ઋત્વિક રોશન પાસે ફિલ્મો ન હોય તો એ વાત પણ ચર્ચા બને છે. આવી ચર્ચા પૂરવાર કરે છે કે તેની સ્ટારવેલ્યુ શું છે. જો કે છેલ્લા ઘણા વર્ષોથી તે થોડો રહસ્યમય બની ગયો છે. આમ પણ તેને બહુ બોલ બોલ કર્યા કરવાની ટેવ નથી. જાહેર કાર્યક્રમોમાં પણ કયારેક જ દેખાય છે. આ દરમ્યાન તેના ડાઈવોર્સ અને કંગના સાથેના સંબંધે પણ તેને રહસ્યમય બનાવ્યો છે. તે જે કાંઇ વફાદાર છે તે કેમેરા સામેના કામને. પરડા પર તે આવે અને પ્રેક્ષકોને જીતી લે છે. તે વર્ષમાં બે-ચાર ફિલ્મો આપવા ટેવાયેલો નથી. આ બાબતે તે આમીર ખાન બની ગયો છે. હવે તો એ રસ્તે રણબીર કપૂર પણ ચાલે છે. તેમાં વળી વિત્યા દોઢ-બે વર્ષમાં તો ભલભલા ધીમા અને ઢીલા પડી ગયા છે.
પરંતુ ઋતિક હવે ફરીથી કામે ચડયો છે. જેની સાથે ‘વોર’ બનાવી હતી એ સિધ્ધાર્થ આનંદની ‘ફાઇટર’નું શૂટિંગ તેણે શરૂ કરી દીધું છે. આ વખતે તેની સાથે કોઇ નવી અભિનેત્રી નથી બલ્કે દિપીકા પાદુકોણ છે. દિપીકા પણ ખુશ છે કે ઋત્વિક સાથે તે દેખાશે. હકીકતે તે બન્ને બે-અઢી વર્ષે સાથે દેખાવાના છે. ઋતિક શૂટિંગ ત્યારે જ શરૂ કરે છે જયારે પટકથા બાબતે પૂરતો સંતોષ થયો હોય. ‘ફાઇટર’ એક અર્થમાં ‘વોર’ની સિકવલ છે. સિધ્ધાર્થ આનંદે જ રેમોન છીબ સાથે મળી તેની પટકથા લખી છે. આ ફિલ્મમાં ટર્કીનો અભિનેતા, નિર્માતા બીરોલ ટર્કન યિલ્ડિઝને મોટી ભૂમિકા મળી છે. તે પ્રોફેશનલ કરાટે ફાઇટર છે અને 14 વાર સ્વિટર્ઝલેન્ડમાં 14 વાર ચેમ્પિયન રહી ચૂકયો છે. ઋતિકે ટાઇગર શ્રોફ સામે કામ કરેલું અને હવે બીરોલ સામે કરશે અને તે પરથી જે એકશનનું સ્ટાન્ડર્ડ કેવું રહેશે તે નક્કી કરી શકો. ઋતિક આવા પડકારો લેવા તૈયાર રહે છે અને તેથી જ તો તેની ફિલ્મોની રાહ જોવાતી હોય છે.
ઋતિક ડાન્સર સારો કે તેની એકશન સારી એ પૂછવા જેવું નથી. પરદા પર નબળા ન પડવું તે તેનો નિર્ધાર હોય છે. આ કારણે જ તેની ફિલ્મ સોલ્લિટ હોય છે. ભારતની પ્રથમ એરિયલ એકશન ફ્રેન્ચાઇઝી હોવાનું કહેવાય છે. 2022માં ઋતિક એકદમ જોરમાં આવશે. પણ ઋતિક ‘ફાઇટર’ ઉપરાંત હમણાં ‘વિક્રમ વેધા’ની રિમેકમાં ય કામ કરે છે. આર. માધવન અને વિજય સેથુપતી અભિનીત તમિલ ફિલ્મ જબરદસ્ત સફળ રહી હતી હવે એ ફિલ્મ ઋતિક અને સૈફ અલી ખાનને લઇ બની રહી છે. ઋતિક એક પોલીસ અધિકારી છે જે વેધા નામના અપરાધીની શોધમાં છે. વાતનો ટર્નિંગ પોઇન્ટ એ છે કે વેધા સ્વયં સરંડર કરે છે અને પોતાની કહાણી કહે છે. આ ફિલ્મનું શૂટિંગ યુરોપના દેશોમાં ઓકટોબરથી શરૂ થવાનું છે અને આવતા વર્ષે સપ્ટેમ્બરમાં તે રજૂ થશે. એ ફિલ્મમાં ઋતિકની પત્ની અને વકીલ તરીકે રાધિકા આપ્ટે આવશે. આ ફિલ્મનું દિગ્દર્શન મૂળમાં પુષ્કર અને ગાયત્રીએ કરેલું અને એ બંને જ આ રિમેકનું ય દિગ્દર્શન કરશે.
ઋતિક અત્યારે તેના કોવિડ-19ના દિવસો વિશે વાત કરવાના મૂડમાં નથી પણ સુઝાન અને બંને દિકરા સાથે તેને સારો સમય પસાર કરવા મળ્યો તેનો આનંદ છે. આ દરમ્યાન જ બીજી વાત એ પણ બની છે કે તેની સગી બહેન સુનયના તો ફિલ્મોમાં નથી આવી પણ તેના કાકા રાજેશ રોશનની દિકરી પશ્મીના રોશન ફિલ્મોમાં અભિનય માટે તૈયાર થઇ છે. મતલબ કે હવે રોશન પરિવાર ફિલ્મોમાં આગળ વધી રહયો છે. શકય છે કે આવનારા સમયમાં ઋતિકના બંને દિકરા રિહાન અને રિદાન પણ ફિલ્મોમાં આવે. ઋતિક અત્યારે ‘ક્રિશ 4’માં ય કામ કરી રહયો છે. હમણાં એવી વાત આવી હતી કે આ ફિલ્મમાં તે ચાર ભૂમિકા ભજવશે. પણ તેના પિતા રાકેશ રોશને સ્પષ્ટતા કરી છે કે ના, ના એવું કાંઇ નથી. ઋતિક સંજયલીલા ભણશાલીની ફિલ્મમાં પણ ફરી કામ કરશે એવું સંભળાય છે પણ એ તો પછીની વાત અત્યારે તે બે ફિલ્મોમાં બિઝી થઇ ગયો છે.