જયપુર નજીક આવેલા ચૌમુન શહેરમાં ગઈ કાલે ગુરુવારે મધ્યરાત્રિએ અચાનક સાંપ્રદાયિક તણાવ સર્જાયો હતો. ઘટનામાં એવું બન્યું હતું કે શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલી એક મસ્જિદની બહાર પડેલા પથ્થરો હટાવવાની કાર્યવાહી દરમિયાન વિવાદ ઊભો થયો હતો. જે થોડા જ સમયમાં અંધાધૂંધી અને હિંસામાં ફેરવાઈ ગયો. સ્થિતિ વણસતા કેટલાક લોકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો. જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
મળતી માહિતી અનુસાર આ વિવાદ મસ્જિદ પાસે રસ્તાના કિનારે મૂકેલા પથ્થરોને દૂર કરવા સંબંધિત છે. ગઈ કાલે ગુરુવારે સાંજે એક ચોક્કસ સમુદાયના સભ્યો અને પોલીસ વહીવટીતંત્ર વચ્ચે વાતચીત થઈ હતી. જે દરમિયાન સમુદાય પોતે પથ્થરો દૂર કરવા સંમત થયો હતો.
પથ્થરો હટાવ્યા પછી એક ચોક્કસ સમુદાયના સભ્યોએ વહીવટીતંત્રની સંમતિ વિના લોખંડની રેલિંગ લગાવીને સીમા દિવાલ બનાવવાનું શરૂ કર્યું. જ્યારે તેમને રોકવામાં આવ્યા ત્યારે કેટલાક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો. અચાનક કેટલાક લોકોએ વિરોધ નોંધાવતા વાતાવરણ તંગ બન્યું. વિવાદ વધતા રાત્રે અંદાજે 2 વાગ્યાની આસપાસ તોફાનીઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો.
પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. થોડીવાર માટે બસ સ્ટેન્ડ વિસ્તાર યુદ્ધના મેદાન જેવો બની ગયો હતો. ડીસીપી પશ્ચિમ હનુમાન પ્રસાદ મીણાએ જણાવ્યું કે પથ્થરમારાની ઘટનામાં કેટલાક પોલીસ અધિકારીઓને ઇજા પહોંચી હતી પરંતુ વધારાની પોલીસ ફોર્સ બોલાવીને સ્થિતિને ઝડપી રીતે નિયંત્રિત કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ચૌમુન શહેરમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. અનેક પોલીસ સ્ટેશનોની ટીમો અને કંટ્રોલ વાહનો ઘટનાસ્થળે મુકવામાં આવ્યા છે. સમગ્ર વિસ્તારને સુરક્ષા છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે.
પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે વહીવટીતંત્રે સાવચેતીના પગલા તરીકે મોબાઇલ ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા સેવાઓ અસ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે. વિભાગીય કમિશનર પૂનમના આદેશ અનુસાર 26 ડિસેમ્બર સવારે 7 વાગ્યાથી 27 ડિસેમ્બર સવારે 7 વાગ્યા સુધી 2G, 3G, 4G, 5G ડેટા તેમજ WhatsApp, Facebook અને X જેવી સેવાઓ બંધ રહેશે. ફક્ત વોઇસ કોલ અને બ્રોડબેન્ડ સેવાઓ ચાલુ રહેશે.
વહીવટીતંત્રે નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.