Business

હોય ધાર્યું ક્યાં હમેશાં થાય છે, ભરવસંતે ફૂલ પણ કરમાય છે !

નાનકડું એવું તગડી ગામ ધંધુકાથી ખાસ દૂર નહોતું. આઠ કિલોમીટર દૂરનું ગામ આ યુગમાં સાવ પાદરમાં હોય એવું જ માની શકાય. ગામ તો સુખી જ છે, ને એમાંય ગામના સરપંચ હનુભા ઝાલાની ડેલી કદાચ ગામમાં સૌથી વધારે સુખી કહી શકાય એવી. “સહદેવસિંહભાઈ,” એક દિવસ ગામના પાદરે આવેલા તળાવની પાળે આવેલા લીમડાના ચોતરા પર બેઠેલા યુવાનો પૈકી એકે કહ્યું, “આ વખતે સરપંચશ્રી પંદરમી ઓગષ્ટ નિશાળના છોકરાઓને શું આપવાના છે એ જાણો છો?”

‘‘ ના રે વનરાજસિંહ,” સહદેવસિંહે જવાબ આપ્યો, “એ દર વખતે કઇંકને કઇંક તો છોકરાઓને આપે જ છે, આ વખતે એ રીતે કઇંક આપવાના હશે. તમને ખબર હોય તો કહો.” આ વખતે એ બધા વિદ્યાર્થીઓને,” વનરાજસિંહે સહેજ આગળ આવીને કહ્યું, “આ વખતે એ પેન કે પેન્સિલ એવું નથી આપવાના, પણ દરેકને એક એક સ્માર્ટફોન આપવાના છે !” “હે…!” જસુભાએ આશ્ચર્યથી કહ્યું, “પણ સ્માર્ટફોન તો લગભગ દસ-પંદર હજારનો આવે છે, બધાને એટલો મોંઘો ફોન આપશે? પણ શા માટે આટલો મોંઘા ફોન?”

મનેય ખબર નહોતી,” વનરાજસિંહે કહ્યું, “પણ પરમ દિવસે આપણાં સરપંચ હનુભા ઝાલાના દીકરીના ઈલાબા ધંધુકા જતા હતા ને હુંય એમની સાથે બસમાં હતો, એમણે મોબાઈલની સારી દુકાનનું પૂછ્યું એમાંથી મને ખબર પડી. મેં એમને કહ્યું કે, ઈલાબા, આટલી મોંઘી ભેટ હોય? તો એમણે કહ્યું કે, મારી પાસે સરસ સ્માર્ટફોન છે તો હું મારા ભાઈ જયવીરસિંહ સાથે બોર્ડર ઉપર વાત કરી શકું છું, આપણી નિશાળના કેટલાય છોકરાઓની બહેન કે છોકરીઓના ભાઈ બહાર હશે, એ સારી રીતે વાત કરી શકે, અને બીજું કે, અત્યારે ઓનલાઈન ક્લાસ ચાલે છે એનો લાભ આ મોબાઈલ દ્વારા લઈ શકે.”

“વાહ વાહ,” સહદેવસિંહ બોલ્યા, “જેટલી લાગણી હનુભાને ગામ તરફ છે, એટલી જ લાગણી ઈલાબાને પણ છે એ આનંદની વાત છે.” “અને એટલી જ લાગણી જયવીરસિંહને પણ છે,” વનરાજસિંહ બોલ્યા, “એટલે તો એ દર વખતે છૂટ્ટી પર આવે, ત્યારે બોર્ડરની આજુબાજુના ગામમાંથી આપણાં ગામના છોકરાઓ માટે કઇંક ને કઇંક ભેટ લેતા જ આવે છે. ગામની નિશાળને પણ ભેટ આપે છે. બેઠકજીમાં પણ પૈસા આપે છે. એમને શ્રધ્ધા છે એટલે ગામ માટે એ ઘણું કરે છે.”

