સુરતમાં એક તરફ કલેક્ટર દ્વારા રેમડેસીવીર ઇન્જેકશન ખાનગી હોસ્પિટલોના દર્દીઓને નહી મળે એવી વાત કરાયા પછી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 5000 ઇન્જેક્શન મફત આપવાની જાહેરાત કરી હતી. સી.આર.પાટીલે કરેલી આ જાહેરાતને પગલે આજે ભાજપ કાર્યાલય બહાર રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે દર્દીઓના સગાઓની સવારથી જ લાઇન લાગી હતી.
સવારથી જ લોકો ઇન્જેક્શન માટે લાઈનમાં લાગ્યા
ભાજપ દ્વારા એક સંદેશ ફેલાવવામાં આવ્યો હતો, જેમાં ઉલ્લેખ મુજબ ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના ઉપક્રમે ભાજપ કાર્યાલય ઉધના ઉપર થી 10:30 વાગ્યાથી દર્દીને વ્યક્તિદીઠ એક રેમડેસીવીર ઇન્જેક્શન વિનામૂલ્યે આપવામાં આવશે. ડોક્ટરનું પ્રિસ્કીપશન સાથે લાવવાનું રહેશે . ફક્ત 9-4-21 તથા 10-4-21 ના ડોક્ટરના પ્રિસ્કીપશન માન્ય રહેશે. કુપન આપી જથ્થા પ્રમાણે ઇન્જેક્શન ઉપલબ્ધ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી પરિવાર સુરત મહાનગર. આ સંદેશ સોસ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થતા લોકો પોતાના સ્નેહીજન માટે આ ઇન્જેક્શન મેળવવા દોડી ગયા હતા, અને જોત-જોતામાં કોરોના સામે લડત આપવા જાણે પોતે જ કોરોનાને નોતરી રહ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
સ્ટોક પતી જતા કલેક્ટરે હાથ ખંખેરી લીધા
મહત્વની વાત છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સુરતમાં થયેલ મિટિંગ બાદ સુરતમાં કોરોના વાયરસની ગંભીરતા જોતા આ ઇન્જેક્શન ફાળવવાની જાહેરાત કરી હતી. અને પ્રથમ સ્ટોકમાં 2500 ઇન્જેક્શન પણ ફાળવવામાં આવ્યા હતા. જો કે આ ઇન્જેક્શનનો જથ્થો લગભગ સમાપ્ત થવાને આરે આવતા સુરત જિલ્લા કલેકટરે હવેથી ખાનગી હોસ્પિટલમાં ઇન્જેક્શન નહીં ફાળવાયની જાહેરાત કરી ખાનગી હોસ્પિટલના દર્દીઓને રઝળવા મૂકી દીધા હતા. જો કે બીજેપી દ્વારા ફરી 5000 ઇન્જેક્શન વિનામૂલ્યે વહેંચવાની આ જાહેરાતને પગલે લોકોએ બીજેપી કાર્યાલય પર દોટ મૂકી હતી..
ઉલ્લેખનીય છે કે રેમડેસીવીર ઇન્જેકશન એ સરકારના હસ્તક લોકો સુધી પહોંચાડવાની મુહિમ હોય શકે, પણ આ ઇન્જેક્શન પાલિકા કમિશનર કે કલેકટર નહીં પણ બીજેપીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ દ્વારા બીજેપી કાર્યલય ખાતે વહેંચવામાં આવતા શું આ ઇન્જેક્શન બીજેપીએ આપ્યા છે? એવી પણ ચર્ચા હાલ શહેરમાં ચાલી રહી છે..
કિરણ હોસ્પિટલને પણ ફાળવાશે રેમડેસીવીર ઇન્જેકશન
રાજ્ય સરકાર દ્વારા સુરત મહાનગરની કિરણ હોસ્પિટલને આજે સાંજ સુધીમાં 10 હજાર નંગ રેમડેસીવીર ઇન્જેકશન પહોંચાડી દેવામાં આવશે. આ રેમડેસીવીર ઇન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સુરત માટે ખાસ કિસ્સામાં આસામના ગૌહાતીથી એર લિફ્ટ કરીને સુરત પહોચાડવામાં આવી રહ્યા છે.