SURAT

મેટ્રો રેલ માટે મક્કાઇ પુલથી ચોકબજાર સુધીની પાણી અને ગટર લાઈન કેવી રીતે શિફ્ટ કરાશે? મનપા જ અજાણ

સુરતઃ સુરતમાં ખૂબ મોટા ઉપાડે મેટ્રો રેલનું કામ શરૂ થયું છે. ડ્રીમ પ્રોજેક્ટ માટે જોરશોરથી કામ ચાલી રહ્યું છે. શહેરમાં ઠેરઠેર રસ્તા ખોદી નાંખવામાં આવ્યા છે. આ મેટ્રો રેલ શહેરના કોટ વિસ્તારમાંથી અંડરગ્રાઉન્ડ પસાર થનારી છે, તે પણ પહેલેથી જ નક્કી છે, ત્યારે હવે એક નવી વાત બહાર આવી છે. અંડરગ્રાઉન્ડ રૂટ અને સ્ટેશનના લીધે કોટ વિસ્તારમાં પહેલી જ હયાત પાણી અને ગટરની લાઈન પ્રભાવિત થાય તેમ છે. આ બંને લાઈનોને શિફ્ટ કરવી કે પછી તેને નુકસાન નહીં થાય તે રીતે મેટ્રો માટે અંડરગ્રાઉન્ડ કામગીરી કરવાની હોય છે, આ ખૂબ જ મહત્ત્વની કામગીરી છે, પરંતુ નવાઈની વાત એ છે કે જીએમઆરસી દ્વારા કોટ વિસ્તારમાં પાણી અને ગટરની લાઈનને શિફ્ટ કરવા માટે શું પ્લાન છે તે વિશે હજુ સુધી સુરત મહાનગરપાલિકાને કોઈ જ જાણકારી નથી. મનપાએ બુધવારે જીએમઆરસી પાસે આ અંગેના પ્લાનની વિગતો માંગી તેના પરથી એ ફલિત થાય છે.

વાત એમ છે કે, (Surat) શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) એવા મેટ્રો રેલની (Metro Rail) કામગીરી એકપછી એક સ્ટેપ આગળ વધી રહી છે. ત્યારે હવે અંડરગ્રાઉન્ડ રૂટની (Underground rout) કામગીરી શરૂ થઇ શકે તેવી તૈયારી અંતિમ ચરણમાં પહોંચી ચૂકી છે. ટનલ બોરિંગ મશીનનું એસેમ્બલિંગ પણ અંતિમ તબક્કામાં છે. ત્યારે મક્કાઇ પુલથી ચોક બજાર સુધીના રૂટ અને અંડર ગ્રાઉન્ડ સ્ટેશનના કારણે ડિસ્ટર્બ થતી પાણી અને ગટરની લાઇનોના શિફ્ટિંગ માટે જીએમઆરસી (GMRC) પાસે શું પ્લાનિંગ છે તે રજૂ કરવા મનપાએ તાકીદ કરી છે. તેમજ આ લાઇનોનું ડાયવર્ઝન પ્લાન સબમિટ કર્યાં પછી જ નિર્માણ કામગીરી શરૂ કરવા સૂચના આપી હતી.

તમને જણાવી દઈએ કે, ભૂગર્ભ મેટ્રો સ્ટેશનના નિર્માણ પહેલાં પાણી સપ્લાય તથા ડ્રેનેજ નેટવર્ક સહિતની યુટિલિટી લાઇનનું શિફ્ટિંગ પડકારરૂપ કામગીરી છે. જેમાં યોગ્ય પ્લાનિંગના અભાવે કામગીરી હજુ સુધી શરૂ થઇ શકી નથી.

મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીના લીધે હયાત પાણીની લાઇન તેમજ ડ્રેનેજ લાઇન પણ મોટાપાયે શિફ્ટિંગ કરવાનું થાય છે, જે ટેક્નિકલી બાબતોના લીધે ઘોંચમાં પડ્યું છે. મનપાએ નક્કી કરેલા મેટ્રો રૂટની યુટિલિટી લાઇનનું મેપ જીએમઆરસીને સુપરત કરી દીધું હોવા છતાં જીએમઆરસી હજુ પણ ઘણા રૂટ પર લાઇનનું ડાયવર્ઝન પ્લાન નક્કી કરી શકી નથી.

Most Popular

To Top