….. “અત્યારે જયવીરસિંહનું પોસ્ટિંગ ક્યાં છે?” જસુભાએ પૂછ્યું. હમણાં સુધી પુલવામામાં હતું,” વનરાજસિંહે ફરી સહેજ આગળ આવીને કહ્યું, “ અને હમણાં હમણાં એ કાશ્મીરના કુપવાડામાં છે, આવું મને ઈલાબાએ કહ્યું.” તો તો આ બળેવ ઉપર આવવાના હશે, ખરુંને?”સહદેવસિંહે પૂછ્યું. “આ તો મિલિટરીનો મામલો છે,” વનરાજસિંહે કહ્યુ, “ને અત્યારે કુપવાડામાં નાના નાના છમકલા થયા જ કરે છે, એટલે કદાચ એમને રજા ન મળે એવું પણ બને.” ઈલાબાએ કહ્યું?” સહદેવસિંહે પૂછ્યું. “ના રે,” વનરાજસિંહ બોલ્યા, “આ તો પરમદિવસે હું ખેતરે ગયો હતો ત્યાં હનુભા મળી ગયા એટલે મેં એમને પૂછી લીધું, ને એમણે આમ કહ્યું. જો કે, જયવીરસિહ રજા માટે અરજી તો આપી જ રાખી છે, જોઈએ હવે.”

થોડી ક્ષણો ચોતરા પર શાંતિ છવાઈ રહી. રોડ પરથી પસાર થતા અમદાવાદ-ભાવનગરના વાહનોના કર્કશ અવાજો નજીકના તળાવમાં આંદોલિત થતા રહ્યા. “ભલે,” સહદેવસિંહ બોલ્યા, “મારી ઈચ્છા છે કે, આ વખતે ગામ તરફથી આપણે પણ જયવીરસિંહનું સન્માન કરીએ.” “અને કાલે આપણે હનુભાના ઘેર જઈએ” વનરાજસિંહે કહ્યું, “અત્યારે દીકરાના આવવાની ખુશીમાં એમનાં ઘરનું રંગરોગાન ચાલે છે, આપણે બીજું કૈં કામ હોય તો પૂછી લઈએ.” બીજા દિવસે સવારના આ પાત્રો ભેગા થયા અને હનુભાની ડેલીની સાંકળ ખખડાવી. આવો આવો જુવાનીયાઓ,” સાથીએ ડેલી ખોલી એટલે અંદર પ્રવેશેલા આ સૌને જોઈને હનુભા બોલ્યા, “બેસો.”

સાથીએ ખાટલા ઢાળી દીધા એટલે બધાએ બેઠક જમાવી. બધાની નજરનું નાળચું ડેલી પર ફરી વળ્યું. તાજો જ કલર કરેલી ભીતો નવી નવેલી દુલ્હન જેવી શોભતી હતી. ફળિયું પણ એકદમ સાફ અને વ્યવસ્થિત લાગતું હતું. “હનુભાબાપુ” સહદેવસિંહ બોલ્યા, “અમારા લાયક કામકાજ હોય તો ફરમાવો, અમે એટલા માટે જ અહીં આવ્યા છીએ.”

તમને સૌ ભઈલાઓને જ કામ સોંપવાનું હોયને?” અંદરથી ટ્રેમાં આ લઈને આવતા ઈલાબા હસીને બોલ્યા, “પહેલું કામ તો એ છે કે, પરમદિવસે ધંધુકા વનરાજસિંહે બતાવેલી દુકાનેથી મોબાઈલ લઈ આવવાના છે, કાલે એને ત્યાં આવી જશે એટલે એ મને ફોન કરશે. એને પૈસા આપી દીધા છે.” “ભલે ઈલાબા,” વનરાજસિંહ બોલ્યા, “બીજું ?” આજે બુધવાર થયો, રવિવારે બળેવ છે,” ઈલાબા બોલ્યા, “મારો વીરો જયવીર કદાચ શનિવારે રાત્રે પણ આવી જાય.

