Comments

વિકસિત ભારતનું સપનું કંઈ રીતે પૂરું કરશું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો જવાહરલાલ નેહરુ માટેનો અણગમો જાણીતો છે. બીજી બાજુ તેમને નેહરુ વગર ચાલતું પણ નથી. નેહરુની બરાબરી અને નેહરુથી આગળ નીકળી જવાનાં મનોરથ તેમનાં રાજકારણનો જ નહીં, તેમનાં જીવનનો પણ ખૂંટો છે. તેઓ અને તેમના સમર્થકો કબૂલ નહીં કરે, પરંતુ તેમનું જીવન નેહરુ ફરતે પરિભ્રમણ કરે છે. અને માટે આજે જવાહરલાલ નેહરુને યાદ કરવા પડે એમ છે. વડા પ્રધાને આઝાદીના મંગળ પ્રસંગે લાલ કિલ્લા પરથી બોલતા એક સંકલ્પ જાહેર કર્યો હતો કે આપણો દેશ જે અત્યારે વિકાસશીલ દેશ તરીકે ઓળખાય છે તે ૨૦૪૭માં, જ્યારે દેશ આઝાદીની શતાબ્દી ઉજવતો હશે ત્યારે, વિકસિત દેશ બની ગયો હશે. ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયો ત્યારે તે એક ગરીબ દેશ હતો અને ૨૦૪૭માં તે વિકસિત દેશ બની ગયો હશે.

અહીં પ્રારંભમાં જ આપણે વડા પ્રધાનની તેમણે દાખવેલી ખેલદિલી માટે પ્રશંસા કરવી જોઈએ. તેમણે આડકતરી રીતે કબૂલ કર્યું કે ૧૯૪૭માં દેશ ગરીબ હતો, આગળ જતાં દેશ અવિકસિતમાંથી વિકાસશીલ બન્યો, અત્યારે વિકાસશીલ અવસ્થામાં છે અને વિકસિત બનાવવાનો બાકી છે. આપણને તો કહેવામાં આવતું હતું કે ૨૦૧૪ પહેલાં દેશ કંગાળ અવસ્થામાં હતો અને ૨૦૧૪ પછી તે દુનિયાના દેશો સાથે બરાબરી કરવા લાગ્યો. તેમણે વિદેશની ધરતી પર કહ્યું હતું કે ૨૦૧૪ પહેલાં ભારતના લોકો પોતાને ભારતીય કહેવડાવવામાં શરમ અનુભવતા હતા, પણ હવે તે ગર્વથી કહે છે કે હું ભારતીય છું. આવા તો બીજા અનેક ઉદાહરણ આપી શકાય. પાંચ વરસ પહેલાં તેમણે કહ્યું હતું કે પાંચ વરસમાં ભારત પાંચ ટ્રીલિયન ડોલરની ઈકોનોમી ધરાવતો દેશ બની જશે.

પણ આ વખતે લાલ કિલ્લા પરથી તેમણે જે કહ્યું છે તે વાસ્તવિકતાની ધરાતલ પર રહીને કહ્યું છે. આપણો દેશ વિકાસશીલ દેશ છે એ એક વાસ્તવિકતા છે અને ૨૦૪૭ સુધીમાં તે એક વિકસિત દેશ બને એવું વડા પ્રધાનનું અને આપણા બધાનું સપનું છે. દેશને ગરીબ અવિકસિત અવસ્થામાંથી વિકાસશીલ બનાવવામાં નરેન્દ્ર મોદી સહિત અત્યાર સુધીના દરેક શાસકનું યોગદાન છે અને તેને વિકાસશીલ અવસ્થામાંથી વિકસિત બનાવવામાં તેમના સહિત હવે પછી આવનારા શાસકોનું યોગદાન હશે.

