉભા કરાયેલા પ્રમુખ નગરમાં ખાસ એમેઝોનનાં જંગલમાંથી લાવવામાં આવ્યા છે. પહેલી નજરમાં આ પાનને જોતા લોકોને લાગ્યું કે આ પ્લાસ્ટિકનાં હશે એટલે કે આર્ટીફીશીયલ હશે. પરંતુ એવું નથી. આ છે તો કમળનાં જ પાન, પણ એમેઝોનના જંગલમાં જ ઊગતા આ કદાવર પાન પ્રમુખ સ્વામીનગરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. સંધ્યા કાળનાં સમયે આ પાંદડા પૈકી એક પાન પર સ્વામીનારાયણ ભગવાનની મૂર્તિ અને એક પાન પર પ્રમુખ સ્વામીની દિવ્ય પ્રતિમા મૂકવામાં આવી હતી. જે લોકો જોવા આવ્યા તેઓ આ નજારો જોઈએ અભિભૂત થઇ ગયા.