એના માટે એક-બે જોડી સરસ કપડાં ધંધુકાથી લાવવાના છે, અને રવિવારે બાળકોને વહેંચવા મિઠાઈનો ઓર્ડર પણ ભાણા કંદોઈની દુકાને આપવાનો છે.” “અમે એ બધું સંભાળી લઈશું.” જસુભા બોલ્યા, “હું કાલે રાજેન્દ્રસિંહને સાથે લઈને મિઠાઈનો ઓર્ડર આપતો આવીશ અને જયવીરભાઈ માટે કપડાં પણ લેતો આવીશ.” “અમે પણ કાલે આવીશું ધંધુકા,” સહદેવસિંહ બોલ્યા, “મેં નક્કી કર્યું છે કે, આપણાં ગામમાં આવવાનો રસ્તો શરુ થાય ત્યાંથી આપનાં ઘર સુધી ફૂલના તોરણથી રસ્તો સજાવવો, એટલે એનું પણ કહેતા આવીશું.”

બીજા દિવસથી ગામમાં તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ. નિશાળ પણ વાળીચોળીને સ્વચ્છ બનાવી દેવાઈ. યુવાનોની ટોળી ધંધુકા પહોંચી ગઈ અને બળેવના દિવસ માટેની જરૂરી ખરીદી કરી લીધી. ફૂલના તોરણ અને મિઠાઈના ઓર્ડર પણ અપાઈ ગયા, જયવીહસિંહ માટે કપડાં પણ ખરીદાઈ ગયા. “વનરાજસિંહ,” સહદેવસિંહ બોલ્યા, “ઈલાબાએ તો રાખડી ખરીદી લીધી હશે, પણ મારી ઈચ્છા એવી છે કે, આપણાં ગામના આ એક જ વાર અત્યારે ભારતમાતાની રક્ષા માટે બોર્ડર પર છે, તો આપણે પણ આપણાં તરફથી એમને કઇંક ભેટ આપીએ કે જેથી જીંદગીભર એમને યાદ રહે.” “એમાં પૂછવાનું હોય?” વનરાજસિંહ બોલ્યા, “આવ્યા છીએ તો લેતા જ જઈએ, બોલો, શું લઈશું?”

‘‘ આપણે એમને એક સોનાની વજનદાર વીંટી આપીએ એવી મારી ઈચ્છા છે,” સહદેવસિંહ બોલ્યા, “આપણે પાંચ પાંચ હજાર કાઢીશું તો એક તોલાની સરસ વીંટી આવી જશે. આપણે અંદાજે મારા માપની લઈએ, જો એમને નાની-મોટી થશે તો આપણે બદલાવી જઈશું.”

અડબોથનો ઉધારો ન હોય એમ બધા એ વખતે જ સોનીની દુકાને ગયા અને એક સરસ વીંટી નાની-મોટી થાય તો બદલાવવાની શરતે ખરીદી લીધી. સાંજના એ બધા તગડી પાછા આવ્યા ને હનુભાને આખા દિવસનો રિપોર્ટ આપ્યો. વીંટીની વાત સાંભળીને તો દિવ્યાબાના ચહેરા પર સુરખી પથરાઈ ગઈ. તમે સૌ ઘેર જાવ, કાલે શનિવાર છે એટલે ‘ભઈલાઓ,” ઈલાબા બોલ્યા, “હવે બધી તૈયારીઓ કાલે જ પૂરી કરી નાખજો, તોરણ પણ કાલે સાંજના બંધાવી નાખજો.” આવ્યા શનિવારે બધી તૈયારીઓ પૂરી થઈ ગઈ, બધી વસ્તુઓ પણ આવી ગઈ, ન માત્ર જયવીરસિંહના આગમનના સમાચાર! શનિવારની આખી રાત દિવ્યાબાને ઊંઘ ન આવી. ચાર વરસથી જયવીરસિંહને રજા મળતી જ નહોતી એટલે આ વખતે તો મળશે જ એવી એમને આશા હતી, પણ ભઈલાના કોઈ સમાચાર હજી સુધી ન આવ્યા એટલે એમની ચક્ષુનદીમાં પૂર વહેતું રહ્યું.