વિકાસ એક યાત્રા છે જે કોઈ એક શાસકના શાસનકાળમાં સમાપ્ત થતી નથી. માર્ગ એક હોય, મંજીલ એક હોય, મશાલચીઓ બદલાતા રહે. ઈતિહાસ કહે છે કે દુનિયા આખીમાં આ રીતે જ પ્રજા કોઈ મંજીલે પહોંચી છે. હા, વિકાસની ગતિ અવરોધાવા લાગે તો માર્ગમાં સુધારા કરવામાં આવે છે, જે રીતે ૧૯૯૧માં પી. વી. નરસિંહ રાવે અને ડૉ. મનમોહન સિંહે કર્યા હતા.
ગરીબ ભારતના વિકાસની યાત્રા ૧૯૪૭માં જવાહરલાલ નેહરુના નેતૃત્વમાં શરુ થઈ હતી. વિકસિત ભારતનું સપનું તો દાયકાઓથી જોવામાં આવતું હતું, પરંતુ તેને સાકાર કરવાની યાત્રા ૧૯૪૭માં શરુ થઈ.

કેવી રીતે તેમણે એ યાત્રા શરુ કરી હશે? કશુંક વિચાર્યું તો હશે જ. આપણી પાસે જમા પક્ષે શું છે, ક્યાં પાછળ છીએ, એક પ્રજા તરીકે આપણામાં શું ખૂટે છે, પ્રજામાં પુરુષાર્થ કઈ રીતે વિકસાવી શકાય, એમાં રાજ્યની શું ભૂમિકા હોઈ શકે, યુનિવર્સીટીઓ અને શિક્ષણ સંસ્થાઓની શું ભૂમિકા હોઈ શકે, વિજ્ઞાનની શું ભૂમિકા હોઈ શકે, જે સરકાર સાથે સીધી રીતે સંકળાયેલા નથી એવા ખાનગી વિદ્વાનો, વિચારકો, પ્રયોગકર્તાઓની શું ભૂમિકા હશે અને તેમનો સહયોગ કઈ રીતે લઈ શકાય, ઘરઆંગણેનાં પરંપરાગત હુન્નરનો કઈ રીતે ઉપયોગ કરી શકાય.

તેમાં જરૂરિયાત મુજબ કેવાકેવા સુધારા કરવા જોઈએ, ખેતીમાં ઉત્પાદકતા વધે એ માટે જમીનમાં કેવા સુધારા કરવા જોઈએ અને ખેડૂતોને શું માર્ગદર્શન આપવું જોઈએ, માર્ગદર્શન ખેડૂત સુધી પહોંચાડવા માટે શું શું ઉપાયયોજના કરવી જોઈએ, નાટક સિનેમા અને બીજા કલામાધ્યમોનો કેવી રીતે લોકશિક્ષણ માટે ઉપયોગ કરી શકાય વગેરે વગેરે સેંકડો બાબતો વિચારી હશે! મશાલ લઈને આગળ ચાલતા મુખિયા પાસે ક્યાં જવું છે એની મંજીલ ન હોય, કલ્પનાશક્તિ ન હોય, પ્રેરકશક્તિ ન હોય, બધાને સાથે લઈને ચાલવાની આવડત ન હોય, આપવા માટે કાર્યક્રમ ન હોય તો યાત્રા આગળ વધે જ નહીં.

જવાહરલાલ નેહરુ પાસે આ બધું હતું. લેટર્સ ટુ ધ ચીફ મિનીસ્ટર્સ આનું પ્રમાણ છે. તેઓ દર પંદર દિવસે એક લાંબો (દસથી પંદર પાનામાં અને કેટલીકવાર તો તેનાથી પણ લાંબો) પત્ર ભારતનાં વિવિધ રાજ્યોનાં મુખ્ય પ્રધાનોને લખતા હતા અને આવું તેમણે સતત પંદર વરસ કર્યું હતું. દર પંદર દિવસે સરેરાશ પંદર પાનાંનો પત્ર પંદર વરસ સુધી. કેટલું કહેવાનું હશે તેમની પાસે! આ સિવાય પક્ષની બેઠકોમાં, અધિવેશનોમાં, આયોજન પંચની બેઠકોમાં, લોકસભામાં, રાજ્યસભામાં અને એવાં બીજાં અનેક મંચ પરથી તેમણે તેમનાં વિચારો વ્યક્ત કર્યા છે.

