સુરત: રાજ્યનું વાહન વ્યવહાર મંત્રાલય હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ (HSRP) લગાવવાની અત્યાર સુધી કામગીરી કરનાર જૂની એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થવા છતાં નવી એજન્સીની નિમણૂકની પ્રક્રિયા કરવાનું ભૂલી જતાં સુરત સહિત રાજ્યભરના લાખો જૂના વાહનના માલિકો HSRP નંબર પ્લેટ લગાવી શકશે નહીં. વાહન વ્યવહાર વિભાગે નવાં વાહનોના વેચાણના 48 કલાકમાં આ પ્રકારની નંબર પ્લેટ લગાવવાની જવાબદારી વાહન ડિલરોને આપી છે.
- એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થતાં સુરત આરટીઓમાં જૂનાં વાહનોમાં HSRP નંબર પ્લેટની કામગીરી અટકી
- વાહન વ્યવહાર મંત્રાલય જૂની એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થવા છતાં નવી એજન્સીની નિમણૂકની પ્રક્રિયા કરવાનું ભૂલી ગયું, હજારો જૂના વાહનમાલિકો અટવાશે
સુરતમાં 13 ડિલરને આ જવાબદારી સોંપવામાં આવી છે. એટલે એવાં વાહનોને કોઈ સમસ્યા નહીં નડે, પણ સુરતમાં 6 લાખથી વધુ જૂનાં વાહનો પર હજી HSRP નંબર પ્લેટ લાગી નથી. પોલીસ કે આરટીઓ દંડ કરે ત્યારે જ નંબર પ્લેટ લગાવવા દોડતા હોય છે. આરટીઓમાં કામ કરતી એજન્સીએ 26 મે પહેલાં નંબર પ્લેટ માટે અરજી કરનારા વાહનચાલકોને નંબર પ્લેટ લગાડી આપી છે. એ પછી કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
26મેના રોજ જ કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો
જૂનાં વાહનોમાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફિટ કરનાર FTA HSRP સોલ્યુશનનો કોન્ટ્રાક્ટર 26 મેના રોજ પૂર્ણ થઈ ગયો છે. એના સ્થાને નવી એજન્સી નિયુક્ત કરવામાં આવી નથી. બીજી તરફ આરટીઓ કચેરીમાં જૂના વ્હીકલમાં નંબર પ્લેટ ફિટ કરવાની રસીદ ઈશ્યુ કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. એના લીધે હજારો વાહનમાલિકોને હવે નંબર પ્લેટ કોણ ફિટ કરી આપશે એ પ્રશ્નનો ઉત્તર આરટીઓ પાસે પણ નથી. જો કે હવે જો HSRP નંબર પ્લેટ લગાવ્યા વિનાની કોઈ પણ ગાડીને પોલીસ પકડશે તો ચોક્કસ ઘર્ષણ થવાના એંધાણ છે. હવે આ મામલે આગળ શું નિર્ણય લેવાય છે તે જોવાનું રહેશે.