રવિવારે સવારના બધા યુવાનો નિશાળ પાસે ભેગા થયા. બધા વિદ્યાર્થીઓ પણ આવી ગયા હતા. જો કે, બધાની નજર તો નિશાળથી દેખાતા રોડ પર જ ચોટેલી હતી. અચાનક એક ટેક્સી રોડ પરથી તગડી ગામ બાજુ વળી, અને બધા આનંદની ચીચીયારીઓ પાડી ઉઠ્યા. દિવ્યાબાની આંખોમાં આંસુઓએ માંડ વિરામ લીધો હતો, એમણે ફરી વહેવાનું ચાલુ કર્યું. નિશાળ પાસે આવીને ટેક્સી ઊભી રહી, અને અંદરથી એક મિલિટરીવાળો ઉતર્યો, ને બધાને ધ્રાસકો પડ્યો. જો કે, એની પાછળ જ જયવીરસિંહ પણ ઉતર્યા ને દિવ્યાબા અને હનુભા પાસે ગયા. હનુભાને એ પગે લાગ્યા અને એમને આશીર્વાદ આપતી વખતે કઠણ કાળજાના હનુભાની આંખો પણ ભીની થઈ ગઈ. દિવ્યાબાએ પોતાની પર્સમાંથી સોનાની રાખડી કાઢી, એ જોઈને સહદેવસિંહે પણ વીંટીનું બોક્ષ હાથમાં લીધું અને એ જયવીરસિંહની નજીક ગયા. હાથ લંબાવો ભઈલા,” દિવ્યાબા બોલ્યા, “ચાર વરસે આજે મોકો મળ્યો છે રક્ષાબંધનનો એટલે અત્યારે જ મારે રાખડી બાંધવી છે.”

“અને અમારે વીંટી પહેરાવવી છે,” સહદેવસિંહ બોલ્યા. જયવીરસિંહે કોટની બાંયમાંથી જમણો હાથ બહાર કાઢ્યો ને દિવ્યાબા બેહોશ થઈને ઢળી પડ્યા- જયવીરસિંહનો કાંડાથી નીચેનો હાથ કપાયેલો હતો! ગયા મહિને કુપવાડામાં એક આતંકી અમારી સામે આવી ગયેલો,” જયવીરસિંહની સાથે આવેલો મિત્ર બોલ્યો, “જયવીરસિહે ગોળી છોડી અને એ તો મરી ગયો, પણ એ જ વખતે એણે જયવીરસિંહના હાથનું નિશાન લઈને છોડેલી ગોળી એમનાં કાંડાને લેતી ગઈ. તરત જ એમને હોસ્પિટલાઈઝ કર્યા ને હવે સારું છે. જો કે, ‘‘

એમણે સમ દઈને ના પાડી હતી એટલે સમાચાર મોકલ્યા નહોતા.” બધા સ્તબ્ધ થઈ ગયા. થોડી ક્ષણો માટે તો કોઈ કશું બોલી જ ના શક્યું. એ દરમ્યાન ઈલાબા પણ ભાનમાં આવી ગયા.‘‘ભઈલા,” આંખમાં આંસુ સાથે એ બોલ્યા, “કેટલા આનંદથી તારા માટે રાખડી ખરીદી હતી, વિદ્યાર્થીઓને તારા હાથે જ ભેટ આપવા મોબાઈલ ખરીદ્યા છે, આ ભઈલાઓએ વીંટી ખરીદી છે……..” બધું થશે,” જયવીસિંહ હસીને બોલ્યા, “મને શું થયું છે? જે થયું છે એ મારા હાથને થયું છે, હું તો મઝામાં છું. ચાલ, ડાબા હામાં રાખડી બાંધી દે બેના, અને સહદેવસિંહ, તમે પણ ડાબા હાથમાં વીટી પહેરાવી દો.”

હેડમાસ્તરે બધા વિદ્યાર્થીઓને કમ્પાઉન્ડમાં બેસાડી દીધા, ને જયવીરસિંહને ત્યાં બોલાવ્યા. “હવે આપણાં ગામના વીર યુવાન શ્રી જયવીરસિંહ એમના વરદ હસ્તે ઈનામોની વહેંચણી કરશે.” મારા વહાલા વિદ્યાર્થીઓ,” જયવીરસિંહ હસીને બોલ્યા, “મારો હાથ વરદ છે કે નહીં એ તો મને ખબર નથી, પણ મરદ છે એ નક્કી !” તાળીઓનો ગડગડાટ થયો, અને એ ગડગડાટ આખા ગામમાં ફેલાઈ ગયો! (શીર્ષકપંક્તિઃ ભારતી ગડા)

Most Popular

To Top