મને એ દિવસો યાદ છે જ્યારે આયોજનપંચ પંચવર્ષીય યોજનાનો મુસદ્દો જાહેરમાં ચર્ચાવિચારણા માટે મૂકતું ત્યારે આખું એક વરસ તેના વિષે અખબારો અને સામયિકોમાં ગંભીર ચર્ચા થતી. બજેટ વિષે સંસદની બહાર મહિનો મહિનો ચર્ચા થતી અને તેમાં મોટા અર્થશાસ્ત્રીઓ ભાગ લેતા. એવું નહોતું કે દરેક નેહરુના અને કોંગ્રેસના સમર્થક હતા. વિરોધ પણ પ્રચંડ થતો હતો. સી. રાજગોપાલાચારી અને બીજા અનેક જમણેરી કોંગ્રેસીઓ કોંગ્રેસથી અલગ થયા એ મતભિન્નતાને કારણે. મત હતો એટલે મતભેદ થયા. બે સીરીઝ મળીને સમગ્ર નેહરુ સાહિત્ય ૬૦ દળદાર ખંડોમાં પથરાયેલું છે.

વડા પ્રધાને હવે જ્યારે કહ્યું જ છે કે દેશ ગરીબ હતો જે આજે વિકસશીલ અવસ્થામાં છે અને હવે વિકસિત કરવાનો છે તો તેમણે જવાહરલાલ નેહરુને અનુસરીને એ સપનું કઈ રીતે સાકાર કરી શકાય એ વિષે પોતાનાં વિચાર વ્યક્ત કરવા જોઈએ, લોકોને માર્ગદર્શન આપવું જોઈએ વગેરે. જવાહરલાલ નેહરુનાં મુખ્ય પ્રધાનોને લખેલાં પત્રો અને યાત્રામાં ભાગીદારીનું તેમણે વિકસાવેલું મોડેલ તપાસવા જેવું છે. તમારા વિચાર ભલે નેહરુથી અલગ હોય, તમારું મોડેલ ભલે નેહરુથી અલગ હોય. યજ્ઞમાં સામૂહિકતા જરૂરી છે અને વિકાસ એક યજ્ઞ છે. પણ એને માટે સાચી નિસ્બત જરૂરી છે. નેહરુનાં વ્યાખ્યાનો અને પત્રો જોઇને મને ઘણીવાર એમ થાય કે નેહરુની અંદર કેટલો અજંપો હશે! કેટલી તાલાવેલી હશે! કેટલી તત્પરતા હશે! કેટલી નિસ્બત હશે!

મોટાં સપનાં સાકાર કરવા માટે વ્યાપક વિમર્શ અને ભાગીદારી માટેની અનુકૂળ ભૂમિ એ પહેલી શરત છે. દરેક બાબતે અને દરેક પ્રસંગે સંપૂર્ણપણે સર્વસંમતી શક્ય નથી, પણ વ્યાપક સર્વસંમતી બનાવી શકાય અને બનાવવી જોઈએ. ૧૯૯૧માં પી. વી. નરસિંહ રાવ પાસે લોકસભામાં સાદી બહુમતી નહીં હોવા છતાં તેઓ આઝાદી પછી ક્યારેય સુધારા નહોતા થયા એવા ધરખમ સુધારા કરી શક્યા હતા એનું કારણ ઈચ્છાશક્તિ, ઈરાદામાં પ્રામાણિકતા અને અનુકૂળતા પેદા કરવા માટેની જહેમત હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી સંકલ્પ જાહેર કર્યો છે, પણ એ સંકલ્પ છે કે વધુ એક જુમલો એ હવે પછી ખબર પડશે. પાંચ વરસ વીતી ગયા અને પાંચ ટ્રીલિયન ઇકોનોમીથી આપણે ૩૫ વરસ દૂર છીએ. ભારતને વિકસિત દેશ બનાવવા માટે પાંચ વરસ હાથમાં છે. નેહરુનો અજંપો હશે તો સપનું સાકાર થશે.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top